અનુરાગ ઠાકુરે સંસદમાં રાહુલ ગાંધીની જાતિ પૂછતા વિવાદ, ભડકેલા અખિલેશ યાદવે પણ આપ્યો જવાબ
ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં જાતિ ગણતરીના મુદ્દે કોંગ્રેસ સાંસદ અને ગૃહમાં વિપક્ષના

ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં જાતિ ગણતરીના મુદ્દે કોંગ્રેસ સાંસદ અને ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અનુરાગ ઠાકુર એકબીજા સાથે ટકરાયા હતા. બંને વચ્ચે ધારદાર ચર્ચાઓ થઈ હતી. આ દરમિયાન અખિલેશ યાદવે પણ રાહુલ ગાંધીનું સમર્થન કરતા સત્તાધારી પક્ષના નેતાઓને ઘેર્યા હતા. બબાલ એટલી બધી વધી ગઈ કે ગૃહનું વાતાવરણ ખૂબ જ ઘોંઘાટભર્યું હતું.
સંસદમાં બજેટ પર ચર્ચા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની જાતિ પૂછી હતી. અનુરાગ ઠાકુરે કહ્યું કે જેમની જાતિની ખબર નથી તેઓ જાતિ ગણતરીની વાત કરે છે. અનુરાગ ઠાકુરના આ નિવેદનથી વિપક્ષી સાંસદો ખૂબ નારાજ થઈ ગયા અને હંગામો મચાવવા લાગ્યા. જો કે અનુરાગ ઠાકુરે પોતાના બચાવમાં કહ્યું કે તેમણે કોઈનું નામ નથી લીધું.
અનુરાગ ઠાકુર આવું બોલતા જ ગૃહમાં હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન રાહુલ ગાંધી ફરી પોતાની સીટ પરથી ઉભા થઈને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સામે વળતો પ્રહાર કર્યો. રાહુલ ગાંધીએ મહાભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'સ્પીકર સાહેબ, જે કોઈ દલિતોનો મુદ્દો ઉઠાવે છે તેને ગાળો ખાવી પડે છે, અત્યાચારનો સામનો કરવો પડે છે. હું રાજીખુશીથી આ તમામ ગાળો સાંભળી લઈશ.
સંસદના ચોમાસુ સત્રમાં બજેટ પર ચર્ચા દરમિયાન જાતિ ગણતરીનો મુદ્દો પણ સામે આવ્યો હતો. સદનમાં ચર્ચા ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે 'અનુરાગ ઠાકુરે' મારી સાથે દુર્વ્યવહાર કરીને મારું અપમાન કર્યું છે. પરંતુ મારે તેમની પાસેથી માફીની પણ જરૂર નથી. મંગળવારે જગદંબિકા પાલ ગૃહમાં સ્પીકરની ખુરશી પર બેઠા હતા. રાહુલ ગાંધી પર નિશાન સાધતા અનુરાગ ઠાકુરે કહ્યું કે, 'તેમણે જાણવું જોઈએ કે LoPનું પૂર્ણ સ્વરૂપ વિપક્ષના નેતા છે, લીડર ઓફ પ્રોપગેન્ડા નહીં. કોંગ્રેસ પાર્ટીએ ઘણો ભ્રષ્ટાચાર કર્યો છે.
મહાભારતની વાત થઈ તો અર્જુન માત્ર માછલીની આંખો જોઈ શકતો હતો, અમારે તો જાતિગત ગણતરીની જરૂર છે અને અમે તે પૂરી કરીને રહીશું. આના માટે મારી સાથે ગમે તેટલો દુર્વ્યવહાર થાય મને પડી નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે અનુરાગ ઠાકુરજીએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો છે, પરંતુ હું તેમની પાસેથી કોઈ માફીની અપેક્ષા રાખતો નથી.
રાહુલ ગાંધીના જવાબી હુમલા બાદ ગૃહમાં ફરી હોબાળો મચતા સ્પીકર જગદંબિકા પાલે બધાને શાંત રહેવા કહ્યું હતું. આ દરમિયાન અખિલેશ યાદવે પોતાની સીટ પરથી ઉભા થઈને રાહુલ ગાંધીને સમર્થન આપતાં તેમણે સત્તા પક્ષ પર શાબ્દિક પ્રહાર કર્યા. તેમણે કહ્યું, 'સદનમાં કોઈની જાતિ કેવી રીતે પૂછી શકાય?' તેના પર અધ્યક્ષ પાલે કહ્યું કે ગૃહમાં કોઈ કોઈની જાતિ પૂછશે નહીં.








