કસાબની ફાંસીથી લઈને તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ સુધી: 26/11 ના 18 વર્ષ બાદ પણ કેમ તાજા છે એ કાળી રાતના જખ્મો?

મુંબઈ એટલે ક્યારેય ન થંભતું શહેર. પરંતુ 26 નવેમ્બર, 2008ની રાતે આ માયાનગરી જાણે થંભી ગઈ હતી. કરાચીથી દરિયાઈ માર્ગે ઘૂસેલા પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT)ના 10 આતંકવાદીઓએ મુંબઈને 3 દિવસ સુધી બંધક બનાવી રાખ્યું હતું. 26 નવેમ્બરની રાત્રે 9:21 વાગ્યાથી શરૂ થઈને 29 નવેમ્બરની સવારે 8:20 વાગ્યા સુધી એટલે કે આશરે 60 કલાક ચાલેલા આ ભયાનક રક્તપાતમાં 14 દેશોના 26 વિદેશી નાગરિકો સહિત કુલ 166 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 304 લોકો ઘાયલ થયા હતા. આજે આ ઘટનાને 18 વર્ષ પૂરા થઈ ગયા છે. આમ છતાં એ રાતની ભયાનકતા અને આપણા વીર જવાનોનું બલિદાન દરેક ભારતીયના હૃદયમાં તાજું છે.
બે વર્ષનું કાવતરું: ડેવિડ હેડલીની જાસૂસીથી 'એમવી કુબેર'ના અપહરણ સુધી
26/11 નો હુમલો કોઈ અચાનક બનેલી ઘટના નહોતી. તેની પાછળ 2 વર્ષથી વધુ સમયનું ઊંડું કાવતરું, GPS મેપિંગ, કમાન્ડો તાલીમ અને પાકિસ્તાની ગુપ્તચર હેન્ડલર્સ દ્વારા તૈયાર કરાયેલું દરિયાઈ ઘૂસણખોરીનું સચોટ બ્લુપ્રિન્ટ હતું.
- 2006થી 2008: આતંકવાદી ડેવિડ હેડલીએ 5 વખત મુંબઈની મુલાકાત લઈને જાસૂસી (રેકી) કરી હતી અને દરિયાઈ માર્ગ તથા ઉતરાણનું સ્થળ નક્કી કર્યું હતું.
- 22 નવેમ્બર, 2008: લશ્કરના કમાન્ડર ઝાકી-ઉર-રહેમાન લખવી અને સાજિદ મીરે 10 આતંકવાદીઓને ભારે હથિયારો સાથે 'અલ-હુસૈની' નામના જહાજમાં મુંબઈ જવા રવાના કર્યા.
- 23 નવેમ્બર, 2008: દરિયામાં આ આતંકવાદીઓએ ભારતીય માછીમારી બોટ 'એમવી કુબેર'નું અપહરણ કર્યું અને તેના 5 માછીમારોમાંથી 4ની હત્યા કરી નાખી.
- 26 નવેમ્બર, 2008: મુંબઈના કિનારાથી 7 કિલોમીટર દૂર પાંચમા માછીમારની પણ હત્યા કરી દેવામાં આવી. ત્યારબાદ આતંકવાદીઓ 3 અલગ-અલગ રબર બોટમાં બેસીને મુંબઈ પહોંચ્યા.
26 નવેમ્બરની એ 'ડાર્ક નાઈટ' અને ચાર મુખ્ય લક્ષ્યો
26 નવેમ્બરની રાત્રે 8:00થી 8:30 વાગ્યાની વચ્ચે આ 10 આતંકવાદીઓ કોલાબા વિસ્તારમાં બુધવાર પાર્ક પાસે ઊતર્યા અને 4 જૂથમાં વહેંચાઈ ગયા. તેમણે શહેરના કુલ 13 સ્થળોએ ગોળીબાર, ગ્રેનેડ હુમલા અને બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. આતંકવાદીઓએ 2 ટેક્સીઓમાં પણ બોમ્બ મૂક્યા હતા, જેમાં 5 લોકોના મોત થયા હતા. તેમના 4 મુખ્ય લક્ષ્યો નીચે મુજબ હતા.
- છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST): રાત્રે 9:21 વાગ્યે મોહમ્મદ અજમલ અમીર કસાબ અને અબુ ઇસ્માઇલ ખાને CST સ્ટેશનમાં ઘૂસીને ભીડ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. અહીં જ કસાબનો એસોલ્ટ રાઇફલ અને બેકપેક સાથેનો જાણીતો ફોટોગ્રાફ લેવાયો હતો. આશરે 90 મિનિટ ચાલેલા આ ગોળીબારમાં 58 લોકો માર્યા ગયા.
- નરીમાન હાઉસ / છબાડ હાઉસ: રાત્રે 9:20 વાગ્યે આતંકવાદીઓએ નરીમાન હાઉસ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ અને યહૂદી કેન્દ્ર છબાડ હાઉસ નજીક એક ગેસ સ્ટેશનને ઉડાવી દીધું. અહીં બાબર ઇમરાન ઉર્ફે અબુ આકાશ અને નાસિર ઉર્ફે અબુ ઉમરે 7 ઇઝરાયલી નાગરિકોને બંધક બનાવીને તેમની હત્યા કરી નાખી.
- લિયોપોલ્ડ કાફે અને તાજ હોટેલ: 4 આતંકવાદીઓએ લિયોપોલ્ડ કાફેમાં ઘૂસીને 10-15 મિનિટ સુધી ગોળીબાર કર્યો, જેમાં 10 લોકોના મોત થયા. ત્યારબાદ તેમાંથી 2 આતંકવાદીઓ શોએબ અને અબુ ઉમર તાજ હોટેલમાં ઘૂસ્યા. થોડી વારમાં અબ્દુલ રહેમાન બડા અને અબુ અલી પણ તેમની સાથે જોડાયા. અહીં નેવીના મરીન કમાન્ડો (MARCOS)ની નાની ટીમે તેમને ટક્કર આપી હતી. તાજ હોટેલમાં કુલ 31 લોકોના મોત થયા.
- ઓબેરોય-ટ્રાઇડેન્ટ હોટેલ: અબ્દુલ રહેમાન છોટા અને ફહાદુલ્લાહ ઉર્ફે અબુ ફહાદ રેસ્ટોરન્ટના રસ્તે હોટેલમાં પ્રવેશ્યા અને ભીડ પર ગોળીબાર શરૂ કર્યો, જેમાં 30 લોકોએ જીવ ગુમાવ્યા.
અજમલ કસાબ કેવી રીતે જીવતો પકડાયો?
CSTમાં નરસંહાર બાદ કસાબ અને ઇસ્માઇલ ખાન સામેની ગલીમાંથી ભાગી નીકળ્યા. કામા હોસ્પિટલ નજીક ગોળીબારની સૂચના મળતાં જ મુંબઈ ATSના વડા હેમંત કરકરે, ACP અશોક કામટે અને ઇન્સ્પેક્ટર વિજય સાલસકર ત્યાં પહોંચ્યા. આતંકવાદીઓ સાથેની અથડામણમાં આ ત્રણેય બહાદુર અધિકારીઓ શહીદ થયા. ત્યારબાદ બંને આતંકવાદીઓ એક સિલ્વર સ્કોડા કારનું અપહરણ કરીને મરીન ડ્રાઇવ થઈને મલબાર હિલ તરફ ભાગ્યા. વાયરલેસ એલર્ટ મળતાં ડી.બી. માર્ગ પોલીસ સ્ટેશનના 15-16 પોલીસકર્મીઓએ ગિરગાંવ ચોપાટી પર બેરિકેડ લગાવી દીધી. પોલીસને જોઈને ઇસ્માઇલે યુ-ટર્ન લેવાનો પ્રયાસ કર્યો, પણ કાર ડિવાઇડર સાથે અથડાઈને અટકી ગઈ. પોલીસના વળતા ગોળીબારમાં ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો ઇસ્માઇલ ઠાર મરાયો, જ્યારે ઘાયલ કસાબ કારનો દરવાજો ખોલીને મૃત્યુનો ઢોંગ કરીને બહાર પડી ગયો.
