મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની તૈયારીઓ? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે રાજ્યપાલ કરશે મુલાકાત 

કોલકાતા આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈને મચેલી

પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની તૈયારીઓ? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે રાજ્યપાલ કરશે મુલાકાત 

કોલકાતા આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈને મચેલી બબાલ વચ્ચે બંગાળના રાજ્યપાલ ડો. સીવી આનંદ બોસ ગુરુવારે સાંજે ફરી એક વખત દિલ્હી પહોંચ્યા છે. જ્યાં આજે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે. એક જ અઠવાડિયાની અંદર બીજી વખત રાજ્યપાલ દિલ્હી ગયા છે. આ ઘટના બાદ બંગાળમાં વાતાવરણ તંગ છે. હાલમાં આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બંગાળના રાજ્યપાલ  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરીને આરજી કર હોસ્પિટલ બબાલ મુદ્દે રાજ્યની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરશે. ગયા અઠવાડિયે પણ ગવર્નર સીવી આનંદ બોઝ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને મળ્યા હતા અને ટ્રેઈની ડોક્ટર રેપ કેસ અને તે પછીની રાજ્યની સ્થિતિ અંગે માહિતી આપી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત અંગે સમાચાર બાદ ફરી એકવાર પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી શકે છે કે કેમ તે અંગે ચર્ચાઓએ જોર પકડ્યું છે. હકિકતમાં કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં રેપ-મર્ડર કેસ બાદ સતત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તેના પર રાજ્યપાલે સમગ્ર ઘટનાને રાજ્ય સરકારની નિષ્ફળતા ગણાવી હતી. રાજ્યપાલ સીવી આનંદ બોઝે આ સમગ્ર મામલે કહ્યું હતું કે રાજ્ય સરકાર દરેક મોરચે નિષ્ફળ રહી છે અને બંગાળ પોલીસનું અપરાધિકરણ થઈ ગયું છે. 

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, રાજભવન ખાતે બંગાળ પાર્ટી એકમના વડા અને કેન્દ્રીય પ્રધાન સુકાતા મજુમદાર ઉપરાંત પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ, વર્તમાન મહાસચિવ જગન્નાથ ચેટર્જી અને ધારાસભ્ય દીપક બર્મન હેઠળ બંગાળ ભાજપના પ્રતિનિધિમંડળને મળ્યાના કલાકો બાદ રાજ્યપાલ બોઝ દિલ્હી જવા રવાના થયા હતા. ભાજપના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત બાદ રાજ્યપાલ દિલ્હી જવા રવાના થતાં રાજકીય ગરમાવો વધ્યો છે.  

પ્રતિનિધિમંડળે રાજ્યપાલને 9 ઓગસ્ટના રોજ રાજ્યની માલિકીની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટરની હત્યા બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા. 

આ સમાચાર શેર કરો