ટ્રેડ ડીલ નહીં થાય તો ભારતીય માલ પર 25% ટેરિફનો પ્રસ્તાવ, વેપારીઓએ જવાબી ટેક્સની માંગ કરી

અમેરિકા દ્વારા ભારતીય માલસામાન પર 25 ટકા સુધી ટેરિફ લગાવી દેવાના પ્રસ્તાવ બાદ ભારતમાં પણ વળતી કાર્યવાહી કરવાની માંગ તીવ્ર બની છે. દેશના વેપારીઓના સંગઠન ચેમ્બર ઓફ ટ્રેડિંગ ઇન્ડસ્ટ્રી (CTI)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાના માલસામાન પર પણ 25 ટકા રિટેલિએટરી ટેરિફ એટલે કે જવાબી આયાત ટેક્સ લાગી દેવાની અપીલ કરી છે.
48 અબજ ડૉલરના નિકાસ વેપાર અને 5 લાખ નોકરીઓ પર સંકટ
CTIએ ચેતવણી આપી છે કે અમેરિકાના આ પગલાથી 48 અબજ અમેરિકન ડૉલરના નિકાસ વેપારને અસર થઈ શકે છે અને અંદાજે 5 લાખ નોકરીઓ જોખમમાં મુકાઈ શકે છે. CTIના ચેરમેને ગુરુવારે એક વીડિયો નિવેદનમાં કહ્યું-'અમે વડાપ્રધાન મોદી સમક્ષ અપીલ કરીએ છીએ કે તેઓ અમેરિકા પર 25 ટકા જવાબી ટેક્સ લગાવી દે. વેપારીઓને ચિંતા છે કે તેની અસર ફાર્માસ્યુટિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, સીફૂડ, રત્ન અને ઝવેરાત, ચામડાં, ધાતુઓ તથા ઓટો કમ્પોનન્ટ્સ જેવા ક્ષેત્રો પર પડી શકે છે.'
અમેરિકન ખરીદદારો અન્ય દેશોમાં ઓર્ડર ખસેડી શકે છે
તેમણે કહ્યું કે પ્રસ્તાવિત ટેરિફના કારણે અમેરિકન ખરીદદારો માટે ભારતીય માલસામાન મોંઘો થઈ શકે છે. પરિણામે તેઓ ભારતના બદલે અન્ય સ્પર્ધાત્મક દેશોને ઓર્ડર આપી શકે છે. CTIના ચેરમેને એ સવાલ પણ ઉઠાવ્યો કે જે નિકાસકારોએ અગાઉથી અમેરિકામાં માલ મોકલી દીધો છે અથવા જેમના ઓર્ડર મળી ચૂક્યા છે, તે માલનું શું થશે? જો નવા ટેરિફ લાગુ થશે તો જૂના ઓર્ડર અને રસ્તામાં રહેલા માલ પર તેની શું અસર પડશે, તે અંગે વેપારીઓમાં ચિંતા છે.
વેપાર કરાર નહીં થાય તો ભારતીય માલ પર 25 ટકા ટેરિફનો પ્રસ્તાવ
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ બુધવારે ભારત સાથે વેપાર કરાર નહીં થાય તો ભારતીય વસ્તુઓ પર 25 ટકા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અમેરિકાએ ભારતમાં જરૂરિયાત કરતાં વધુ ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતા, બજારમાં પ્રવેશ મેળવવામાં સતત અવરોધો અને કામદારોને પૂરતું રક્ષણ ન મળવા જેવી બાબતોને કારણ ગણાવી હતી. અમેરિકાના જણાવ્યા અનુસાર આ બાબતો અમેરિકન કંપનીઓના હિતોને નુકસાન પહોંચાડે છે. આ સાથે અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ઓફિસ (USTR)એ જણાવ્યું હતું કે ભારત સાથે વેપાર કરાર થાય તો ભારતીય ઉત્પાદનો પર ટેરિફનો દર 17 ટકા રહેશે.
16 દેશો સામે કલમ 301 હેઠળ તપાસ, અન્ય દેશો માટે પણ ટેરિફ પ્રસ્તાવ
આ પ્રસ્તાવ USTR દ્વારા માર્ચમાં 16 દેશો અને આર્થિક ક્ષેત્રો સામે કલમ 301 હેઠળ શરૂ કરવામાં આવેલી તપાસનો ભાગ છે. અમેરિકાએ અન્ય નિશાન બનાવાયેલી અર્થવ્યવસ્થાઓ પર 20થી 35 ટકા સુધી ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કે, વેપાર કરાર કરનારા દેશો માટે નીચા દરો સૂચવવામાં આવ્યા છે. યુરોપિયન યુનિયન, જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન અને સ્વિટ્ઝર્લૅન્ડ માટે આયાત શુલ્ક સહિત 15 ટકાનો દર પ્રસ્તાવિત છે. જ્યારે વિયેતનામ સાથે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તો ત્યાંથી આયાત થતી વસ્તુઓ પર 20 ટકા ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ છે.












