મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી ફરી બન્યું ગેસ ચેમ્બર; AQI 300 ને પાર, લાગશે આ પ્રતિબંધો

દિવાળી પહેલા દિલ્હીની હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વધતા પ્રદૂષણ સ્તરને લઈને દિલ્હીમાં ગ્ર

દિલ્હી ફરી બન્યું ગેસ ચેમ્બર;  AQI 300 ને પાર, લાગશે આ પ્રતિબંધો

દિવાળી પહેલા દિલ્હીની હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વધતા પ્રદૂષણ સ્તરને લઈને દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(GRAP) 2 લાગુ કરવામાં આવ્યો છે. આ હેઠળ હવા પ્રદૂષણને લઈને અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. કોમન ફોન એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) મુજબ, રવિવારે (19 ઓક્ટોબર) દિલ્હીમાં સરેરાશ પ્રદૂષણ સ્તર 296 નોંધાયું હતું, જેના પગલે બેઠકમાં દિલ્હી-NCRમાં GRAP 2 પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિલ્હી-એનસીઆરમાં આ વસ્તુઓ પર પ્રતિબંધ

GRAP 2 હેઠળ, દિલ્હી-NCRમાં તંત્ર પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ભીડવાળા અથવા ધૂળવાળા વિસ્તારોમાં સફાઈ કરશે અને સ્મોગ ગન લગાવશે. ઘરેલું ડીઝલ જનરેટરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધિત રહેશે, જોકે, વીજળી ન હોય તેવા સંજોગોમાં ફેક્ટરીઓને તેનો ઉપયોગ કરવાની મંજૂરી અપાશે. 

સરકાર પાર્કિંગ ફીમાં વધારો કરી શકે

ફેક્ટરીમાં વીજળી ગુલ થવાની સ્થિતિમાં ડીઝલ જનરેટરનો ઉપયોગ કરી શકશે. જ્યારે ટ્રાફિકજામ અટકાવવા માટે એક ટીમ તૈનાત કરવામાં આવશે. લોકોને પોતાના વાહનોને બદલે જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે સરકાર પાર્કિંગ ફીમાં વધારો કરી શકે છે.

આ નિયમોનું પાલન આવશ્યક

દિલ્હી-NCRમાં નિર્માણ અને બાંધકામ તોડી પાડવાના કામમાં સામેલ તમામ બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોએ અનેક નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. જેને લઈને સરકારી અધિકારીઓની ટીમો દૈનિક નિરીક્ષણ કરશે અને પાલન ન કરનારાને દંડ કરવામાં આવશે. આ ઉપરાંત, રેસ્ટોરન્ટ્સને તંદૂરમાં કોલસો અથવા લાકડા બાળવા પર પણ પ્રતિબંધ રહેશે અને રસોઈ માટે વીજળી અથવા ગેસ, જેમ કે LPGનો ઉપયોગ કરવા જણાવ્યું છે.

આ ઉપરાત, GRAP 2 હેઠળ દિલ્હી-NCRમાં તમામ રેજિડેન્શિયલ વેલફેર એસોસિએશન (RWA)એ ઠંડકથી બચવા માટે તેમના પટ્ટાવાળાને શિયાળામાં લાકડા બાળવા ન પડે એટલે હીટરની વ્યવસ્થા કરવાની રહેશે. 

GRAP એટલે શું?

ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) એ દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે તૈયાર કરાયેલો ખ્યાલ છે. જેને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા 2017 માં સૂચિત કરવામાં આવ્યું હતું. GRAPને હવા ગુણવત્તા સૂચકાંક (AQI) સ્તરના આધારે ચાર તબક્કામાં લાગુ કરવામાં આવે છે:

સ્ટેજ 1 (ખરાબ): AQI 201-201

સ્ટેજ 2 (ખૂબ જ ખરાબ): AQI 301-400

સ્ટેજ 3 (ગંભીર): AQI 401-450

સ્ટેજ 4 (ગંભીર+): 450 થી વધુ AQI 

આ સમાચાર શેર કરો