IAS અધિકારીની હત્યાના દોષિત પૂર્વ સાંસદ આનંદ મોહનને ફરી જવું પડશે જેલમાં: સુપ્રીમ કોર્ટે નીતિશ સરકારના 2023ના નિર્ણયને ગણાવ્યો ગેરબંધારણીય!

સુપ્રીમ કોર્ટે ગુરુવારે (26 નવેમ્બર) બિહાર સરકારને મોટો ઝટકો આપતા 1994માં IAS અધિકારી જી. કૃષ્ણૈયાની હત્યાના કેસમાં દોષિત ઠરેલા પૂર્વ સાંસદ આનંદ મોહનની સમય પહેલા મુક્તિ (પ્રી-મેચ્યોર રિલીઝ) નો નિર્ણય રદ કરી દીધો છે. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે આનંદ મોહનને એક મહિનાની અંદર જેલ સત્તાધીશો સમક્ષ સરેન્ડર કરવાનો કડક આદેશ આપ્યો છે.
જેલ મેન્યુઅલમાં કરાયેલો ફેરફાર ગેરબંધારણીય જાહેર
સુપ્રીમ કોર્ટે બિહાર સરકાર દ્વારા 10 એપ્રિલ, 2023ના રોજ જારી કરવામાં આવેલા એ નોટિફિકેશનને પણ ગેરબંધારણીય અને અમાન્ય જાહેર કર્યું છે, જેના દ્વારા 'બિહાર પ્રિઝન મેન્યુઅલ'ના નિયમ 481(1)(a)માં સુધારો કરવામાં આવ્યો હતો. અગાઉના નિયમ મુજબ ફરજ પરના સરકારી કર્મચારીની હત્યાના દોષિતને સમય પહેલા મુક્તિ મળી શકતી નહોતી. બિહાર સરકારે આ જોગવાઈ હટાવીને 24 એપ્રિલ, 2023ના રોજ આનંદ મોહનને જેલમાંથી મુક્ત કર્યા હતા. કોર્ટે આ સુધારાને 'મનસ્વી' અને બંધારણના અનુચ્છેદ 14 (સમાનતાના અધિકાર) નું ઉલ્લંઘન ગણાવ્યું છે.
શહીદ IAS અધિકારીના પત્નીની અરજી પર આવ્યો ચુકાદો
ગોપાલગંજના તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) જી. કૃષ્ણૈયાના પત્ની તેલુગુ ઉમાદેવી કૃષ્ણૈયાએ આનંદ મોહનની મુક્તિ અને નિયમોમાં કરાયેલા ફેરફારને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો રાજ્ય સરકાર ભવિષ્યમાં સજા માફી અંગે ફરીથી વિચારણા કરવા માંગતી હોય, તો તે પહેલા આનંદ મોહને સરેન્ડર કરવું પડશે અને પ્રક્રિયા દરમિયાન શહીદ અધિકારીના પત્નીનો પક્ષ પણ સાંભળવો પડશે.
શું હતો 1994નો સમગ્ર મામલો?
ડિસેમ્બર 1994માં બિહારના મુઝફ્ફરપુરમાં એક ટોળાએ ગોપાલગંજના દલિત IAS અધિકારી જી. કૃષ્ણૈયાની ઘાતકી હત્યા કરી નાખી હતી. તત્કાલીન ધારાસભ્ય આનંદ મોહન પર ટોળાને ઉશ્કેરવાનો આરોપ હતો. 2007માં નીચલી અદાલતે તેમને ફાંસીની સજા સંભળાવી હતી, જેને 2008માં પટના હાઈકોર્ટે આજીવન કેદમાં ફેરવી હતી અને 2012માં સુપ્રીમ કોર્ટે પણ આજીવન કેદની સજા યથાવત રાખી હતી.













