Video: ઓડિશાના મયુરભંજમાં નદીમાં મોટા પાયે ખનન, ગ્રામજનોનો વિરોધ,ભૂ-માફિયા સાથે તંત્રની મિલીભગતનો આક્ષેપ

નદી કે દરિયા કાંઠે રેતી ખનનનો પ્રશ્ન ગુજરાતમાં નથી પણ આખા દેશમાં સરખો છે. દેશભરમાં ભુમાફિયાઓ બેફામ રેતીનું ખનન કરી રહ્યા છે. ગુજરાતમાં આદિવાસી પટ્ટીમાં જેમ ભુમિફાયાઓએ નદીઓને ખોદી નાંખી છે તેમ ઓડિસ્સાના મયુરભંજ જિલ્લામાં રાઇરંગપુરમાં કાન્હુ નદીને ખોદી નાંખવામાં આવી છે. રાઇરંગપુર નજીક નાઉન્ટી ગામ અને તેની આસપાસના ભાગમાં કાન્હુ નદીને ચારણી કરી દેવામાં આવી છે. ગામ લોકોનો આરોપ છે કે તંત્ર અને અધિકારીઓની મિલી ભગતથી ભુમિફાયાઓ નદીને ખોદી નાંખી છે. રેત માફિયાઓ દ્રારા નદીમાં રાત દિવસ ટ્રેક્ટર અને ટ્રોલી ચલાવીને રેતી ચોરા કરવામાં આવે છે. ગામ લોકોએ એ પણ આરોપ લગાવ્યો છે કે તંત્રને અનેક રજૂઆત પછી પણ રેતી ખનન અટકતું નથી. કાન્હુ નદી પર ભારે રેત ખનનના કારણે આ વિસ્તારમાં નદીનો પ્રવાહ પણ બદલાયો છે. ખનનથી કાંઠાના વિસ્તારને નુકશાન થતા પુરની સંભાવના પણ વધી ગઇ છે. ગેરકાયદેસર રેતી ખનનને કારણે પર્યાવરણીય પ્રશ્નો પણ ઉદભવ્યા છે. આ વિસ્તારમાં પાણીના તળ ઉંડા જઇ રહ્યા છે. ખનનથી પાણીની સંગ્રહ ક્ષમતા પણ ઘટી છે.
કાન્હુ નદીના પટમાં અનેક ટ્રેકક્ટર ગેરકાયદેસર માટીનો ધંધો કરી રહ્યા છે. આ પ્રવૃતિ દિવસે થતા હોવા છતાં પણ અધિકારીના પેટનું પાણી હલતું નથી. ગામ લોકો કહી રહ્યા છે કે ખનન મુદ્દે અમે એનજીટીમા પણ કેસ દાખલ કર્યો હતો. એનજીટી દ્રારા ગામ લોકોની તરફણેમાં ચૂંકાદો પણ આપવામાં આવ્યો હતો તેમ છતાં સરકાર દ્રારા કોઇ પગલા લેવામાં આવ્યા ન હતા. માત્ર થોડા દિવસ ખનન બંધ રહ્યા બાદ ફરી શરુ થઇ ગયું હતું. હવે ફરી એકવાર રાઇરંગપુરમાં રેતી ખનનને લઈને ગ્રામજનોએ બાયો ચડાવી છે. ગામ લોકોનું કહેવું છે અમારી વાત તંત્ર સાંભળતું નથી. તંત્ર કહે છે કે કાયદેસરની લીઝ છે પણ અમારું કહેવું છે કે કાયદેસરની લીઝ કરતા અનેકગણું ખનન કરવામાં આવી રહ્યું છે. જો સરકાર અને તંત્ર અમારી વાત ધ્યાને નહીં લે તો ગામલોકોને નાછૂટકે આંદોલન કરવું પડશે.















