Video: ભારત-પાકિસ્તાન બોર્ડર પર બીએસએફના જવાનોએ ઉત્સાહભેર ઉજવી દિવાળી!

ભારત-પાકિસ્તાન બોર્ડર પર બીએસએફના જવાનોએ ઉત્સાહભેર ઉજવી દિવાળી!
સરહદી ચોકીઓ પર રંગબેરંગી રંગોળી અને દીવાઓથી સજ્જ બોર્ડર આઉટપોસ્ટ!
પરિવારથી દૂર રહીને પણ દેશના રક્ષકોએ સરહદ પર ફેલાવ્યો ખુશીઓનો પ્રકાશ!
રાજસ્થાનના જેસલમેર ખાતે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરથી દેશભક્તિ અને ઉત્સવનો એક અદ્ભુત અને પ્રેરણાદાયી અહેવાલ સામે આવ્યો છે. દેશભરમાં જ્યારે દિવાળીના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે આપણા દેશની રક્ષા માટે કડકડતી સરહદો પર રાત-દિવસ ખડેપગે રહેતા બીએસએફના જવાનોએ પણ અનોખી રીતે દિવાળીની ઉજવણી કરી છે. સરહદની સુરક્ષા સંભાળતી મહિલા જવાનો દ્વારા બોર્ડર આઉટપોસ્ટ્સ પર સુંદર અને રંગબેરંગી રંગોળીઓ પૂરીને, દીવા પ્રજ્વલિત કરીને તથા આકર્ષક રોશનીથી શણગારવામાં આવી છે. ઘર અને પરિવારથી હજારો કિલોમીટર દૂર રેતીના ધોરા પર દેશના રક્ષણ માટે તૈનાત જવાનોએ સરહદ પર જ દીવા પ્રગટાવીને દિવાળીનો આનંદ માણ્યો હતો. મહિલા જવાનોએ ઉત્સાહપૂર્વક સરહદી ચોકીઓના પરિસરમાં આકર્ષક રંગોળીઓ બનાવી હતી, જેણે આ સરહદી વાતાવરણમાં પણ તહેવારની દિવ્ય રોનક લાવી દીધી હતી. જવાનોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી અને દેશની સુરક્ષા માટે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
દેશવાસીઓની સલામત દિવાળી માટે કડકડતી સરહદે જવાનો સતત ખડેપગે!
જવાનોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે દેશવાસીઓ પોતાના પરિવાર સાથે સુરક્ષિત રીતે અને આનંદપૂર્વક તહેવાર ઉજવી શકે તે માટે સરહદ પર પહેરો આપવો એ તેમની પહેલી પ્રાથમિકતા છે. પરિવારની યાદ જરૂર આવે છે, પરંતુ આ દેશ જ તેમનો પરિવાર છે અને સહકર્મીઓ સાથે મળીને ઉજવાતી આ દિવાળી તેમના માટે સૌથી મોટી ખુશી સમાન છે. તેમના ચહેરા પરનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ દેશના દરેક નાગરિકના ગર્વને બેવડો કરી દે તેવો હતો.આ ઉજવણી સાબિત કરે છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, ભારતીય સુરક્ષા દળોના જોશ અને ઉત્સાહમાં ક્યારેય ઓટ નથી આવતી. જેસલમેરની આ સરહદ પર પ્રજ્વલિત થયેલા દીવા માત્ર દીવા નથી, પરંતુ તે અખંડ ભારતીય સેનાના શૌચ, સમર્પણ અને દેશપ્રેમનું અમીટ પ્રતીક છે. આ દ્રશ્યો જોઈને દરેક દેશવાસીનું હૃદય ગર્વથી ફૂલી જાય છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી













