'હું રહું કે ના રહું, દેશવાસીઓને સચ્ચાઈ...', પૂર્વ રાજ્યપાલે મૃત્યુ પહેલા કર્યા હતા આ ખુલાસા
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું મંગળવારે દિલ્હીની રામ મનોહર લો

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું મંગળવારે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લાંબી બીમારી બાદ અવસાન થયું. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. જ્યારે તેમની તબિયત વધુ ખરાબ થઈ, ત્યારે તેમને 11 મેના રોજ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું 79 વર્ષની વયે નિધન થયું છે. સત્યપાલ મલિક જમ્મુ કાશ્મીર, ગોવા અને મેઘાલયના રાજ્યપાલ રહી ચુક્યા છે. પુલવામા હુમલા સમયે સત્યપાલ મલિક જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ હતા. સત્યપાલ મલિકે આ હુમલા બાદ મોટો ખુલાસો કરતા તેને ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા ગણાવ્યો હતો.
સત્યપાલ મલિકના મૃત્યુની જાણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરવામાં આવી હતી. સત્યપાલ મલિક બિહારના રાજ્યપાલ પણ હતા. સત્તાવાર માહિતી અનુસાર, સત્યપાલ મલિકને કિડનીની સમસ્યા હતી. તેઓ છેલ્લા કેટલાય સમયથી બીમારીનો સામનો કરી રહ્યા હતા. તેઓ અગાઉ પણ જમ્મુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મે મહિનામાં તેઓને દિલ્હીની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. આજે તેમણે ફાની દુનિયાને અલવિદા કહ્યું હતું. તેઓ સરકાર સામે પણ સત્ય વચન બોલવામાં પાછા નહોતા પડતા. તેમણે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે, હું રહું કે ના રહું. સત્ય લોકોની સામે આવવું જોઈએ.
સત્યપાલ મલિક કિડનીની સમસ્યાથી પીડિત
સત્યપાલ મલિકે X પર આ અંગે લખ્યું છે કે, 'હું છેલ્લા લગભગ એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ છું અને કિડનીની સમસ્યાથી પીડિત છું. બે દિવસ પહેલા સવારથી હું ઠીક હતો, પરંતુ આજે ફરીથી મને ICU માં શિફ્ટ કરવામાં આવ્યો છે. મારી હાલત ખૂબ જ ગંભીર બની રહી છે.'
રાજ્યપાલના પદ પર હતો ત્યારે લાંચની ઓફર પણ થઈ હતી: સત્યપાલ મલિક
સત્યપાલ મલિકે વધુમાં કહ્યું કે, 'હું રહું કે ન રહું, તેથી મારા દેશવાસીઓને સચ્ચાઈ કહેવા માંગુ છું કે જ્યારે હું રાજ્યપાલના પદ પર હતો ત્યારે મને ₹150 કરોડની લાંચની ઓફર પણ થઈ હતી, પરંતુ હું મારા રાજકીય ગુરુ, ખેડૂતના મસીહા સ્વર્ગસ્થ ચૌધરી ચરણસિંહજીની જેમ ઈમાનદારીથી કામ કરતો રહ્યો અને તેઓ ક્યારેય મારી ઈમાનદારી ડગાવી શક્યા નહીં.'
પૂર્વ રાજ્યપાલે લખ્યું, 'જ્યારે હું રાજ્યપાલ હતો ત્યારે ખેડૂત આંદોલન પણ ચાલી રહ્યું હતું. મેં કોઈ રાજકીય લોભ-લાલચ વગર પદ પર રહીને ખેડૂતોની માંગણીઓ ઉઠાવી. પછી મહિલા પહેલવાનોના આંદોલનમાં જંતર-મંતરથી લઈને ઈન્ડિયા ગેટ સુધી તેમની દરેક લડાઈમાં હું તેમની સાથે રહ્યો. પુલવામા હુમલામાં શહીદ વીર જવાનોનો મુદ્દો પણ ઉઠાવ્યો, જેની આ સરકાર દ્વારા આજ સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી.'
સરકાર પર લગાવ્યા આરોપ
સત્યપાલ મલિકે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, 'સરકાર મને CBI નો ડર બતાવીને ખોટી ચાર્જશીટમાં ફસાવવાના બહાના શોધી રહી છે. જે કેસમાં મને ફસાવવા માંગે છે, તે ટેન્ડર મેં પોતે રદ કર્યું હતું. મેં પોતે વડાપ્રધાનજીને જણાવ્યું હતું કે આ મામલામાં ભ્રષ્ટાચાર છે અને તેમને જણાવ્યા પછી મેં પોતે તે ટેન્ડર રદ કર્યું. મારી બદલી થયા પછી, અન્ય કોઈની સહીથી આ ટેન્ડર મંજૂર થયું. હું સરકાર અને સરકારી એજન્સીઓને કહેવા માંગુ છું કે હું ખેડૂત કોમનો છું. હું ન તો ડરવાનો છું કે ન તો ઝૂકવાનો છું.'
આ અંગે વધુમાં તેમણે લખ્યું કે, 'સરકારે મને બદનામ કરવામાં પૂરી તાકાત લગાવી દીધી. અંતે, મારી સરકાર અને સરકારી એજન્સીઓને વિનંતી છે કે મારા દેશની જનતાને સચ્ચાઈ ચોક્કસ કહેજો કે તમને તપાસમાં મારી પાસેથી શું મળ્યું? જોકે, સચ્ચાઈ તો એ છે કે 50 વર્ષથી વધુ લાંબા રાજકીય જીવનમાં ખૂબ મોટા-મોટા પદો પર દેશસેવા કરવાનો મોકો મળ્યા પછી આજે પણ હું એક જ રૂમના મકાનમાં રહું છું અને દેવામાં પણ છું. જો આજે મારી પાસે ધન-દોલત હોત તો હું પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવતો હોત.'








