મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનું નિધન, RML હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું મંગળવારે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લાંબી બીમારી

પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનું નિધન, RML હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું મંગળવારે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લાંબી બીમારી બાદ અવસાન થયું. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. જ્યારે તેમની તબિયત વધુ ખરાબ થઈ, ત્યારે તેમને 11 મેના રોજ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમણે 79 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા.

સત્યપાલ મલિકના મૃત્યુની જાણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરવામાં આવી હતી. સત્યપાલ મલિક બિહારના રાજ્યપાલ પણ હતા. સત્તાવાર માહિતી અનુસાર, સત્યપાલ મલિકને કિડનીની સમસ્યા હતી. તેઓ છેલ્લા કેટલાય સમયથી બીમારીનો સામનો કરી રહ્યા હતા. 

સત્યપાલ મલિક ઓગસ્ટ 2018 થી ઓક્ટોબર 2019 સુધી પૂર્વર્તી જમ્મુ - કાશ્મીર રાજ્યના છેલ્લા રાજ્યપાલ હતા. તેમના કાર્યકાળમાંજ 5 ઓગસ્ટ 2019 ના રોજ કલમ 370 રદ કરવામાં આવી હતી અને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો હતો. સાથે જ તેને બે કેન્દ્રશાસિત પ્રદેશો - જમ્મુ - કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કરવામાં આવ્યો હતો. યોગાનુયોગ  આજે આ નિર્ણયની છઠ્ઠી વર્ષગાંઠ છે અને આ દિવસે સત્યપાલ મલિકે અંતિમ શ્વાસ લીધા હતા.

તેઓ ઓક્ટોબર 2017 થી ઓગસ્ટ 2018 સુધી બિહારના રાજ્યપાલ હતા. તેમને 21 માર્ચ 2018 થી 28 મે 2018 સુધી ઓડિશાના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન પછી સત્યપાલ મલિકને ગોવાના 18મા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે ઓક્ટોબર 2022 સુધી મેઘાલયના 21મા રાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી.

સત્યપાલ મલિક સરકાર સામે કોઈપણ જાતના ડર વિના બોલતા હતા. તેમની સામે ભ્રષ્ટાચારનો કેસ પણ થયો હતો. તેમણે પોતે જ કહ્યું હતું કે, હું રહું કે ના રહું. પણ લોકોની સામે સત્ય મુકતો જાઉં છું.

સત્યપાલ મલિક કિડનીની સમસ્યાથી પીડિત

સત્યપાલ મલિકે X પર આ અંગે લખ્યું છે કે, 'હું છેલ્લા લગભગ એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ છું અને કિડનીની સમસ્યાથી પીડિત છું. બે દિવસ પહેલા સવારથી હું ઠીક હતો, પરંતુ આજે ફરીથી મને ICU માં શિફ્ટ કરવામાં આવ્યો છે. મારી હાલત ખૂબ જ ગંભીર બની રહી છે.'

રાજ્યપાલના પદ પર હતો ત્યારે લાંચની ઓફર પણ થઈ હતી: સત્યપાલ મલિક

સત્યપાલ મલિકે વધુમાં કહ્યું કે, 'હું રહું કે ન રહું, તેથી મારા દેશવાસીઓને સચ્ચાઈ કહેવા માંગુ છું કે જ્યારે હું રાજ્યપાલના પદ પર હતો ત્યારે મને ₹150 કરોડની લાંચની ઓફર પણ થઈ હતી, પરંતુ હું મારા રાજકીય ગુરુ, ખેડૂતના મસીહા સ્વર્ગસ્થ ચૌધરી ચરણસિંહજીની જેમ ઈમાનદારીથી કામ કરતો રહ્યો અને તેઓ ક્યારેય મારી ઈમાનદારી ડગાવી શક્યા નહીં.'

આ સમાચાર શેર કરો