Video: બંગાળની ખાડીમાં સર્જાયું મહાસંકટ: 120 kmની ઝડપે ત્રાટકશે 'મુરાસુ' વાવાઝોડું, 11 રાજ્યોમાં ભારે તબાહીનું એલર્ટ!

બંગાળની ખાડીમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું ‘મુરાસુ’ 2 નવેમ્બરની અડધી રાતથી 3 નવેમ્બરની સવાર વચ્ચે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા છે, જેને પગલે દેશના 11 રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું નેલ્લોર અને નરસાપુર વચ્ચે આવેલા ઓંગોલના દક્ષિણ ભાગમાંથી પસાર થશે. આ સમયે પવનની ઝડપ 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની અને ઝાટકા સાથે 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે.
વાવાઝોડાની વર્તમાન સ્થિતિ
છેલ્લા 6 કલાકમાં આ વાવાઝોડું 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું છે. 2 નવેમ્બરના રોજ સવારે 11:30 વાગ્યે તે નેલ્લોરથી આશરે 120 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં, કવાલીથી 140 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં, ચેન્નઈથી 170 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં અને ઓંગોલથી 180 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સ્થિત હતું. હવામાન વિભાગ ચેન્નઈ, મછલીપટ્ટનમ અને વિશાખાપટ્ટનમના ડોપ્લર રડાર દ્વારા તેના પર સતત નજર રાખી રહ્યું છે.
કયા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
- આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો અને રાયલસીમામાં 2 અને 3 નવેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની આશંકા છે.
- તેલંગાણામાં પણ આ બે દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે 3 નવેમ્બરે કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
- તમિલનાડુમાં 2 નવેમ્બરે ભારેથી અતિ ભારે તેમજ 3 નવેમ્બર અને 5 થી 7 નવેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.
- ઓડિશા અને કેરળમાં 2 થી 4 નવેમ્બર વચ્ચે ભારે વરસાદનું અનુમાન છે.
- કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ વરસાદ વરસી શકે છે.
તેજ પવન અને વાવાઝોડાની ચેતવણી
- આંધ્ર પ્રદેશ અને યનમમાં 2 અને 3 નવેમ્બરે 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે વાવાઝોડાના ઝાટકા સાથે 100 થી 115 કિલોમીટર સુધી પહોંચી શકે છે.
- રાયલસીમામાં 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને 90 કિલોમીટર સુધી ઝાટકા લાગવાની આશંકા છે.
- તેલંગાણામાં 3 નવેમ્બરે પવનની ઝડપ 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે.
- તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 2 થી 4 નવેમ્બર વચ્ચે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.
5 રાજ્યોમાં વરસાદ
2 નવેમ્બરના રોજ સવારે 8:30 વાગ્યા સુધીના 24 કલાકમાં તમિલનાડુ અને મધ્ય મહારાષ્ટ્રમાં 12 થી 21 સેન્ટિમીટર જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ દરમિયાન અસમ, ઓડિશા અને કેરળમાં પણ 7 થી 11 સેન્ટિમીટર સુધી વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ આવેલા 'અર્નબ' વાવાઝોડાને લીધે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટું નુકસાન થયું હતું.
શાળાઓ બંધ, કેટલીક ફ્લાઈટ્સ રદ
પરિસ્થિતિની ગંભીરતાને જોતાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પોતાનો દિલ્હી પ્રવાસ રદ કર્યો છે. રાજ્યના 10 જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરીને શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. ભારે વરસાદના કારણે ચેન્નઈમાં શાળાઓ બંધ રખાઈ છે અને એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ્સ રદ થઈ છે. ઓડિશામાં પણ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. 'મુરાસુ' એ તમિલ ભાષાનો શબ્દ છે, જેનો અર્થ મોટો ઢોલ થાય છે. પ્રાચીન સમયમાં આ ઢોલનો ઉપયોગ યુદ્ધ, ઉત્સવ અને લોકોને જોખમ સામે ચેતવણી આપવા માટે થતો હતો.
4થી 6 મીટર ઊંચા મોજાં ઉછળવાની સંભાવના
વાવાઝોડાના કારણે સમુદ્રમાં 4થી 6 મીટર ઊંચા મોજાં ઊછળી શકે છે. હવામાન વિભાગ અનુસાર કાચા મકાનો, ઝૂંપડાં, પતરાં કે સિમેન્ટની છત ધરાવતા નબળા બાંધકામોને નુકસાન થઈ શકે છે. ખેતરોમાં ઊભા પાક, બગીચાઓ, નાળિયેરી અને તાડના વૃક્ષોને ભારે નુકસાન પહોંચવાની સંભાવના છે. પૂરના કારણે કાચા રસ્તાઓ ધોવાઈ શકે છે તેમજ મોટા શહેરોમાં પાણી ભરાવાથી વાહનવ્યવહાર ખોરવાઈ શકે છે.
હવામાન વિભાગ દ્વારા સાવચેતીની સલાહ
હવામાન વિભાગે માછીમારોને તાત્કાલિક દરિયો ન ખેડવા અને તમામ કામગીરી બંધ રાખવા કડક સૂચના આપી છે. દરિયાકાંઠે કાચા ઘરોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા અને લોકોને ઘરમાં જ રહેવાની તાકીદ કરવામાં આવી છે. નબળી અને જોખમી ઇમારતોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. બંદર અને શિપિંગ કંપનીઓને પોતાની તૈયારીઓની સમીક્ષા કરવા અને 3 નવેમ્બર સુધી હવામાન વિભાગની ચેતવણીઓ પર સતત નજર રાખવા નિર્દેશ અપાયા છે.