રાત્રે 10:30થી 11:00 વાગ્યાની વચ્ચે નિઃશસ્ત્ર ASI તુકારામ ઓમ્બલે માત્ર એક દંડો લઈને કસાબને પકડવા દોડ્યા. કસાબ અચાનક ઊભો થયો અને તેની AK-47માંથી 5 ગોળીઓ ચલાવી. છાતી અને પેટમાં ગોળીઓ વાગી હોવા છતાં, તુકારામ ઓમ્બલેએ છેલ્લા શ્વાસ સુધી કસાબની રાઇફલનું બેરલ મજબૂતીથી પકડી રાખ્યું, જેના કારણે અન્ય પોલીસકર્મીઓ કસાબને જીવતો પકડી શક્યા.
સુરક્ષા દળોનું ઓપરેશન
11 ડિસેમ્બર, 2008ના રોજ તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમે (જેઓ 30 નવેમ્બરે શિવરાજ પાટીલના રાજીનામા બાદ ગૃહમંત્રી બન્યા હતા) સંસદમાં ઓપરેશનની વિગતો આપી હતી. 26 નવેમ્બરે રાત્રે સેનાની 5 કંપનીઓ અને નૌકાદળના કમાન્ડો તૈનાત કરાયા. રાત્રે 11:30 વાગ્યે મહારાષ્ટ્ર સરકારે NSGની માંગણી કરી અને હરિયાણાના માનેસરથી 200 NSG કમાન્ડોની ટીમ તે જ રાત્રે મુંબઈ પહોંચી ગઈ.
27 નવેમ્બરની વહેલી સવારથી NSG કમાન્ડોએ મોરચો સંભાળ્યો. આતંકવાદીઓ પાસે અત્યાધુનિક હથિયારો હતા, તેમણે લોકોને બંધક બનાવ્યા હતા અને બહુમાળી ઇમારતોમાં હોવાથી તેમને ઊંચાઈનો ફાયદો મળતો હતો. આવી અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સુરક્ષા દળોએ અદમ્ય સાહસ બતાવી 9 આતંકવાદીઓને ઠાર માર્યા અને સેંકડો લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. 29 નવેમ્બર, 2008ના રોજ સવારે 8:20 વાગ્યે આ ઓપરેશન પૂર્ણ થયું.
અમર બલિદાન: દેશ આ શહીદોને ક્યારેય નહીં ભૂલે
- હેમંત કરકરે: મુંબઈ ATSના વડા ઘરે ડિનર કરી રહ્યા હતા ત્યારે તેમને હુમલાના સમાચાર મળ્યા. તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા અને કામા હોસ્પિટલ બહાર શહીદ થયા.
- તુકારામ ઓમ્બલે: નિઃશસ્ત્ર હોવા છતાં કસાબને જીવતો પકડવામાં એમણે પોતાનું બલિદાન આપ્યું હતું.
- અશોક કામટે: મુંબઈ પોલીસના આ ACPને કામા હોસ્પિટલ બહાર ઇસ્માઇલ ખાને માથામાં ગોળી મારી હતી, છતાં તેઓ દુશ્મન સામે લડતા રહ્યા અને શહીદ થયા.
- વિજય સાલસકર: મુંબઈના અંડરવર્લ્ડ માટે ખૌફ ગણાતા આ વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર પણ કામા હોસ્પિટલ બહાર શહીદ થયા.
-
મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન: 51 NSG કમાન્ડો સાથે 'ઓપરેશન બ્લેક ટોર્નાડો'નું નેતૃત્વ કરી રહેલા મેજર સંદીપ તાજ હોટેલમાં આતંકવાદીઓ સામે લડતી વખતે પાછળથી થયેલા હુમલામાં શહીદ થયા.
પાંચેય વીરોને મરણોત્તર 'અશોક ચક્ર'થી સન્માનિત કરાયા હતા.
કસાબને ફાંસી અપાઈ
જીવતા પકડાયેલા અજમલ કસાબની પૂછપરછમાં તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ફરીદકોટ ગામનો હોવાનું ખુલ્યું. ભારતીય ન્યાયતંત્રે તેને કાયદાકીય બચાવની પૂરતી તક આપી હતી.
- 30 નવેમ્બર, 2008: પોલીસ સમક્ષ ગુનો કબૂલ્યો.
- 16 જાન્યુઆરી, 2009: ટ્રાયલ શરૂ થઈ અને 21 ફેબ્રુઆરી, 2009ના રોજ કોર્ટમાં પણ ગુનો કબૂલ્યો.
- 6 મે, 2010: સ્પેશિયલ કોર્ટે ફાંસીની સજા ફટકારી.
- 13 ડિસેમ્બર, 2010 અને 21 ફેબ્રુઆરી, 2011: કસાબે બોમ્બે હાઈકોર્ટમાં સગીર હોવાની દલીલ કરી, જેને કોર્ટે ફગાવી દીધી અને ફાંસીની સજા યથાવત રાખી.
- 28 ઓગસ્ટ, 2012: સુપ્રીમ કોર્ટે પણ ફાંસી પર મહોર મારી.
- 5 નવેમ્બર, 2012: રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવી દીધી અને 8 નવેમ્બરે મહારાષ્ટ્ર સરકારે ફાંસીની તારીખ નક્કી કરી.
- 21 નવેમ્બર, 2012: સવારે 7:30 વાગ્યે પુણેની યરવડા જેલમાં કસાબને ફાંસી આપીને જેલમાં જ દફનાવી દેવામાં આવ્યો.
તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ
26/11ના ન્યાયની લડાઈમાં ભારતને એક મોટી કૂટનીતિક અને કાનૂની જીત ત્યારે મળી, જ્યારે આ હુમલાના મુખ્ય કાવતરાખોર અને ડેવિડ હેડલીના સાથીદાર તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો. ફેબ્રુઆરી 2025માં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મંજૂરી મળ્યા બાદ અને 4 એપ્રિલ, 2025ના રોજ યુએસ સુપ્રીમ કોર્ટે તેની અંતિમ અરજી ફગાવી દીધા પછી, 9 એપ્રિલ, 2025ના રોજ રાણાનું ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યું. હાલમાં તે NIAની કસ્ટડીમાં છે અને ભારતીય કાયદા મુજબ તેની સામે કાર્યવાહી ચાલી રહી છે, જેનાથી પાકિસ્તાનની ભૂમિકા વધુ સ્પષ્ટ થઈ રહી છે.
18મી વરસીએ શ્રદ્ધાંજલિ
આજે હુમલાની 18મી વરસીએ મુંબઈ પોલીસ મુખ્યાલય ખાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર, DGP સદાનંદ દાતે અને મુંબઈ પોલીસ કમિશનર દેવેન ભારતીએ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આતંકવાદ સામે ભારતની 'ઝીરો ટોલરન્સ' નીતિનો પુનરોચ્ચાર કર્યો છે.
18 વર્ષ વીતી ગયા હોવા છતાં 26/11ના એ દ્રશ્યો અને પીડા આજે પણ એટલા જ તાજા છે. પરંતુ આ દિવસ આપણને માત્ર દર્દ જ નહીં, પણ એ બહાદુર જવાનોના સાહસ અને ભારતની એ અડગ ઈચ્છાશક્તિની પણ યાદ અપાવે છે, જે આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવા માટે હંમેશાં કટિબદ્ધ છે.




