'રિટાયર્ડ થયા પછી કોઈ પદ નહીં લઉં', CJIએ વતનમાં બતાવ્યો નિવૃત્તિનો પ્લાન
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈએ શુક્રવારે કહ્યું હતું કે તેઓ નિવૃત્તિ પછી કોઈ પણ પદ સ્વીકારશે નહીં. મહારાષ્

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈએ શુક્રવારે કહ્યું હતું કે તેઓ નિવૃત્તિ પછી કોઈ પણ પદ સ્વીકારશે નહીં. મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના તેમના વતન ગામ દારાપુરમાં આયોજિત સન્માન સમારોહમાં CJIએ કહ્યું કે, મેં નક્કી કર્યું છે કે હું નિવૃત્તિ પછી કોઈ પણ સરકારી પદ નહીં સ્વીકારું. નિવૃત્તિ પછી મને વધુ સમય મળશે એટલે હું દારાપુર, અમરાવતી અને નાગપુરમાં વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરીશ.
જણાવી દઈએ કે અગાઉ પણ જસ્ટિસ ગવઈએ નિવૃત્તિ પછી રાજકારણમાં પ્રવેશવાનો ઇનકાર કર્યો હતો. મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, "CJI પદ પર રહ્યા પછી કોઈ વ્યક્તિએ કોઈ જવાબદારી લેવી જોઈએ નહીં. નિવૃત્તિ પછી જો કોઈ ન્યાયાધીશ સરકારી પદ સ્વીકારે છે અથવા ચૂંટણી લડે છે, તો તે ખોટો મેસેજે જાય છે. લોકોને ન્યાયતંત્રમાંથી ભરોસો જતો રહેશે.
સોશિયલ મીડિયાના દુરુપયોગ મુદ્દે ચીફ જસ્ટિસે કહ્યું કે, હું સોશિયલ મીડિયાને ફોલો કરતો નથી, પરંતુ હું એમ પણ માનું છું કે ન્યાયાધીશો ઘરે બેસીને ચુકાદો આપી શકતા નથી. આપણે સામાન્ય માણસના પ્રશ્નો સમજવા પડશે. જસ્ટિસ ગવઈ આ વર્ષે નવેમ્બરમાં નિવૃત્ત થશે.
જણાવી દઈએ કે, જસ્ટીસ ગવઈ તેમના ગામમાં પહોંચતા લોકોએ સ્વાગત કર્યું હતું. તેમણે તેમના પિતા, કેરળ અને બિહારના ભૂતપૂર્વ રાજ્યપાલ આર.એસ. ગવઈના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમની પુણ્યતિથિ પર આયોજિત કાર્યક્રમમાં પરિવારના કેટલાક સભ્યો સાથે હાજરી આપી હતી. ગવઈએ દારાપુર જવાના માર્ગ પર બાંધવામાં આવનાર એક ભવ્ય ગેટનો શિલાન્યાસ પણ કર્યો. આ ગેટનું નામ આર.એસ. ગવઈના નામ પર રાખવામાં આવશે.
સાંજે અમરાવતી જિલ્લાના દરિયાપુર શહેરમાં કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. સીજેઆઈ ગવઈ શનિવારે અમરાવતી જિલ્લા અને સત્ર અદાલતમાં સ્વર્ગસ્થ ટીઆર ગિલ્ડા મેમોરિયલ ઇ-લાઇબ્રેરીનું પણ ઉદ્ઘાટન કરશે.








