ધરપકડ નહીં, અટકાયતના સમયથી ગણાશે 24 કલાક: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે કે તેને અટકાયતમાં લેવામાં આવે, બંને સ્થિતિમાં 24 કલાકની સમયમર્યાદાની ગણતરી વાસ્તવિક અટકાયતના સમયથી જ શરૂ થશે. તપાસ એજન્સી દ્વારા કાગળ પર સત્તાવાર ધરપકડ નોંધવામાં આવે ત્યારથી આ સમયમર્યાદા ગણાશે નહીં. જો કોઈ વ્યક્તિને અટકાયતમાં લીધા બાદ 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં ન આવે તો તેની અટકાયત ગેરકાયદેસર ગણાઈ શકે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અટકાયત અને સત્તાવાર ધરપકડ વચ્ચે કૃત્રિમ તફાવત ઊભો કરીને નાગરિકના બંધારણીય અધિકારોને ટાળી શકાય નહીં. બંધારણની કલમ 22(2) હેઠળ મળેલા અધિકારો દરેક વ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણ માટે છે.
અટકાયત અને ધરપકડ વચ્ચે તફાવત માન્ય નહીં
સુપ્રીમ કોર્ટની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે તપાસના હેતુથી કોઈ વ્યક્તિની સ્વતંત્રતા પર નિયંત્રણ મૂકવામાં આવે, પરંતુ તેને સત્તાવાર રીતે ધરપકડ કરાયેલો ન દર્શાવવામાં આવે તેવી વ્યવસ્થા બંધારણીય રીતે અસ્વીકાર્ય છે. અદાલતે કહ્યું કે બંધારણ એવી કોઈ વ્યવસ્થાને માન્યતા આપતું નથી જેમાં વ્યક્તિને અટકાયતમાં રાખવામાં આવે, પરંતુ ધરપકડની કાનૂની જોગવાઈઓ લાગુ ન કરવામાં આવે. કોર્ટે કસ્ટોડિયલ ટોર્ચર (Custodial Torture) એટલે કે પોલીસ કસ્ટડીમાં થતી હિંસાને દેશની કમનસીબ વાસ્તવિકતા ગણાવી હતી. આવી ઘટનાઓ અટકાવવા અને નાગરિકોની વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરવા માટે બંધારણીય સુરક્ષાઓનું પાલન અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું.
ડ્રગ્સ કેસમાં ચુકાદો આપતાં સ્પષ્ટતા
આ ચુકાદો એક ડ્રગ્સ કેસની સુનાવણી દરમિયાન આપવામાં આવ્યો હતો. કેસમાં આરોપીઓને 29 સપ્ટેમ્બર, 2025ના રોજ બપોરે 2 વાગ્યે અટકાયતમાં લેવામાં આવ્યા હતા, પરંતુ સત્તાવાર ધરપકડ 30 સપ્ટેમ્બરે નોંધવામાં આવી હતી. તપાસ એજન્સીનું કહેવું હતું કે 24 કલાકની ગણતરી સત્તાવાર ધરપકડ નોંધાઈ ત્યારથી થવી જોઈએ. જોકે, આરોપીઓએ દલીલ કરી હતી કે તપાસ એજન્સીએ બંધારણીય સમયમર્યાદા ટાળવા માટે ધરપકડ મોડી દર્શાવી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આરોપીઓની ધરપકડ 29 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યાથી ગણાશે. તેથી તેમને 30 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યા પહેલાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા જરૂરી હતા. જોકે, તેમને સાંજે 4:45 વાગ્યે રજૂ કરવામાં આવ્યા હતા. આ રીતે 24 કલાકની સમયમર્યાદાનો ભંગ થયો હોવાનું ઠરાવી કોર્ટે આરોપીઓની ત્યારપછીની અટકાયતને ગેરકાયદેસર અને અસંવૈધાનિક ગણાવી હતી. આ ચુકાદાથી નાગરિકોની વ્યક્તિગત સ્વતંત્રતા અને ધરપકડ સંબંધિત બંધારણીય સુરક્ષાને વધુ સ્પષ્ટતા મળી છે.







