લો બોલો! હવે નકલી રાજદૂત ઝડપાયો; નકલી દૂતાવાસ ખોલી અનેક લોકોને ઠગ્યા
ગુજરાત સહિત દેશમાં નકલીની બોલબાલા જોવા મળી રહી છે. નકલી PMO અધિકારી, નકલી CMO અધિકારી, નકલી IAS-IPS

ગુજરાત સહિત દેશમાં નકલીની બોલબાલા જોવા મળી રહી છે. નકલી PMO અધિકારી, નકલી CMO અધિકારી, નકલી IAS-IPS અધિકારી તો પકડાયા છે પણ હવે તો ગાઝિયાબાદમાંથી નકલી દૂતાવાસ, નકલી રાજદૂત ઝડપાયા છે. હવે દેશમાં એકમાત્ર વડાપ્રધાન જ નકલી પકડાવાના બાકી રહ્યાં હોય તેમ સોશિયલ મીડિયા પર લોકો રમૂજ ફેલાવી રહ્યાં છે.
શું છે ઘટના?
ગાઝિયાબાદમાં એક પોશ કોલોનીમાં યુપી STF (નોઇડા યૂનિટ)એ એક રેડ મારી હતી જેમાં નકલી દૂતાવાસ પકડાયું છે જેને જોઇને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. ધરપકડ કરાયેલા શખ્સનું નામ હર્ષવર્ધન જૈન છે, જે કવિનગર, ગાઝિયાબાદનો રહેવાસી છે.
હર્ષવર્ધન ખુદને West Arctica, Saborga, Poulvia અને Lodonia જેવા કાલ્પનિક અથવા માઇક્રો-નેશન્સનો રાજદૂત બતાવી કેટલાક વર્ષથી એક ફેક દૂતાવાસ ચલાવતો હતો.
યુપી STFની તપાસમાં જાણવા મળ્યું કે આરોપી કવિનગર ગાઝિયાબાદમાં એક મકાન ભાડે લઇને રહેતો હતો જ્યાં તે West Arctica Embassyના નામથી ફેક દૂતાવાસ ખોલીને રાખ્યું હતું, તેની પાસેથી ચાર ડિપ્લોમેટિક નંબર પ્લેટ લાગેલી લક્ઝરી ગાડી, 12 ફેક ડિપ્લોમેટિક પાસપોર્ટ અને વિદેશ મંત્રાલયની નકલી મોહર જપ્ત કરવામાં આવી છે. આટલું જ નહીં તેની પાસેથી 34 અલગ અલગ વિદેશી કંપનીઓ અને દેશની મોહર, ફેક પ્રેસ કાર્ડ, પાન કાર્ડ અને આશરે 44.7 લાખ રૂપિયાના કેશ મળ્યા છે. આ સિવાય કેટલાક ફોરેન કરન્સી અને કૂલ 18 ડિપ્લોમેટિક નંબર પ્લેટ પણ જપ્ત કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ-વડાપ્રધાન સહિતની હસ્તીઓ સાથે મોર્ફ તસવીરો પણ મળી
આરોપી હર્ષવર્ધન લોકોને ઝાંસામાં લેવા માટે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને અન્ય VVIP હસ્તીઓ સાથે મોર્ફ કરેલી તસવીરોનો ઉપયોગ કરતો હતો. સોશિયલ મીડિયા અને વેબસાઇટ પર આ ફેક તસવીરો દ્વારા લોકોને વાતોમાં ફસાવતો હતો અને ઝાંસામાં લઇને વિદેશમાં કામ અપાવવાના નામ પર દલાલી કરતો હતો.
હવાલા રેકેટ અને શેલ કંપનીઓ સાથે કનેક્શન સામે આવ્યું
STF અનુસાર, આરોપી હર્ષવર્ધનનું મુખ્ય કામ વિદેશમાં નોકરીના નામ પર દલાલી, ફેક દસ્તાવેજ બનાવવા અને શેલ કંપનીઓના માધ્યમથી હવાલા ટ્રાન્જેક્શન કરવાનું છે. પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે તે પહેલા પણ વિવાદમાં રહી ચુક્યો છે. વર્ષ 2011માં ગેરકાયદેસર સેટેલાઇટ ફોન રાખવાની ઘટનામાં તેના વિરૂદ્ધ કવિનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલો છે. આ સિવાય તેનું નામ કુખ્યાત ચંદ્રાસ્વામી અને ઇન્ટરનેશનલ આર્મ્સ ડીલર અદનાન ખગોશી સાથે સંપર્કોમાં પણ જોડાયેલું છે.








