જ્યોર્જ સોરોસ હિંડનબર્ગમાં મુખ્ય રોકાણકાર, કોંગ્રેસ ભારત વિરોધી ટૂલકિટનો હિસ્સો; બીજેપી નેતા રવિશંકર પ્રસાદ
George Soros Major Investor in Hindenburg Ravi Shankar Prasad | થોડા દિવસ પહેલા આવેલા હિંડનબર્ગના અહેવાલને ફગાવી દેતા ભાજપે તેને દેશની અર્થવ્યવસ્થાને નુકસાન

થોડા દિવસ પહેલા આવેલા હિંડનબર્ગના અહેવાલને ફગાવી દેતા ભાજપે તેને દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર ગણાવ્યું હતું. બીજેપી નેતા રવિશંકર પ્રસાદે સોમવારે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને હિંડનબર્ગ રિપોર્ટ પર અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસ અને વિપક્ષને આડે હાથ લીધા. રવિશંકર પ્રસાદે કહ્યું કે અમને આશા હતી કે, ત્રીજી વખત સત્તા પરથી હટ્યા બાદ કોંગ્રેસના લોકો ટુલકીટનો ઉપયોગ નહીં કરે. પરંતુ ચૂંટણીમાં હાર્યા બાદ હવે કોંગ્રેસ પાર્ટી દેશમાં આર્થિક અરાજકતા ફેલાવવા માંગે છે.
'શેરબજારને હલાવવાનું ષડયંત્ર'
રવિશંકર પ્રસાદે કહ્યું કે, હિન્ડનબર્ગનો આ રિપોર્ટ ભારતીય શેરબજારને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર છે. શનિવારે આ રિપોર્ટ આવ્યો અને સોમવારે બજાર ખુલતાની સાથે જ તેની અસર જોવા મળી હતી. સેબીના વડાએ આરોપોનો જવાબ આપ્યો છે. પરંતુ હિંડનબર્ગવાળા ભારત વિરોધી એજન્ડા ચલાવે છે.
રવિશંકર પ્રસાદે શું કહ્યું?
રવિશંકર પ્રસાદે કહ્યું કે, હિંડનબર્ગના પહેલા રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. આ અંગે હિંડનબર્ગને નોટિસ પણ મોકલવામાં આવી હતી. પરંતુ આ નોટિસનો જવાબ આપવાને બદલે હિંડનબર્ગે ફરી પાયાવિહોણા આક્ષેપો કર્યા છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે સેબી અને સેબીના વડાએ પણ આ મામલે સ્પષ્ટતા આપી છે. પરંતુ હજુ પણ સવાલો ઉઠી રહ્યા છે.
રવિશંકરે આરોપ લગાવ્યો કે, અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસ હિંડનબર્ગમાં મુખ્ય રોકાણકાર છે. આ એક ટૂલકીટ ગેંગ છે અને ભારતની વધતી જતી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચડવાના ષડયંત્રના ભાગરૂપે આ બધું થઈ રહ્યું છે. શેરબજાર અસ્થિર થઈ રહ્યું છે. શનિવારે શું સ્થિતિ હતી અને આજે સોમવારે કેવી છે.
બીજેપી નેતા રવિશંકર પ્રસાદે પણ કોંગ્રેસ પર સવાલો ઉઠાવ્યા હતા. ભાજપના નેતાએ પૂછ્યું કે કોંગ્રેસ શું ભારતમાં કોઈ આર્થિક રોકાણ ન થાય તેવું ઈચ્છે છે. ભારતની પ્રગતિને રોકવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ભારતની આર્થિક સ્થિતિ ડામાડોળ કરી નબળું પાડવા માંગે છે. પણ સ્પષ્ટ કહી દઉં કે, અમે ભારતને નબળું પડવા દઈશું નહીં.
જ્યોર્જ સોરોસ કોણ છે?
જ્યોર્જ સોરોસનો જન્મ 12 ઓગસ્ટ, 1930ના રોજ હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં થયો હતો. પોતાને ફિલોસોફર અને સામાજિક કાર્યકર બતાવનાર સોરોસ પર વિશ્વના ઘણા દેશોની રાજનીતિ અને સમાજને પ્રભાવિત કરવા માટે એજન્ડા ચલાવવાનો આરોપ લાગ્યો છે. 11 નવેમ્બર, 2003ના રોજ આપેલા એક ઈન્ટરવ્યુમાં સોરોસે કહ્યું કે, જ્યોર્જ ડબલ્યુ. બુશને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવવા એ તેના જીવનનો સૌથી મોટો ઉદ્દેશ્ય છે. સોરોસે કહ્યું હતું કે જો કોઈ તેને સત્તા પરથી હટાવવાની ગેરંટી લે છે, તો તે તેની સંપૂર્ણ સંપત્તિ તે વ્યક્તિ પર ખર્ચી નાંખે છે.
1956માં લંડનથી અમેરિકા આવ્યા બાદ તેણે ફાઈનાન્સ અને ઈન્વેસ્ટમેન્ટની દુનિયામાં પ્રવેશ કરીને પોતાનું ભાગ્ય બદલી નાંખ્યું. 1973માં તેમણે 'સોરોસ ફંડ મેનેજમેન્ટ' શરૂ કર્યું. તેનું ફંડ અમેરિકન ઈતિહાસમાં સૌથી મોટું અને સૌથી સફળ રોકાણકાર છે.
ભારત વિરોધી નિવેદનો માટે પ્રખ્યાત
પ્રખ્યાત હંગેરિયન-અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસ હંમેશા પોતાના નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે. તેઓ ખાસ કરીને ભારતીય ઉપખંડમાં થઈ રહેલા રાજકીય પરિવર્તનો પર નજર રાખે છે. સોરોસ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને એવા નેતાઓ ગણાવે છે જેઓ સતત સત્તામાં રહીને સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યા છે.








