કોંગ્રેસ નેતાએ જાહેર કાર્યક્રમમાં ગાયું બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત, ભાજપે કાર્યવાહીની કરી માંગ
આસામ કોંગ્રેસના વરિષ્ઠ નેતા બિધુ ભૂષણ દાસે એક જાહેર કાર્યક્રમ દરમિયાન બાંગ્લાદેશનું રાષ્

આસામ કોંગ્રેસના વરિષ્ઠ નેતા બિધુ ભૂષણ દાસે એક જાહેર કાર્યક્રમ દરમિયાન બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત, "અમર સોનાર બાંગ્લા, અમી તોમય ભલોબાશી" ગાવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેના લીધે આસામની બરાક ખીણ ક્ષેત્રમાં રાજકીય વિવાદ સર્જાયો છે. આ ઘટના સોમવારે શ્રીભૂમિ જિલ્લાના ઇન્દિરા ભવનમાં કોંગ્રેસ સેવા દળની બેઠક દરમિયાન બની હતી.
ભાંગા (શ્રીભૂમિ) ના રહેવાસી અને સેવા દળના જિલ્લા એકમના ભૂતપૂર્વ પ્રમુખ બિધુ ભૂષણ દાસે પોતાના ભાષણની શરૂઆત રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત ગીતથી કરી હોવાનું કહેવાય છે, જે ગીત પાછળથી બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત બન્યું. ટાગોરે 1905માં પશ્ચિમ બંગાળના પહેલા ભાગલા દરમિયાન આ ગીત લખ્યું હતું.
ઘટના સામે આવ્યા બાદ રાજકીય ગલિયારોમાં હોબાળો મચ્યો છે. સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દે તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી. રાજ્યના મંત્રી અને ભાજપ નેતા કૃષ્ણેન્દુ પોલે કહ્યું, "મને એવું જાણવા મળ્યું કે, કોંગ્રેસના એક નેતાએ બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત ગાયું છે. કોંગ્રેસમાં કંઈ પણ શક્ય છે - તેમને ખબર પણ નથી કે ક્યારે શું ગાવું જોઈએ. હું વીડિયો જોયા બાદ પોલીસ તપાસની યોગ્ય કાર્યવાહીની માંગ કરીશ. કોંગ્રેસે આ વિવાદને "રાજકીય રીતે પ્રેરિત" ગણાવ્યો છે.
કરીમગંજ જિલ્લા કોંગ્રેસ સમિતિના મીડિયા પ્રવક્તા શહાદત અહમદ ચૌધરીએ દાસનો બચાવ કરતા કહ્યું કે, બિધુ ભૂષણ દાસે બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન નહીં પરંતુ રવિન્દ્ર સંગીત રજૂ કર્યું હતું. અમાર સોનાર બાંગ્લા એવી રચના છે જેને નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું. દાસે ભાષણની શરૂઆતમાં જ કહ્યું હતું કે તેઓ રવિન્દ્ર સંગીતથી શરૂઆત કરશે. તેઓ સમાન્નિત નેતા છે. જેઓ દર સ્વતંત્રતા દિવસે ઇન્દિરા ભવનમાં ભારતીય તિરંગો લહેરાવે છે. તેમના પર બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત ગાવાનો આરોપ લગાવવો બેબુનિયાદ છે.
બરાક ખીણ પ્રદેશમાં બંગાળી ભાષી વસ્તી મોટા પ્રમાણમાં છે. તેઓને ભાષા અને સાંસ્કૃતિક ઓળખ સંબંધિત મુદ્દાઓ પર ઘણીવાર સંવેદનશીલ માનવામાં આવે છે. આ વિવાદે ચૂંટણી માહોલમાં નવા રાજકીય સમીકરણોને હવા આપી છે. કોંગ્રેસ હાલમાં આ ઘટનાને વિપક્ષ દ્વારા એક નાની ઘટનાને મોટો મુદ્દો બનાવવાનો પ્રયાસ ગણાવ્યો છે, જ્યારે ભાજપે પોલીસ તપાસનો આગ્રહ રાખ્યો છે. રાજ્ય પોલીસને હજુ સુધી કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી, પરંતુ અધિકારીઓએ સંકેત આપ્યો છે કે વીડિયોની તપાસ કરી શકાય છે જો કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવશે.








