Video: દિલ્હીમાં ફરી ગુંજ્યો ખેડૂતોનો અવાજ, MSP અને 'SIR' મુદ્દે જંતર-મંતર કૂચ, પોલીસે મંદિર માર્ગ પર રોક્યા

સોર્સ: gstv

દિલ્હીમાં ફરીવાર ખેડૂતો અને વિવિધ જનસંગઠનોનો વિરોધ જોવા મળ્યો છે. સંયુક્ત કિસાન મોરચા અને તેના નેજા હેઠળ ખેડૂતોએ પીપલ અગેન્સ્ટ SIR  વિરોધ પ્રદર્શનમાં જોડાઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. બંધારણ દિવસના અવસરે યોજાયેલી આ કૂચમાં ડાબેરી વિદ્યાર્થી સંગઠનો, ટ્રેડ યુનિયનો અને ખેત મજૂર સંગઠનો પણ મોટી સંખ્યામાં સામેલ થયા હતા. 

દિલ્હીમાં લક્ષ્મી નારાયણ મંદિરથી શરૂ કરીને મંદિર માર્ગ રોડ પર પોલીસનો ભારે કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, જેથી જંતર-મંતર તરફ આગળ વધતા પ્રદર્શનકારીઓને રોકી શકાય. ઐતિહાસિક ખેડૂત આંદોલનની છઠ્ઠી વર્ષગાંઠ પહેલાં યોજાયેલા આ પ્રદર્શનમાં દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં ૧૦૦થી વધુ સ્થળોએ વિરોધ કાર્યક્રમો યોજાયા હતા. આ આંદોલનમાં પીપલ અગેન્સ્ટ એસઆઈઆર અને એસએફઆઈ સહિતના સંગઠનો પણ જોડાયા હતા. આ જનસંગઠનો મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા રદ કરવાની અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.

જાહેરાત

વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકાર પર વચનભંગનો આરોપ લગાવ્યો છે. ડિસેમ્બર ૨૦૨૧માં જ્યારે ખેડૂત આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું, ત્યારે સરકારે લેખિતમાં ખાતરી આપી હતી. જોકે, પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાં સરકાર આ ખાતરીઓ પૂરી કરવામાં નિષ્ફળ રહી હોવાનો ખેડૂતોનો દાવો છે. ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણો મુજબ ખેતીના કુલ ખર્ચ પર ૫૦ ટકા વધુ ભાવ સાથે એમએસપી માટે કાયદાકીય ગેરંટીની માંગ કરી રહ્યા છે. ભારત-યુએસ વેપાર કરારમાંથી બહાર નીકળવું, તમામ મુક્ત વેપાર કરારો રદ કરવા, સંપૂર્ણ લોન માફી, આત્મહત્યા કરનાર ખેડૂતોના પરિવારોને ૨૫ લાખ રૂપિયાનું વળતર, વીજળી અને બીજ સંબંધિત ખરડાઓ પાછા ખેંચવા તેમજ જાહેર ક્ષેત્રની સંસ્થાઓના ખાનગીકરણને અટકાવવા જેવી મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે.

એક તરફ ખેડૂત સંગઠનો અને જનસંગઠનો પોતાની પડતર માંગણીઓ અને મતદાર યાદીના મુદ્દે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. પાંચ વર્ષ જૂની ખાતરીઓ અને નવા આર્થિક-સામાજિક મુદ્દાઓને લઈને શરૂ થયેલું આ આંદોલન આગામી દિવસોમાં કેવો વળાંક લે છે તે જોવું મહત્વનું રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત