અયોધ્યામાં દિવાળી: એક સાથે 29 લાખ દીવા પ્રગટાવવામાં આવશે, મુખ્યમંત્રી યોગી હાજર રહેશે
અયોધ્યમાં આજે મોટો રેકોર્ડ બનશે. જેમાં નવમા પ્રકાશ ઉત્સવ દરમિયાન 29 લાખ

અયોધ્યમાં આજે મોટો રેકોર્ડ બનશે. જેમાં નવમા પ્રકાશ ઉત્સવ દરમિયાન 29 લાખ 11 હજાર 101 માટીના દીવા પ્રગટાવીને એક નવો વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવશે. આ દરમિયાન યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી પણ હાજર રહેશે. અહિંયા ત્રીસ હજાર સ્વયંસેવકોએ 56 ઘાટ પર 29 લાખ માટીના દીવા સજાવી દીધા છે. ત્યારબાદ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે ડ્રોનનો ઉપયોગ કરીને દીવાઓની સંખ્યા ગણી હતી. આ દીવાઓમાં તેલ અને વાટ ભરવાની પ્રક્રિયા આજે રવિવારે સવારથી જ શરૂ થઈ ચૂકી હતી.
કડક સુરક્ષા વચ્ચે ઉજવાશે દીપોત્સવ
કુલપતિ ડૉ. બિજેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, નવમા દીપોત્સવની ઉજવણી અસાધારણ અને અવિસ્મરણીય રહેશે. બધા ઘાટ પર દીવાનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. નોડલ ઓફિસરે જણાવ્યું હતું કે દીવા સજાવ્યા પછી, ઘાટ પર સુરક્ષા કડક કરવામાં આવી છે. ઓળખ કાર્ડ વિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રજિસ્ટ્રારે જણાવ્યું હતું કે, રવિવારે બધા સ્વયંસેવકો દીપોત્સવ ઓળખ કાર્ડ સાથે ઘાટ પર હાજર રહેશે. દરેકને સુતરાઉ કપડાં પહેરવાની સૂચના આપવામાં આવી છે.
મુખ્યમંત્રી યોગી આ દીપોત્સવના બનશે સાક્ષી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રથમ દિવસે સાડા છ કલાક લાંબા દીપોત્સવના દરેક ક્ષણના સાક્ષી બનશે. પ્રથમ દિવસના ઉત્સવો રામકથા પાર્ક ખાતે શરૂ થશે અને સમાપ્ત પણ અહીં જ થશે. આ કાર્યક્રમોના વ્યસ્ત દિવસ પછી, મુખ્યમંત્રી અયોધ્યાના સરયુ ગેસ્ટ હાઉસમાં રાત્રિ આરામ કરશે. રામનગરીમાં મુખ્યમંત્રીના બે દિવસના રોકાણને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્રે બધી વ્યવસ્થાઓ પૂર્ણ કરી દીધી છે.








