મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

પ્રભાસની ‘ફૌઝી’ની રિલીઝ ડેટ જાહેર: 19 માર્ચ, 2027ના રોજ વિશ્વભરમાં થશે રિલીઝ

પ્રભાસની ‘ફૌઝી’ની રિલીઝ ડેટ જાહેર: 19 માર્ચ, 2027ના રોજ વિશ્વભરમાં થશે રિલીઝ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સાઉથના સુપરસ્ટાર પ્રભાસના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. દિગ્દર્શક હનુ રાઘવપુડીની ઐતિહાસિક એક્શન ફિલ્મ ‘ફૌઝી’ની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. ફિલ્મના નિર્માતાઓએ પ્રભાસના જન્મદિવસ નિમિત્તે ફિલ્મનું રોમાંચક ટીઝર રજૂ કરીને જાહેરાત કરી છે કે ‘ફૌઝી’ 19 માર્ચ, 2027ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. અગાઉ આ ફિલ્મ 3 ડિસેમ્બર, 2026ના રોજ રિલીઝ થવાની હતી.

ટીઝરમાં પ્રભાસના પાત્રનો થયો ખુલાસો

ફિલ્મના ટીઝરમાં પ્રભાસ એક ભારતીય જાસૂસ અને સૈનિક ‘ફૌઝી’ની ભૂમિકામાં જોવા મળે છે. વાર્તાની પૃષ્ઠભૂમિ બીજા વિશ્વયુદ્ધના સમયગાળાની છે. ટીઝરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલર વચ્ચે બર્લિનમાં થયેલી મુલાકાતનું નાટ્યાત્મક ચિત્રણ કરવામાં આવ્યું છે. ટીઝરમાં બોઝ બ્રિટિશ શાસન સામે ભારતની લડાઈમાં જર્મનીની મદદ માગતા જોવા મળે છે. જોકે, હિટલર ભારતની ગુલામી અને બ્રિટન સામેની લડાઈ જીતવાની શક્યતા અંગે અપમાનજનક ટિપ્પણી કરે છે. તેના જવાબમાં બોઝ ભારતની ક્ષમતા અને ભારતીયોની બુદ્ધિનો ઉલ્લેખ કરીને સ્પષ્ટ કરે છે કે તેઓ જર્મનીની મદદ મળે કે ન મળે, ભારતને આઝાદ કરાવશે.

ભગવદ્ ગીતાથી પ્રેરિત કોડ અને ભારતીય જાસૂસની વાર્તા

ટીઝરમાં બોઝ પ્રભાસના પાત્ર ‘ફૌઝી’નો ઉલ્લેખ એક કુશળ સૈનિક, વ્યૂહરચનાકાર અને જાસૂસ તરીકે કરે છે. વાર્તા અનુસાર, ફૌઝીની ગુપ્ત કામગીરીને કારણે બ્રિટન પાસેથી સિંગાપોર મેળવવામાં જાપાનને મદદ મળી હતી. ફિલ્મમાં ફૌઝીએ ભગવદ્ ગીતાથી પ્રેરિત એક અત્યંત જટિલ ગુપ્ત કોડ તૈયાર કર્યો હોવાનો પણ ઉલ્લેખ છે. ટીઝરમાં આ કોડને જર્મનીના પ્રખ્યાત ‘એનિગ્મા’ કોડ કરતાં પણ વધુ મુશ્કેલ ગણાવવામાં આવ્યો છે. ફૌઝીની સાચી ઓળખ ગુપ્ત રહે છે અને બ્રિટિશરો તેને આ નામથી ઓળખે છે, એવો વાર્તાનો સંકેત આપવામાં આવ્યો છે.

‘ફૌઝી’ પૌરાણિક નહીં, દેશભક્તિ આધારિત ઐતિહાસિક ડ્રામા

દિગ્દર્શક હનુ રાઘવપુડીએ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે ફિલ્મમાં સંસ્કૃતના શ્લોકોનો ઉપયોગ વાર્તાને ગંભીરતા અને દાર્શનિક આધાર આપવા માટે કરવામાં આવ્યો છે. જોકે, ‘ફૌઝી’ પૌરાણિક ફિલ્મ નથી. ભગવદ્ ગીતામાંથી દાર્શનિક પ્રેરણા લઈને બ્રિટિશ શાસનના સમયગાળાની માનવીય લાગણીઓ, રાજકીય સંઘર્ષ અને દેશભક્તિને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ‘સીતા રામમ’ જેવી ફિલ્મ માટે જાણીતા હનુ રાઘવપુડી આ ફિલ્મને ભવ્ય દૃશ્યો અને લાગણીસભર વાર્તા સાથે તૈયાર કરી રહ્યા છે. ‘બાહુબલી’ બાદ પ્રભાસ ફરી એક મોટા પાયાના ઐતિહાસિક ડ્રામામાં જોવા મળશે.

ઇમાનવી સહિત દિગ્ગજ કલાકારોની ફોજ

ફિલ્મમાં પ્રભાસની સાથે ઇમાનવી મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે. ઉપરાંત અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, ભાનુ ચંદર અને જયાપ્રદા પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યાં છે. ફિલ્મનું સંગીત વિશાલ ચંદ્રશેખરે આપ્યું છે, જેમણે અગાઉ હનુ રાઘવપુડીની ફિલ્મ ‘સીતા રામમ’માં પણ સંગીત આપ્યું હતું. સિનેમેટોગ્રાફીની જવાબદારી સુદીપ ચેટર્જીએ સંભાળી છે, જ્યારે ગીતોના શબ્દો કૃષ્ણકાંતે લખ્યા છે. ‘ફૌઝી’ની જાહેરાત થઈ ત્યારથી જ પ્રભાસના ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા છે. હવે ટીઝરમાં રજૂ થયેલી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને જાસૂસીની વાર્તાએ ફિલ્મ પ્રત્યેની અપેક્ષાઓ વધુ વધારી છે.

આ સમાચાર શેર કરો