મુખ્ય સામગ્રી પર જાઓ

વાયુસેનાના નવા વડા એર ચીફ માર્શલ દીક્ષિતે સંભાળ્યો પદભાર: સૈન્ય સજ્જતા, સ્ક્વોડ્રનની તાકાત અને આત્મનિર્ભરતા મુખ્ય પ્રાથમિકતા જાહેર

વાયુસેનાના નવા વડા એર ચીફ માર્શલ દીક્ષિતે સંભાળ્યો પદભાર: સૈન્ય સજ્જતા, સ્ક્વોડ્રનની તાકાત અને આત્મનિર્ભરતા મુખ્ય પ્રાથમિકતા જાહેર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ભારતીય વાયુસેનાના ૨૯મા વડા તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિતે ભવિષ્યના સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે વાયુસેનાનો રોડમેપ સ્પષ્ટ કર્યો છે. દેશની હવાઈ સંરક્ષણ ક્ષમતાને નવી ઊંચાઈએ લઈ જવા માટે તેમણે સૈન્યની ઓપરેશનલ સજ્જતા વધારવા, ફાઇટર સ્ક્વોડ્રનની મંજૂર સંખ્યાને પુનઃસ્થાપિત કરવા, સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશીકરણ એટલે કે આત્મનિર્ભરતા લાવવા અને આર્મી, નેવી તથા એરફોર્સ વચ્ચે ત્રિ-સેવા સંકલન (Jointness) વધુ સુદ્રઢ બનાવવાને પોતાની મુખ્ય પ્રાથમિકતાઓ જાહેર કરી છે.

૨૯મા વાયુસેના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યાના એક દિવસ બાદ, દીક્ષિતે ભારતીય વાયુસેના (IAF) માટે ‘VAYU’ (વાયુ) નામના સંક્ષિપ્ત રૂપ હેઠળ પોતાનું વિઝન રજૂ કર્યું હતું. આ વિઝનનો અર્થ છે:

જાહેરાત

V - Vigilance and operational readiness (તકેદારી અને ઓપરેશનલ સજ્જતા)

A - Aatmanirbharta (આત્મનિર્ભરતા)

Y - Yukti (રણનીતિક નવીનતા/ટેક્ટિકલ ઇનોવેશન)

U - Unity of effort (ત્રણેય સેનાઓ વચ્ચે સંયુક્ત પ્રયાસો)

યુદ્ધની બદલાતી પદ્ધતિઓ સામે સજ્જતા અનિવાર્ય

બદલાતા સુરક્ષા પરિદ્રશ્ય વચ્ચે સતત સજ્જ રહેવા પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, ડ્રોન, લોંગ-રેન્જ પ્રિસિઝન હથિયારો, સ્પેસ, સાયબર ક્ષમતાઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમના કારણે યુદ્ધની પદ્ધતિઓ સતત બદલાઈ રહી છે. આ બદલાવનો સામનો કરવા માટે ભારતીય વાયુસેનાએ ઊભરતા પડકારો સામે સજ્જ રહેવું પડશે.

તેમણે ઉમેર્યું કે, "આગામી દાયકામાં ભારતને જે પ્રકારના સૈન્ય બળની જરૂર પડશે તેમાં પરિવર્તિત થવાની સાથે વાયુસેનાએ લડવા અને જીતવા માટે હંમેશાં તૈયાર રહેવું પડશે."

ફાઇટર સ્ક્વોડ્રનની ક્ષમતા વધારવી મુખ્ય પ્રાથમિકતા

ઓપરેશનલ સજ્જતાને પોતાના વિઝનનો મુખ્ય સ્તંભ ગણાવતા વાયુસેના પ્રમુખે જણાવ્યું કે, IAF ની લડાયક ક્ષમતાને મંજૂર સ્તર સુધી ફરીથી પહોંચાડવી તેમની ટોચની પ્રાથમિકતા રહેશે. "દરેક સ્ક્વોડ્રન, દરેક રડાર, દરેક એર ડિફેન્સ યુનિટ અને દરેક વાયુ યોદ્ધાએ પળવારની નોટિસ પર જવાબ આપવા માટે તૈયાર રહેવું પડશે."

ભારતીય સમાધાનો સાથે લડીશું: આત્મનિર્ભરતા પર જોર

સ્વદેશીકરણ પર ભાર મૂકતાં એર ચીફ માર્શલે જણાવ્યું હતું કે, સ્વદેશી સેન્સર્સ, પ્લેટફોર્મ્સ અને શસ્ત્રોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. લશ્કરી કાર્યવાહીને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે સ્થાનિક ક્ષમતાઓ પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ હોવી જરૂરી છે.

તેમણે સ્પષ્ટ કર્યું કે, "આપણે ભારતીય સમાધાનો (Indian Solutions) સાથે લડીશું, અને ઓપરેશન્સની જરૂરિયાતોને ટકાવી રાખવા માટે તેને પૂરતી સંખ્યામાં જાળવી રાખીશું." તેમણે ઉમેર્યું કે વિશ્વસનીય હવાઈ તાકાત માત્ર યુદ્ધ લડવા અને જીતવા માટે જ નહીં, પરંતુ સંઘર્ષને રોકવા (deterrence) માટે પણ આવશ્યક છે.

‘યુક્તિ’ અને સેનાઓ વચ્ચે એકતાનો સ્તંભ

ત્રીજા સ્તંભ ‘યુક્તિ’ હેઠળ તેમણે સૈન્ય સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને ટેક્નોલોજીમાં ઇનોવેશનની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. જેમાં નેટવર્ક્ડ, AI-સંચાલિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ્સ, લેયર્ડ કાઉન્ટર-ડ્રોન ડિફેન્સ, ઝડપી મેન્ટેનન્સ અને સ્પેસના ઉપયોગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

ચોથો સ્તંભ સેના (Army), નૌકાદળ (Navy), વાયુસેના (Air Force) અને રાષ્ટ્રીય એજન્સીઓ વચ્ચે સંયુક્તતા મજબૂત કરવા પર કેન્દ્રિત છે. ત્રણેય સેનાઓની એકતાના 'JAI' (જોઇન્ટનેસ, આત્મનિર્ભરતા અને ઇનોવેશન) વિઝનનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, ત્રણેય દળોએ સાથે મળીને યોજના બનાવવી અને કામ કરવું પડશે. સૈન્ય ઓપરેશન્સમાં એર પાવર શરૂઆતથી જ સંકલિત હોવી જોઈએ.

દેશવાસીઓને આશ્વસ્ત કરતાં એર ચીફ માર્શલ દીક્ષિતે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના સતર્ક, સજ્જ અને દ્રઢ છે, તેમજ દેશની સુરક્ષા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પોતાની ક્ષમતાઓમાં સતત પરિવર્તન લાવવા કટિબદ્ધ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત