'મને વડાપ્રધાન બનાવી દો...' મુસ્લિમ ડેપ્યુટી સીએમની ચર્ચા વચ્ચે આઝમ ખાનના નિવેદનથી યુપીના રાજકારણમાં ખળભળાટ!

'મને વડાપ્રધાન બનાવી દો...' મુસ્લિમ ડેપ્યુટી સીએમની ચર્ચા વચ્ચે આઝમ ખાનના નિવેદનથી યુપીના રાજકારણમાં ખળભળાટ!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027 પહેલા રાજ્યમાં મુસ્લિમ અને દલિત રાજકારણને લઈને નિવેદનબાજી તેજ બની છે. લખનૌમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને આઝાદ સમાજ પાર્ટીના નેતા ચંદ્રશેખર આઝાદની સંયુક્ત રેલીમાં કોઈ મુસ્લિમ ચહેરાને નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી CM) જાહેર કરવાની ચર્ચાઓ પર સમાજવાદી પાર્ટી (SP) ના વરિષ્ઠ નેતા આઝમ ખાને કટાક્ષ કર્યો છે.

'મારા નામમાં ફક્ત વઝીર લાગવાનું બાકી છે'

જાહેરાત

મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે આઝમ ખાનને ઓવૈસી અને ચંદ્રશેખરની રેલીમાં મુસ્લિમ ડેપ્યુટી CM અંગે ચાલી રહેલી ચર્ચાઓ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે વ્યંગાત્મક અંદાજમાં જવાબ આપ્યો. આઝમ ખાને ચુટકી લેતા કહ્યું કે, "મારી જાહેરાત કરી દો અને મને વડાપ્રધાન બનાવી દો. મારા નામમાં તો ફક્ત 'વઝીર' લાગવાનું બાકી છે, 'આઝમ' તો હું પહેલેથી જ છું." (ઉર્દૂમાં 'વઝીર-એ-આઝમ' નો અર્થ વડાપ્રધાન થાય છે).

સપાના ચૂંટણી ઢંઢેરા અંગે શું બોલ્યા આઝમ ખાન?

આ દરમિયાન સમાજવાદી પાર્ટીના ચૂંટણી ઢંઢેરા (મેનિફેસ્ટો) અંગે પૂછાયેલા સવાલ પર આઝમ ખાને જણાવ્યું કે, હજુ સુધી તેમને એ વાતની જાણકારી નથી કે મેનિફેસ્ટોમાં કઈ બાબતો સામેલ કરવામાં આવી છે. જોકે, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં જે કંઈ પણ હશે તે સમાજની ભલાઈ માટે જ હશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, "જો તેમાં કોઈ કમી પણ રહી ગઈ હશે તો તે કોઈ આસમાની કિતાબ તો છે નહીં કે તેમાં ફેરફાર ન થઈ શકે."

યુપીના રાજકારણમાં નવા સમીકરણો

ઉલ્લેખનીય છે કે જેલમાંથી બહાર આવ્યા બાદ આઝમ ખાન સતત સક્રિય જોવા મળી રહ્યા છે. બીજી તરફ, અસદુદ્દીન ઓવૈસી અને ચંદ્રશેખર આઝાદે લખનૌમાં સંયુક્ત રેલી યોજીને 'સામાજિક પરિવર્તન મોરચા' દ્વારા મુસ્લિમ-દલિત મતદારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ શરૂ કર્યો છે, જેને લઈને સપા અને આ મોરચાના નેતાઓ વચ્ચે શાબ્દિક જંગ તેજ બની છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત