IPL 2027 / રિટેન્શન લિસ્ટ જાહેર થતા પહેલા થયો વધુ એક ટ્રેડ, SRHમાંથી ગુજરાત ટાઈટનસમાં ગયો હર્ષલ પટેલ

બે વખત IPL પર્પલ કેપ વિજેતા ભારતીય ફાસ્ટ બોલર હર્ષલ પટેલ હવે ગુજરાત ટાઈટન્સની જર્સીમાં જોવા મળશે. ગુજરાત ટાઈટન્સે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) પાસેથી હર્ષલ પટેલને ટ્રેડ કર્યો છે. આ ટ્રેડ હેઠળ હર્ષલ પટેલ 4 કરોડ રૂપિયાની ફીમાં ગુજરાતની ટીમમાં જોડાશે. ટ્રેડની પુષ્ટિ કરતા, IPLએ જણાવ્યું હતું કે હર્ષલ પટેલને IPL 2025ની ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા 8 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. જોકે, ફ્રેન્ચાઈઝીએ હવે તેને 4 કરોડ રૂપિયામાં ગુજરાત ટાઈટન્સને ટ્રેડ કર્યો છે. તેના ગુજરાતમાં જોડાવાથી ટીમના ફાસ્ટ બોલિંગ આક્રમણમાં અનુભવ અને શક્તિનો ઉમેરો થશે.
IPL કારકિર્દી કેવી રહી છે?
હર્ષલ પટેલને IPLના સૌથી અનુભવી બોલર્સમાંથી એક માનવામાં આવે છે. તેણે 2012માં IPLમાં પ્રવેશ કર્યો હતો. આજ સુધી તેણે ચાર અલગ અલગ ફ્રેન્ચાઈઝી માટે 124 મેચ રમી છે, જેમાં 151 વિકેટ લીધી છે. આ સમય દરમિયાન તેણે સતત તેની બોલિંગથી પ્રભાવિત કર્યો છે અને અનેક વખત ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેની સ્લો ડિલિવરી, કટર અને શાનદાર વેરિએશન માટે જાણીતો હર્ષલ ડેથ ઓવર્સમાં અસરકારક રીતે બોલિંગ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. T20 ક્રિકેટમાં ડેથ ઓવર્સ દરમિયાન રન પ્રતિબંધિત કરવા અને વિકેટ લેવા એ કોઈપણ ટીમ માટે એક મોટો પડકાર છે. હર્ષલનો અનુભવ ગુજરાત ટાઈટન્સ માટે ફાયદાકારક બની શકે છે.
હર્ષલે બે વાર પર્પલ કેપ જીતી છે
હર્ષલ પટેલે તેની IPL કારકિર્દીમાં બે વાર પર્પલ કેપ જીતી છે. તેણે 2021માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે સૌથી વધુ વિકેટ લીધી હતી. ત્યારબાદ તેણે 2024માં પંજાબ કિંગ્સ માટે પર્પલ કેપ જીતી હતી. હવે ગુજરાત ટાઈટન્સ માટે રમતા હર્ષલ ફરી એકવાર તેની ટીમને ટાઈટલ જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવવા માંગશે. ગુજરાત ટાઈટન્સની જર્સીમાં હર્ષલ પટેલ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે. બે વખતનો પર્પલ કેપ વિજેતા ફરી એકવાર પોતાની બોલિંગ કુશળતા દર્શાવવા અને IPL ટાઈટલ રેસમાં ગુજરાત ટાઈટન્સની સ્થિતિ મજબૂત કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.








