Video: મહાદેવ બેટિંગ એપ કેસ: માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રાકરને દિલ્હીથી રાયપુર લવાયો, ઓમાનથી કરાઈ હતી ધરપકડ; આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે

દેશભરમાં કરોડો રૂપિયાના ચકચારી મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકર સામે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગાળિયો વધુ મજબૂત કર્યો છે. સીબીઆઈની ટીમ આરોપી સૌરભ ચંદ્રાકરને દિલ્હીથી સુરક્ષિત રીતે છત્તીસગઢના રાયપુર ખાતે લઈ આવી છે.
ઓમાનથી પ્રત્યાર્પણ કરી ભારત લવાયો
અહેવાલો મુજબ, લાંબા સમયથી ફરાર ચાલી રહેલા સૌરભ ચંદ્રાકરની ઓમાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તપાસ એજન્સીઓ દ્વારા કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી તેને ભારત લાવવામાં આવ્યો હતો. દિલ્હી લાવ્યા બાદ તેને સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં અદાલતે તેને રાયપુર લઈ જવા માટે સીબીઆઈને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આવતીકાલે રાયપુર કોર્ટમાં થશે પેશી
દિલ્હી કોર્ટ તરફથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મળ્યા બાદ તપાસ એજન્સીની ટીમ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ચંદ્રાકરને રાયપુર લાવી પહોંચી છે. તેને આવતીકાલે સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. સીબીઆઈ કોર્ટ સમક્ષ વધુ પૂછપરછ અને કૌભાંડના નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ માટે કસ્ટડી રિમાન્ડની માંગણી કરી શકે છે.
મહાદેવ બેટિંગ એપ દ્વારા દેશભરમાં ગેરકાયદે સટ્ટાબાજીનું નેટવર્ક ચલાવીને અબજો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ છે. મુખ્ય સૂત્રધાર સૌરભ ચંદ્રાકરની કસ્ટડી મળવાથી આ રેકેટ સાથે સંકળાયેલા અનેક વગદાર લોકો અને હવાલા નેટવર્કના રહસ્યો પરથી પડદો ઊંચકાવાની શક્યતા છે.











