હું લોકસભામાં 400 સીટો જીતવા માંગુ છું, કારણ કોંગ્રેસ રામ મંદિર પર 'બાબરી તાળા' ન લગાવી દે, 370 પાછી ના લાવેઃ મોદી
લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન મોદીનો તોફાની પ્રચાર જારી રહ્યો છે. PM મોદી આજે ચોથા તબક્કાનો પ્રચાર કરવા મધ્યપ્રદેશન

લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન મોદીનો તોફાની પ્રચાર જારી રહ્યો છે. PM મોદી આજે ચોથા તબક્કાનો પ્રચાર કરવા મધ્યપ્રદેશના ધારમાં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર ડૉ.બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. વિપક્ષી પાર્ટી કહેવા લાગી છે કે બંધારણ બનાવવામાં બાબાસાહેબની બહુ ઓછી ભૂમિકા હતી. સાથે એમ પણ કહ્યું કે, હું લોકસભા ચૂંટણીમાં 400 સીટો એટલા માટે જીતવા માંગુ છું જેથી કોંગ્રેસ અયોધ્યાના રામ મંદિર પર 'બાબરી તાળા' ન લગાવી દે.
તેમણે કહ્યું, “મોદીને 400 સીટો જોઈએ છે. જેથી કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધનના દરેક ષડયંત્રને રોકી શકે. કોંગ્રેસ કાશ્મીરમાં ફરીથી કલમ 370 લાગુ ન કરે. અયોધ્યાના રામ મંદિર પર 'બાબરી તાળા' ન લગાવવામાં આવે. કોંગ્રેસ દેશની ખાલી પડેલી જમીન અને ટાપુઓ અન્ય દેશોને ન સોંપે. કોંગ્રેસ એસસી-એસટી-ઓબીસીને આપવામાં આવેલી અનામત પર વોટબેંકના નામે લૂંટ ના ચલાવે. કોંગ્રેસ પોતાની વોટ બેંકની તમામ જ્ઞાતિઓને રાતોરાત ઓબીસી જાહેર ન કરી દે.
પીએમ મોદીએ કહ્યું, દેશના લોકો માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે, ભાજપના નેતૃત્વમાં એનડીએ પાસે પહેલાથી જ સંસદમાં 400થી વધુ બેઠકો છે. અમે આ નંબરનો ઉપયોગ કલમ 370 નાબૂદ કરવા માટે કર્યો હતો. એસસી-એસટીના આરક્ષણને 10 વર્ષ સુધી લંબાવવા માટે કરવામાં આવ્યો. આદિવાસી દીકરીને પહેલીવાર દેશના રાષ્ટ્રપતિ બનાવવા માટે કર્યો મહિલા અનામત માટે કર્યો.
મોદીએ કહ્યું, સત્ય એ છે કે કોંગ્રેસ પરિવાર ડો. બાબાસાહેબ આંબેડકરને ખૂબ જ નફરત કરે છે. આ નફરતમાં કોંગ્રેસે હવે વધુ એક ચાલ ચાલી છે. કોંગ્રેસ ઈચ્છે છે કે બંધારણ બનાવવાનો શ્રેય બાબા સાહેબને ન મળવો જોઈએ. કોંગ્રેસ કહેવા લાગી છે કે, બંધારણ બનાવવામાં બાબા સાહેબનો ફાળો ઓછો હતો, પરંતુ સૌથી મોટી ભૂમિકા નેહરુજીએ ભજવી હતી. એટલું જ નહીં કોંગ્રેસના લોકો નવી અફવા ફેલાવી રહ્યા છે કે જો મોદીને 400 સીટો મળશે તો તેઓ બંધારણ બદલી નાખશે. જાણે કોંગ્રેસની બુદ્ધિમત્તાને વોટબેંકના તાળા લાગી ગયા છે. અરે, તેમને ખબર હોવી જોઈએ કે 2014 થી 2019 અને 2019 થી 2024 સુધી મોદીને NDA અને NDA+ ના રૂપમાં 400 સીટોનું સમર્થન હતું.
પીએમએ કહ્યું કે લગભગ 14 દિવસ પહેલા તેમણે કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો કે તે દેશના 140 કરોડ લોકોને લખી આપે કે, તેઓ ધર્મના આધારે અનામત નહીં આપે. બીજું મેં તેમને લેખિતમાં આપવા કહ્યું કે તેઓ SC, ST અને OBCને આપવામાં આવી રહેલી અનામત ક્યારેય છીનવી લેશે નહીં અને ત્રીજું, મેં તેમને લેખિતમાં આપવા કહ્યું કે, તેઓ હાલના OBC ક્વોટાને લૂંટીને મુસ્લિમોને ક્યારેય અનામત નહીં આપે. પરંતુ તે કોઈ પ્રતિક્રિયા નથી આપી રહ્યા. ચૂપચાપ મોઢું બંધ રાખીને બેઠા છે.
તેમણે કહ્યું કે, "જો કોંગ્રેસનું ચાલે તો કહેશે કે, ભારતમાં રહેવાનો પહેલો અધિકાર તેની વોટ બેંકને છે. પરંતુ જ્યાં સુધી મોદી જીવિત છે, ત્યાં સુધી નકલી ધર્મનિરપેક્ષતાના નામે ભારતની ઓળખને ભૂંસી નાખવાના કોઈ પ્રયાસોને સફળ નહીં થવા દે. આ હજારો વર્ષ જૂના ભારતને તેના આ સંતાનની ગેરંટી છે.








