ટાઇગર કેસમાં પોલીસની મોટી કાર્યવાહી: સૂત્રધાર અનિલ પંડિતની ભાભી સુનેહાની ધરપકડ

ટાઇગર કેસમાં પોલીસની મોટી કાર્યવાહી: સૂત્રધાર અનિલ પંડિતની ભાભી સુનેહાની ધરપકડ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અભિનેતા ટાઈગર શ્રોફ સાથે થયેલી ફાયરિંગ કેસના સંદર્ભમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કથિત માસ્ટરમાઇન્ડ અનિલ પંડિતની ભાભી સુનેહા પંડિતની હરિયાણાના કરનાલથી ધરપકડ કરી છે. તેની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની કુલ સંખ્યા ૧૩  થઈ ગઈ છે. આ ગુનામાં ૨૭ ઓક્ટોબરના રોજ  મકોકા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે અનિલ પંડિતનો ભાઈ કથિત રીતે ઓપરેશન દરમિયાન ભાગી જવામાં સફળ રહ્યો હતો.

મુંબઈની એક વિશેષ કોર્ટે મંગળવારે  મહિલા આરોપીને  ૧૬ નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધી છે. પોલીસે જણાવ્યું હતું કે તેના બેંક ખાતાનો ઉપયોગ આ કેસમાં સહ-આરોપીઓને પૈસા પૂરા  પાડવા માટે કરવામાં આવ્યો હતો.

જાહેરાત

બાવીસ  વર્ષીય મહિલા આરોપીને કરનાલ પોલીસની મદદથી પકડી લેવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર  સુનેહા કથિત રીતે ધરપકડ કરાયેલા આરોપીઓને પૈસા ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાતી નાણાકીય ચેનલનો ભાગ હતી. તપાસકર્તાઓ હવે તેણે  ટ્રાન્સફર કરેલી રકમની તપાસ કરી રહ્યા છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુનેહાએ આરોપી અમર મુંડેલીયાના બેંક ખાતામાં અમુક રકમ  ટ્રાન્સફર કરી હતી.  ગોળીબારની ઘટના બાદ બિશ્નોઈ ગેંગે કથિત રીતે અનેક હાઈ-પ્રોફાઇલ વ્યક્તિઓને ધમકીઓ  આપી  છે. જેની પોલીસ તપાસ પણ કરી રહી છે.

ગોળીબારની ઘટનામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અગાઉ  હરિયાણાના સોનીપત જિલ્લાના ખારખૌડા તાલુકાના રોહાના ગામથી અમરને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તપાસમાં તેના બેંક ખાતામાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

તે આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક કુણાલનો મિત્ર હોવાનું કહેવાય છે. અમર આરોપી કુણાલના સંપર્કમાં હતો.

૧૮ ઓક્ટોબરના રોજ જુહુ વિસ્તારમાં ટાઈગર શ્રોફના વાહન પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોએ ગોળીબારની જવાબદારી સ્વીકારી  હતી.

 તપાસ મુજબ  સુનેહાએ હુમલામાં મદદ કરવા   માટે અનેક બેંક ખાતાઓ દ્વારા પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનો આરોપ છે. જેમાં આરોપી અમર મુંડેલિયાને ચૂકવણીનો પણ સમાવેશ થાય છે. ક્રાઈમ બ્રાન્ચ આ વ્યવહારોની તપાસ કરી રહી છે

અગાઉની તપાસમાં જાણવા મળ્યું હતું કે અનિલ પંડિતે પૈસા છુપાવવા માટે ૨૫થી ૩૦  બેંક ખાતાઓ અને બહુવિધ ડિજિટલ ચુકવણી ચેનલોનો ઉપયોગ કર્યો હતો. આરોપી અમર મુંડેલિયા પર ગોળીબારમાં કથિત રીતે વપરાયેલી મોટરસાઇકલ ખરીદવા માટે ૨૫ હજાર રૃપિયા ટ્રાન્સફર કરવાનો આરોપ છે.

ક્રાઈમ બ્રાન્ચે કોર્ટને જાણ કરી હતી કે આ કેસમાં સહ-આરોપીઓમાં પૈસા વહેંચવા માટે સુનેહા પંડિતના પતિ અભિષેક દ્વારા સંચાલિત વિદેશી ક્રિપ્ટોકરન્સી વોલેટમાંથી તેમના મોબાઇલ ફોન નંબર સાથે જોડાયેલા બેંક ખાતામાં ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.

સુનેહાની  પહેલી નવેમ્બરના રોજ હરિયાણામાં ધરપકડ કરવામાં આવી હતી. તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ લાવવામાં આવી હતી. બાદમાં તેને   સ્પેશિયલ  મકોકા જજ એસ. નવાંદર સમક્ષ હાજર કરવામાં આવી હતી.

 પોલીસે કોર્ટને માહિતી આપી હતી કે સુનેહાનો પતિ અભિષેક પંડિત વિદેશથી ક્રિપ્ટોકરન્સી વોલેટ ચલાવે છે અને ખંડણી દ્વારા એકત્રિત કરાયેલા પૈસા તેમાં મોકલવામાં આવી રહ્યા હતા.   ત્યારબાદ આ પૈસા સુનેહાના મોબાઇલ નંબર સાથે જોડાયેલા સ્થાનિક બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને પછી ધરપકડ કરાયેલા સહ-આરોપીઓને આપવામાં  આવ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત