26/11 મુંબઈ હુમલાને 18 વર્ષ: પીડિતોના દિલમાં આજે પણ જીવંત છે એ ભયાનક રાત

દેશની આર્થિક રાજધાની મુંબઈ પર 26 નવેમ્બર, 2008ના રોજ થયેલા આતંકી હુમલાને આજે 18 વર્ષ પૂર્ણ થયાં છે. જોકે, આ હુમલામાં બચી ગયેલા લોકો અને પીડિત પરિવારોના મનમાં એ ભયાનક રાતની યાદો આજે પણ તાજી છે. હુમલાની સાક્ષી રહેલાં દેવિકા રોટાવને ફરી એકવાર એ રાતની આપવીતી સંભળાવી છે. માત્ર 9 વર્ષની ઉંમરે આતંકી અજમલ કસાબની ગોળીનો ભોગ બનેલી દેવિકાએ જણાવ્યું કે, 18 વર્ષ વીતી ગયા હોવા છતાં તેઓ એ રાતને ભૂલી શક્યાં નથી. દેવિકાએ હુમલાના અસલી સૂત્રધારોને પણ સજા આપવાની માગ કરી છે. તેમના મતે, કસાબને ફાંસી મળવાથી થોડી રાહત મળી હતી, પરંતુ પાકિસ્તાનમાં બેઠેલા હુમલાના માસ્ટરમાઇન્ડ સામે કાર્યવાહી થાય ત્યારે જ સંપૂર્ણ ન્યાય મળશે.
પુણે જતાં હતાં દેવિકા, CST સ્ટેશન પર વાગી હતી ગોળી
દેવિકા રોટાવને 26 નવેમ્બર, 2008ની રાત યાદ કરતાં જણાવ્યું કે તેઓ પિતા સાથે મોટા ભાઈને મળવા પુણે જઈ રહ્યાં હતાં. આ દરમિયાન છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST) રેલવે સ્ટેશન પર આતંકી હુમલો થયો હતો. દેવિકાએ પોતાની આંખે અજમલ કસાબને લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરતો જોયો હતો. આ દરમિયાન કસાબે ચલાવેલી એક ગોળી તેમના જમણા પગમાં વાગી હતી. દેવિકાએ જણાવ્યું કે, તે સમયે તેમને આતંકવાદનો અર્થ પણ ખબર નહોતી. તેમણે માત્ર એક વ્યક્તિને મોટી બંદૂકથી લોકો પર ગોળીઓ ચલાવતો જોયો હતો. ગોળી વાગતાં જ તેઓ જમીન પર પડી ગયાં અને બેભાન થઈ ગયાં હતાં. તેમના પિતા પણ તેમના પર પડી ગયા હતા. બાદમાં એક પોલીસકર્મી અને ટિકિટ કલેક્ટરે તેમને હોસ્પિટલ પહોંચાડ્યાં હતાં.
કોર્ટમાં કસાબની ઓળખ કરી બની ગયાં હતાં મહત્ત્વનાં સાક્ષી
26/11 હુમલા બાદ દેવિકા રોટાવન આ કેસનાં મહત્ત્વનાં પ્રત્યક્ષદર્શી સાક્ષી બન્યાં હતાં. 10 જૂન, 2009ના રોજ તેમણે કોર્ટમાં અજમલ કસાબની ઓળખ કરી હતી. દેવિકાના જણાવ્યા અનુસાર, તેમના પિતાએ સૌથી પહેલાં કસાબને ઓળખ્યો હતો અને ત્યારબાદ તેમણે પણ કોર્ટમાં તેની ઓળખ કરી હતી. તેમણે કહ્યું કે કોર્ટમાં જુબાની આપ્યા બાદ તેમની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. માત્ર 9 વર્ષની ઉંમરે તેમને એવા આતંકી વિરુદ્ધ સાક્ષી આપવી પડી હતી, જેણે મુંબઈમાં અનેક પરિવારોની જિંદગી બદલી નાખી હતી. કસાબને ફાંસી મળવાથી રાહત મળી હોવાનું જણાવતાં દેવિકાએ કહ્યું કે, માત્ર કસાબને સજા આપવાથી ન્યાય પૂર્ણ થતો નથી. હુમલાના અસલી સૂત્રધારો પાકિસ્તાનમાં બેઠા છે અને તેઓ જ કસાબ જેવા આતંકીઓને તૈયાર કરે છે. તેમને પણ કડક સજા મળવી જોઈએ.
