મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'ગૌરવ ગોગોઈ પાકિસ્તાન એજન્ટ, હું સાબિત કરી બતાવું'; આસામ CMના આરોપ

કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ પર આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ ફરીથી તીવ્ર પ્રહાર કર

'ગૌરવ ગોગોઈ પાકિસ્તાન એજન્ટ, હું સાબિત કરી બતાવું'; આસામ CMના આરોપ

કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ પર આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ ફરીથી તીવ્ર પ્રહાર કર્યા છે, જેમાં તેમણે ગોગોઈને 'પાકિસ્તાની એજન્ટ' ગણાવ્યા છે. સરમાએ દાવો કર્યો કે વિદેશી તાકાતોએ પોતાના લાભ માટે તેમને ભારતમાં 'પ્લાન્ટ' કર્યા છે. પડકાર ફેંકતા સરમાએ કહ્યું કે, 'જો ગૌરવ ગોગોઈમાં હિંમત હોય તો તેઓ માનહાનિનો કેસ દાખલ કરીને બતાવે.' તેમણે ખાતરી આપી કે ગાયક ઝુબિન ગર્ગના પરિવારને ન્યાય અપાવ્યા બાદ તેઓ આ આરોપો પણ તથ્યો સાથે સાબિત કરી બતાવશે.

કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ પાકિસ્તાન એજન્ટ: CM સરમા

સરમાએ સ્પષ્ટપણે કહ્યું, 'ગૌરવ ગોગોઈ પાકિસ્તાની એજન્ટ છે, અને મારી પાસે તેના પુરાવા છે. તેમને વિદેશી તાકાતો દ્વારા આપણા દેશમાં પ્લાન્ટ કરાયા છે. હું આ વાત તથ્યો સાથે કહી રહ્યો છું અને એક દિવસ તે સાબિત કરી દઈશ.'

જણાવી દઈએ કે ગૌરવ ગોગોઈ પર તેમની પત્ની એલિઝાબેથ કોલબર્નના કારણે અગાઉ પણ આરોપો લાગી ચૂક્યા છે. આરોપ છે કે એલિઝાબેથના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે લિંક છે.

કોણ છે એલિઝાબેથ કોલબર્ન?

બ્રિટનમાં જન્મેલાં એલિઝાબેથ કોલબર્ને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાંથી આંતરરાષ્ટ્રીય રાજકીય અર્થવ્યવસ્થામાં સ્નાતકોત્તરની ડિગ્રી પ્રાપ્ત કરી છે. વર્ષ 2013માં, તેમના લગ્ન આસામના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગોઈ સાથે થયા હતા. એલિઝાબેથ આબોહવા નીતિના ક્ષેત્રમાં કાર્યરત છે. જોકે, ભાજપનો આરોપ છે કે કોલબર્ન અને પાકિસ્તાનમાં યોજના આયોગના ભૂતપૂર્વ સલાહકાર અલી તૌકીર શેખ વચ્ચે લિંક છે. નોંધનીય છે કે અલી તૌકીર CDKN એશિયાના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે, જેને ISIનો માસ્ક ગણવામાં આવે છે.

સરમાનો જવાબ અને ગોગોઈનો બચાવ

સરમાએ કહ્યું કે, 'SITએ તપાસ બાદ આસામ કેબિનેટને રિપોર્ટ સોંપી દીધો છે. સંવેદનશીલ માહિતી હોવાને કારણે હાલમાં તેને જાહેર કરવામાં આવી રહ્યો નથી. બીજી તરફ, લોકસભામાં વિપક્ષના ઉપનેતા ગૌરવ ગોગોઈએ આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે આ એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો