Global Peace Honours 2026: 26/11 અને પહેલગામ હુમલાના શહીદોને શાહરુખ ખાનની સલામ, જવાનો માટે સંભળાવી 4 દમદાર પંક્તિઓ

બોલિવુડના બાદશાહ શાહરુખ ખાન 'ગ્લોબલ પીસ ઓનર્સ 2026' (Global Peace Honours 2026) સમારોહમાં સામેલ થયા હતા, જ્યાં તેમણે આતંકવાદી હુમલાના પીડિતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને દેશની રક્ષામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર સુરક્ષાકર્મીઓને સલામ કરી. અમૃતા ફડણવીસ દ્વારા શરૂ કરાયેલા આ વાર્ષિક કાર્યક્રમમાં આતંકવાદ સામે સાહસ બતાવનારા લોકોનું સન્માન કરવામાં આવે છે. આ પ્રસંગે ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકર, રણવીર સિંહ, સુનીલ શેટ્ટી અને વિક્રાંત મેસી સહિત અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. આ ખાસ અવસરે શાહરુખ ખાને મુંબઈના 26/11 આતંકવાદી હુમલા, પહેલગામ આતંકવાદી હુમલા અને દિલ્હી બોમ્બ ધડાકામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકો અને શહીદ જવાનોને યાદ કર્યા હતા.
શાહરુખ ખાને કહ્યું, “26/11 આતંકવાદી હુમલા, પહેલગામ આતંકવાદી હુમલા અને દિલ્હી બોમ્બ ધડાકામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અને આ હુમલામાં શહીદ થયેલા આપણા બહાદુર સુરક્ષાકર્મીઓને મારો આદરપૂર્ણ સલામ. આજે મને દેશના વીર સૈનિકો અને જવાનો માટે આ ચાર સુંદર પંક્તિઓ સંભળાવવાનું કહેવામાં આવ્યું છે…”
શાહરુખે જવાનો માટે સંભળાવી આ ચાર દમદાર પંક્તિઓ
દેશના સૈનિકોના સાહસ અને સેવાને સમર્પિત ચાર પંક્તિઓ વાંચતા શાહરુખે કહ્યું, “હમેં હર બાત સે સહમતિ નહીં દિખાની, પર હમેં સમઝની હૈ હર શખ્સ કી કહાની। હમ ખૂબ કરેં નાદાની, પર કિસી કો ના હો હમસે પરેશાની। હમ સર કટાને સે ડરતે નહીં, પર ઇજ્જત સે કભી-કભાર સર ઝુકા ભી લેતે હૈં, ક્યોંકિ હમારા દિલ હૈ હિન્દુસ્તાની।” કિંગ ખાને આગળ જાતિ, પંથ અને ભેદભાવને ભૂલીને એકસાથે શાંતિ તરફ કદમ વધારવાની અને માનવતાના રસ્તે ચાલવાની અપીલ કરી, જેથી દેશની શાંતિ માટે આપણા વીરોની શહાદત વ્યર્થ ન જાય.
26/11 ની સર્વાઇવર દેવિકાને ગણાવી અસલી હીરો
કાર્યક્રમ દરમિયાન શાહરુખ ખાને 26/11 મુંબઈ હુમલાની સૌથી નાની વયની સર્વાઇવર અને પ્રત્યક્ષદર્શી સાક્ષી રહેલી દેવિકા રોટાવન સાથે મંચ પર વાતચીત કરી અને તેમનું વિશેષ સન્માન કર્યું. દેવિકાના સાહસને સલામ કરતા શાહરુખે કહ્યું કે મંચ પર બેઠેલા કલાકારો અસલી હીરો-હીરોઈન નથી, પરંતુ સૌથી મોટા હીરો દેવિકા છે અને આખો દેશ તેમની સાથે ઊભો છે. આ દરમિયાન અભિનેતા વિક્રાંત મેસી અને બોમન ઈરાનીએ સૂચન કર્યું કે શાહરુખનો આઇકોનિક બંને હાથ ફેલાવવાનો પોઝ આખી દુનિયા માટે 'પીસ પોઝ' બની શકે છે. જ્યારે બંનેએ તેમને આ પોઝ શીખવવાનું કહ્યું, ત્યારે શાહરુખે સમજાવ્યું કે તેના માટે પહેલા દિલમાં બીજાની મદદ કરવાનો અને કોઈ જરૂરિયાતમંદનો સહારો બનવાનો જુસ્સો 'ફીલ' કરવો પડે છે, જેથી વ્યક્તિ ગર્વથી કહી શકે, “મૈં હૂં ના”. આ દરમિયાન શાહરુખે વિક્રાંત મેસી સાથે બંને નેશનલ એવોર્ડ વિનર હોવા અંગે હળવી રમૂજ પણ કરી હતી.
DDLJના આઇકોનિક અંદાજમાં આપ્યો શાંતિનો સંદેશ
કાર્યક્રમમાં મોડા પહોંચવા બદલ શાહરુખે પોતાના આગવા રમૂજી અંદાજમાં કહ્યું, “સોરી આઈ વોઝ અ લિટલ લેટ (માફ કરજો, હું થોડો મોડો પહોંચ્યો), બટ ટ્રાફિક કા કુછ કરેંગે થોડે દિન કે અંદર.” બીજી તરફ, જ્યારે તેમણે 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' નો સંવાદ ફરી કર્યો, ત્યારે પહેલા મજાકમાં કહ્યું કે ઉંમર સાથે હવે તેનો અવાજ ઘેરો થઈ ગયો છે અને પછી ભારે અવાજમાં બોલ્યા, “બડે-બડે દેશોં મેં છોટી-છોટી બાતેં હોતી રહતી હૈં, સેનોરિટા.” આના તરત પછી તેમણે તેમાં એક નવો સંદેશ જોડતા કહ્યું, “લેકિન આજ મૈં કહૂંગા કિ બડે-બડે દેશોં મેં બડે-બડે ફૈસલોં કે બીચ ઇન્સાનિયત કી છોટી સી બાત કો કભી ભી છોટા મત સમઝિયેગા, ક્યોંકિ યહી છોટી બાત ઇતિહાસ બદલ સકતી હૈ.”