ચા વેચતા તૌફીક શેખને આજે પણ ઊંઘમાં સતાવે છે હુમલાની યાદો
હુમલાના અન્ય પીડિત તૌફીક શેખે પણ એ રાતની ભયાનક યાદો તાજી કરી હતી. હુમલા સમયે તેઓ CST રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા. ઘટના બની ત્યારે તેઓ ચાના પૈસા લેવા બહાર ગયા હતા અને એક મેડિકલ સ્ટોર પાસે ઊભા હતા. તૌફીકના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં ગોળીબારનો અવાજ તેમને ફટાકડા ફૂટતા હોય તેવો લાગ્યો હતો. તે સમયે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ ચાલી રહી હતી. તેથી તેમને લાગ્યું હતું કે કદાચ ભારતની જીતની ઉજવણી થઈ રહી હશે. જોકે, થોડા જ સમયમાં સ્ટેશન પર નાસભાગ અને અફરાતફરી મચતાં તેમને ઘટનાની ગંભીરતા સમજાઈ હતી. તૌફીકે જણાવ્યું કે 18 વર્ષ બાદ પણ એ રાતની યાદો તેમનો પીછો છોડતી નથી અને તેઓ આજે પણ શાંતિથી ઊંઘી શકતા નથી.
પતિને ગોળી વાગતાં બાળકો સાથે જીવ બચાવી ભાગ્યાં હતાં સુનીતા
આ હુમલામાં પતિ ગુમાવનાર સુનીતાએ પણ એ રાતની હૃદયદ્રાવક આપવીતી જણાવી હતી. તેમણે અગાઉ ANI સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હુમલા સમયે તેઓ પતિ અને બાળકો સાથે CST સ્ટેશનના પ્લેટફોર્મ પર હાજર હતાં. શરૂઆતમાં તેમને પણ ગોળીબારનો અવાજ ફટાકડા જેવો લાગ્યો હતો. જોકે, લોકો જીવ બચાવવા ભાગવા લાગ્યા ત્યારે તેમના પતિના માથામાં ગોળી વાગી હતી. આ હુમલામાં સુનીતા પણ ઘાયલ થયાં હતાં. તેમણે બાળકોને લઈને ત્યાંથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે, આ ઘટનામાં તેમના પતિનું મોત થયું હતું.
દરિયાઈ માર્ગે ઘૂસ્યા હતા લશ્કરના 10 આતંકી, 166 લોકોનાં મોત
ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બર, 2008ના રોજ પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના 10 આતંકીઓ દરિયાઈ માર્ગે મુંબઈમાં ઘૂસ્યા હતા. તેમણે શહેરનાં અનેક મહત્ત્વનાં સ્થળો પર એકસાથે હુમલા કર્યા હતા. આ હુમલામાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), તાજમહેલ પેલેસ હોટેલ, ઓબેરોય ટ્રાઇડેન્ટ હોટેલ, નરીમન હાઉસ, કામા હોસ્પિટલ, મેટ્રો સિનેમા અને લિયોપોલ્ડ કેફે સહિતનાં સ્થળોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. આ આતંકી હુમલામાં કુલ 166 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. સુરક્ષાદળોએ આશરે 60 કલાક સુધી ઓપરેશન ચલાવીને 9 આતંકીઓને ઠાર કર્યા હતા, જ્યારે અજમલ કસાબને જીવતો પકડી લેવામાં આવ્યો હતો. મે 2010માં કસાબને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ 21 નવેમ્બર, 2012ના રોજ પુણેની યેરવડા સેન્ટ્રલ જેલમાં તેને ફાંસી આપવામાં આવી હતી. જોકે, 18 વર્ષ બાદ પણ આ હુમલામાં બચી ગયેલા લોકો અને પીડિત પરિવારો માટે એ રાતની યાદો આજે પણ અસહ્ય પીડા સમાન છે.










