કોંગ્રેસના ઉમેદવારનું ધારાસભ્યપદ છિનવાયું, હાઈકોર્ટના આદેશ બાદ ભાજપને મળશે સીટ
મધ્યપ્રદેશ હાઈકોર્ટે શ્યોપુરની વિજયપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય

મધ્યપ્રદેશ હાઈકોર્ટે શ્યોપુરની વિજયપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય મુકેશ મલ્હોત્રાની ચૂંટણી રદબાતલ જાહેર કરી છે. ભાજપના નેતા અને ભૂતપૂર્વ મંત્રી રામ નિવાસ રાવત દ્વારા દાખલ કરાયેલી ચૂંટણી અરજી પર સુનાવણી કર્યા બાદ કોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. પૂર્વ મંત્રી રામ નિવાસ રાવતે પોતાની અરજીમાં મુકેશ મલ્હોત્રા પર તેમના ચૂંટણી સોગંદનામામાં ગુનાહિત રેકોર્ડ છુપાવવાનો આરોપ લગાવ્યો હતો.
અગાઉ ભાજપમાં હતા મુકેશ મલ્હોત્રા
નોંધનીય છે કે પૂર્વ રાજ્યમંત્રી અને આદિવાસી નેતા મુકેશ મલ્હોત્રા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. તેમણે મુરેના જિલ્લામાં પ્રિયંકા ગાંધીની ચૂંટણી રેલીમાં સભ્યપદ મેળવ્યું હતું. 2023ની વિધાનસભા ચૂંટણીમાં મુકેશ મલ્હોત્રાએ વિજયપુર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા 45,000 મત મેળવ્યા હતા. મુકેશ લાંબા સમયથી વિજયપુર વિધાનસભા મતવિસ્તારમાં સક્રિય છે. તેઓ અગાઉ ભાજપ સાથે હતા. તે સમયે સરકારે તેમને સહરિયા ઓથોરિટીના અધ્યક્ષ બનાવ્યા હતા.
ફોજદારી કેસોની માહિતી છુપાવવાનો આરોપ
વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવા પર તેમણે 2023ની ચૂંટણી પહેલા ભાજપ છોડી દીધી હતી. ચૂંટણી પરિણામો પછી રામ નિવાસ રાવતે હાઈકોર્ટની ગ્વાલિયર બેન્ચમાં અરજી દાખલ કરી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય મુકેશ મલ્હોત્રા પર ખોટા સોગંદનામા દાખલ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો. તેમના પર પેટાચૂંટણીના સોગંદનામામાં ફોજદારી કેસોની માહિતી છુપાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ભાજપના ઉમેદવારને મળશે ધારાસભ્યપદ
એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે મુકેશ મલ્હોત્રાએ પેટાચૂંટણી માટેના તેમના નામાંકનમાં તેમના છ ફોજદારી કેસમાંથી ફક્ત બે જ કેસ જાહેર કર્યા હતા. કોર્ટે તથ્યોને છુપાવવાની વાતને યોગ્ય માનતા પોતાનો નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટની ગ્વાલિયર બેન્ચના ન્યાયાધીશ જી.એસ. આહલુવાલિયાએ મુકેશ મલ્હોત્રાની ચૂંટણી રદબાતલ જાહેર કરી. આનાથી બીજા ક્રમે રહેલા ભાજપના ઉમેદવાર રામ નિવાસ રાવતને ધારાસભ્યને તાજ પહેરવાનો માર્ગ મોકળો થયો છે.
કોંગ્રેસે કહ્યુંઃ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે
રામ નિવાસ રાવત હવે વિજયપુર વિધાનસભા બેઠક પરથી નવા ધારાસભ્ય બનશે. ન્યાયાધીશ જી.એસ. અહલુવાલિયાની કોર્ટે જણાવ્યું હતું કે, માહિતી છુપાવવી એ ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન છે. કોંગ્રેસે કહ્યું કે, તેઓ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. કોંગ્રેસે કહ્યું કે, ફક્ત કેટલીક માહિતી ખોટી રીતે આપવામાં આવી હતી. આનો અર્થ એ નથી કે ચૂંટણીમાં ધાંધલી થઈ છે. અમને વિશ્વાસ છે કે મુકેશ મલ્હોત્રાને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળશે.








