'7 દિવસમાં સોગંદનામું આપો અથવા દેશની માફી માંગો'; વોટ ચોરીના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ
ચૂંટણી પંચ તરફથી એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં બિહારમાં સ્પેશ્યલ ઇન્ટેસિવ

ચૂંટણી પંચ તરફથી એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં બિહારમાં સ્પેશ્યલ ઇન્ટેસિવ રિવીઝન (SIR)ની પ્રોસેસ પર ઉઠાવવામાં આવેલા સવાલ અને 'વોટ ચોરી'ના આરોપો પર જવાબ આપ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે, અમારા માટે ના કોઇ પક્ષ છે અને ના તો વિપક્ષ છે. આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આરોપોને ફગાવી દીધા છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપોનો જવાબ આપતા કહ્યું કે, 7 દિવસમાં સોગંદનામું આપો અથવા દેશની માફી માંગો.
કોઇ પણ ફરિયાદ માટે અમારા દરવાજા ખુલ્લા છે- મુખ્ય ચૂંટણી કમિશનર
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે કોઇ પણ ફરિયાદ માટે ચૂંટણી પંચના દરવાજા હંમેશા ખુલ્લા છે, તેમણે કહ્યું કે વોટ ચોરી જેવા શબ્દોનો ઉપયોગ ખોટો છે. આવી ઘટનામાં કોર્ટમાં અરજી દાખલ કરવી જોઇતી હતી, તેમણે કહ્યું કે વોટર્સની તસવીર, નામ અને ઓળખ સાર્વજનિક રીતે બતાવવામાં આવી જે ખોટું છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે બિહારથી SIRની શરૂઆત થઇ અને આ પ્રક્રિયામાં વોટર લિસ્ટને સુધારીને તમામ પક્ષને ફોર્મેટની યાદી આપવામાં આવી જેના પર તમામ પક્ષના પ્રતિનિધિઓએ હસ્તાક્ષર સાથે સ્વીકાર કર્યો હતો.
પારદર્શી પ્રક્રિયામાં કોઇ વોટ ચોરી કરી શકતો નથી- ચૂંટણી કમિશનર
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું, 'લોકસભા ચૂંટણીની પ્રક્રિયામાં એક કરોડ કરતા વધુ કર્મચારી, 10 લાખ કરતા વધુ બુથ લેવલ એજન્ટ, ઉમેદવારોના 20 લાખથી વધુ પોલિંગ એજન્ટ કામ કરે છે. આટલા બધા લોકો સામે આટલી પારદર્શી પ્રક્રિયામાં શું કોઇ મતદાર વોટ ચોરી કરી શકે છે?'
મુખ્ય ચૂંટણી કમિશનરનું કહેવું છે કે કેટલાક નેતાઓએ ડ્યૂલ વોટિંગનો આરોપ લગાવ્યો, જ્યારે પુરાવા માંગવામાં આવ્યા તો કોઇ જવાબ ના આપ્યો. આવા જૂઠા આરોપોથી ના તો ચૂંટણી પંચ અને ના તો કોઇ મતદાર ડરે છે. જ્યારે ચૂંટણી પંચના ખભા પર બંદૂક રાખીને ભારતના મતદારોને નિશાન બનાવી રાજકારણ રમવામાં આવી રહ્યું છે તો આજે ચૂંટણી પંચ આ સ્પષ્ટ કરવા માંગે છે કે ચૂંટણી પંચ નિડર થઇને કોઇ ભેદભાવ વગર ગરીબ, અમીર વૃદ્ધ, મહિલા, યુવા સહિત તમામ વર્ગ અને તમામ ધર્મના મતદારો સાથે પહાડની જેમ ઉભુ હતું, ઉભુ છે અને ઉભુ રહેશે.
'સોગંદનામું આપવું પડશે, માફી માંગવી પડશે'- ચૂંટણી પંચ
રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપો પર ચૂંટણી પંચે જવાબ આપતા કહ્યુ કે, 7 દિવસમાં સોગંદનામું આપો અથવા દેશની માફી માંગો. વારંવાર જૂઠ બોલવાથી સત્ય સામે નથી આવતું.
શું મા-બહેનોના CCTV પરવાનગી વગર શેર કરવા જોઇએ? ચૂંટણી કમિશનર
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, 'અમે તાજેતરમાં જોયું કે કેટલાક મતદારોની તસવીરો તેમની પરવાનગી વગર મીડિયામાં બતાવવામાં આવી અને તેન ઉપયોગ કરીને આરોપ લગાવવામાં આવ્યો. તે બાદ તેમણે મતદાન કેન્દ્રો પાસેથી CCTV ફૂટેજની માંગ કરી જેથી એમ તપાસી શકાય કે ક્યાક ડુપ્લિકેટ કે પ્રોક્સી વોટિંગ તો કરવામાં નથી આવીને. જ્ઞાનેશ કુમારે કહ્યું, 'શું ચૂંટણી પંચે કોઇની માતા, પત્ની, બહેન કે કોઇ અન્યના CCTV શેર કરવા જોઇએ?








