પત્ની સાથેના ઝઘડા બાદ પતિએ પોતાનું 'પ્રાઇવેટ પાર્ટ' કાપીને મંદિરમાં ચડાવ્યું, 25 વર્ષીય યુવકે કેમ લીધું આવું ભયાનક પગલું?
બિહારના રોહતાસ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 25 વર્ષીય પરિણીત યુવ

બિહારના રોહતાસ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 25 વર્ષીય પરિણીત યુવકે પત્ની સાથેના વિવાદ બાદ ગુસ્સા અને આવેશમાં આવીને પોતાનું જ પ્રાઈવેટ પાર્ટ (ગુપ્તાંગ) કાપીને ભગવાન શિવના મંદિરમાં અર્પણ કરી દીધું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
શું છે સમગ્ર મામલો?
આ અજીબોગરીબ ઘટના રોહતાસના કુસડિહરા ગામની છે. મળતી માહિતી મુજબ, 25 વર્ષીય વિકાસ કુમારનો તેની પત્ની સાથે કોઈ બાબતે ગંભીર ઝઘડો થયો હતો. માનસિક તણાવમાં આવીને વિકાસ ગામના શિવ મંદિરે પહોંચ્યો અને ધારદાર હથિયાર વડે પોતાનું પ્રાઈવેટ પાર્ટ કાપીને ભગવાનને અર્પણ કરી દીધું. એટલું જ નહીં યુવક પોતાની ગરદન પણ કાપવાનો પ્રયાસ કરી રહ્યો હતો, એ સમયે આસપાસના લોકોની નજર તેના પર પડતા તેને અટકાવ્યો હતો. તાત્કાલિક પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.
લોહીલુહાણ હાલતમાં વિકાસને તાત્કાલિક સાસારામની સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક સારવાર બાદ તેની ગંભીર હાલતને જોતા તેને વધુ સારવાર માટે વારાણસી રેફર કરવામાં આવ્યો છે.
સાસારામના સિવિલ સર્જન ડો. મણિરાજ રંજને આ મામલે જણાવ્યું હતું કે, યુવકે તેનું અંગ પૂરી રીતે કાપીને અલગ કરી દીધું છે. આ પાછળ કોઈ મનોવૈજ્ઞાનિક કારણ હોઈ શકે છે. સારવાર બાદ તે શારીરિક રીતે તો સ્વસ્થ થઈ જશે, પરંતુ તેનામાં હવે મર્દાનગી નહીં રહે અને તે નપુંસકતાનો શિકાર બનશે.
જણાવી દઈએ કે આ ચોંકાવનારી ઘટના બાદ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જોકે, ગામમાં આ કિસ્સાને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. પત્ની સાથેના સામાન્ય વિવાદમાં આટલું મોટું અને આત્મઘાતી પગલું ભરવું એ માનસિક અસંતુલન તરફ ઈશારો કરે છે. હાલમાં યુવકની હાલત નાજુક છે અને નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે.








