Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Foreign Ministry reacts to foreign journalist's question in Norway

'શું PM MODI ભારતીય મીડિયાના અઘરા સવાલોના જવાબો આપશે?’ વિદેશી પત્રકારના સવાલ પર વિદેશ મંત્રાલય લાલચોળ

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
'શું PM MODI ભારતીય મીડિયાના અઘરા સવાલોના જવાબો આપશે?’ વિદેશી પત્રકારના સવાલ પર વિદેશ મંત્રાલય લાલચોળ
સોર્સ : gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસ દરમિયાન નોર્વેમાં યોજાયેલા એક પ્રેસ કાર્યક્રમ બાદ સવાલ-જવાબને લઈને રાજકીય અને મીડિયા જગતમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ નોર્વેના પીએમ સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, પરંતુ મીડિયાના સવાલોના જવાબ આપ્યા ન હતા.

App Store

આ ઘટના બાદ યોજાયેલી ભારતીય વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં નોર્વેના એક મહિલા પત્રકારે ભારતમાં માનવાધિકાર અને પ્રેસની સ્વતંત્રતાને લઈને ખૂબ જ આક્રમક સવાલો પૂછ્યા હતા. આ સવાલો સામે વિદેશ મંત્રાલયના પશ્ચિમી મામલાના સચિવ સિબી જ્યોર્જે કડક શબ્દોમાં ભારતનો પક્ષ રજૂ કરીને સણસણતો જવાબ આપ્યો હતો. નોંધનીય છે કે પીએમ મોદી હાલ પાંચ દેશોના પ્રવાસે છે, જેમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ, નેધરલેન્ડ અને સ્વીડનની મુલાકાત લીધા બાદ નોર્વે તેમનો ચોથો પડાવ છે અને આ પછી તેઓ ઇટાલી જવાના છે.

નોર્વેની પત્રકારનો વીડિયો વાઇરલ થયો

નોર્વેના પત્રકાર હેલે લિંગે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં પીએમ મોદી સંયુક્ત નિવેદન આપ્યા બાદ ત્યાંથી બહાર જતા જોવા મળે છે. આ વીડિયોમાં એક મહિલાનો અવાજ સંભળાય છે, જે પૂછે છે કે ‘દુનિયાના સૌથી સ્વતંત્ર પ્રેસના સવાલોના જવાબ કેમ લેવામાં નથી આવી રહ્યા?’ એટલું જ નહીં, બાદમાં તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘નોર્વે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ (પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક)માં પ્રથમ ક્રમે છે જ્યારે ભારત 157મા ક્રમે છે. સરકારોને સવાલ પૂછવા એ જ પત્રકારોની મુખ્ય જવાબદારી છે.’

વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં ઉગ્ર ચર્ચા

આ ઘટના પછી યોજાયેલી વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં પણ એ જ મહિલા પત્રકાર હાજર રહ્યાં હતાં. તેમણે સિબી જ્યોર્જને સવાલો કર્યા કે ‘દુનિયા ભારત પર કેમ ભરોસો કરે, શું ભારતમાં માનવાધિકાર ઉલ્લંઘન બંધ થશે અને શું પીએમ મોદી ભારતીય મીડિયાના અઘરા સવાલોના જવાબો આપશે?’

આ સવાલો બાદ સિબી જ્યોર્જે ભારતનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો હતો. તેમણે આક્રમક અંદાજમાં કહ્યું કે ‘ભારત માત્ર એક દેશ નથી, પણ પાંચ હજાર વર્ષ જૂની અવિરત વહેતી સભ્યતા છે, જે પોતાની વસ્તી, સરકાર અને સંપ્રભુતા સાથે દુનિયામાં અડીખમ ઊભી છે.’

તેમણે કોરોના મહામારીનું ઉદાહરણ આપતા ઉમેર્યું કે ‘એ કપરા સમયમાં પણ ભારતે દુનિયાથી અલગ થવાને બદલે જરૂરિયાતમંદ દેશોની મદદ કરી હતી અને આ જ સેવાભાવ વૈશ્વિક સ્તરે ભારત પરનો ભરોસો મજબૂત કરે છે.’

'વચ્ચે ના ટોકો... અધિકાર ભંગ થાય તો કોર્ટ જાઓ'

આ દરમિયાન પત્રકાર સતત વચ્ચે બોલીને અટકાવતી હોવાથી સિબી જ્યોર્જ નારાજ થયા હતા અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'કૃપા કરીને મને વચ્ચે ન ટોકો. તમે સવાલ પૂછ્યો છે તો મને જવાબ આપવા દો. સવાલ પૂછનારી વ્યક્તિ એ નક્કી ન કરી શકે કે જવાબ કઈ રીતે આપવો, મારા દેશનો પક્ષ કઈ શૈલીમાં રજૂ કરવો એનો મને અધિકાર છે.'

માનવાધિકારોના મુદ્દે ભારતીય સચિવે સણસણતો જવાબ આપતા કહ્યું કે ‘ભારત દુનિયાની કુલ વસ્તીનો છઠ્ઠો ભાગ છે, પરંતુ તે દુનિયાની સમસ્યાઓનો છઠ્ઠો ભાગ નથી. ભારતનું બંધારણ દરેક નાગરિકને મૌલિક અધિકારો આપે છે અને દેશમાં મહિલાઓને સમાન દરજ્જો મળેલો છે. ભારતે 1947માં આઝાદીની સાથે જ મહિલાઓને મતદાનનો અધિકાર આપી દીધો હતો, જ્યારે દુનિયાના ઘણાં દેશોમાં આ અધિકાર દાયકાઓ પછી મળ્યો હતો.’

તેમણે સ્પષ્ટ કર્યું કે, 'અમે સમાનતા અને માનવાધિકારમાં વિશ્વાસ રાખીએ છીએ અને જો કોઈના અધિકારોનું ઉલ્લંઘન થાય તો તેને કોર્ટ જવાનો સંપૂર્ણ અધિકાર છે. અમને અમારા લોકશાહી દેશ પર ગર્વ છે.'

ભારતની મીડિયા વ્યવસ્થા અને પીએમના સવાલો પર સ્પષ્ટતા

સિબી જ્યોર્જે વધુમાં જણાવ્યું કે, ‘અનેક લોકો ભારતની મીડિયા વ્યવસ્થાના વિશાળ કદ અને જટિલતાને સમજ્યા વિના જ ટિપ્પણીઓ કરવા લાગે છે. માત્ર દિલ્હીમાં જ સેંકડો ન્યૂઝ ચેનલો જુદી-જુદી ભાષામાં સતત કામ કરી રહી છે. કેટલાક NGOના અહેવાલો વાંચીને લોકો ભારતની વાસ્તવિકતા જાણ્યા વિના સવાલો ઉઠાવે છે.’

આ દરમિયાન એક પત્રકારે પૂછ્યું કે ‘પીએમ પોતે મીડિયાના સવાલો કેમ નથી લેતા?’ ત્યારે સિબી જ્યોર્જે જવાબ આપ્યો હતો કે, ‘આ વિદેશ પ્રવાસ દરમિયાન મીડિયાને તમામ જરૂરી માહિતી આપવાની જવાબદારી વિદેશ મંત્રાલયની છે અને તેઓ તે કામ ખૂબ જ જવાબદારીપૂર્વક સતત કરી રહ્યા છે.’

પત્રકારે સોશિયલ મીડિયા પર આપી સફાઈ

આ સમગ્ર વિવાદ સોશિયલ મીડિયા પર ભારે વાઇરલ થયા બાદ નોર્વેના પત્રકાર હેલે લિંગે વધુ એક પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા કરી હતી. તેમણે લખ્યું કે ‘હું કોઈ વિદેશી સરકારની જાસૂસ નથી. મને ક્યારેય એવું લાગ્યું ન હતું કે મારે મારા દેશમાં જ આવી કોઈ સ્પષ્ટતા કરવી પડશે, હું નોર્વેમાં પ્રોફેશનલ પત્રકાર તરીકે કામ કરું છું અને મેં માત્ર પોતાના વ્યવસાયના ભાગરૂપે જ આ સવાલો પૂછ્યા હતા.’