મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ પણ નથી ભારતીય નાગરિક! જાણો ઇમરાન ખાન વિવાદ પાછળનું OCI કાર્ડ કાયદો

આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ પણ નથી ભારતીય નાગરિક! જાણો ઇમરાન ખાન વિવાદ પાછળનું OCI કાર્ડ કાયદો

આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ પણ નથી ભારતીય નાગરિક! જાણો ઇમરાન ખાન વિવાદ પાછળનું OCI કાર્ડ કાયદો
આ સમાચાર સાંભળો

મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં થયેલા એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવું આમિર ખાનના ભત્રીજા અને બોલિવૂડ એક્ટર ઇમરાન ખાનને ભારે પડી ગયું છે. મુંબઈ પોલીસ અને ઇમિગ્રેશન સત્તાવાળાઓ દ્વારા તેમને 28 ઓક્ટોબર 2026 સુધીમાં 'ભારત છોડો' નોટિસ ફટકારવામાં આવી છે. ઇમરાન ખાન વાસ્તવમાં અમેરિકન નાગરિક છે અને OCI (ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા) કાર્ડ પર ભારતમાં રહે છે. આ કડક કાર્યવાહી બાદ વિદેશી નાગરિકો અને OCI કાર્ડધારકોના કાનૂની અધિકારો, પોલીસની સત્તા અને વિદેશી કાયદાઓ વિશે દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ સમગ્ર વિવાદ અને તેની કાયદાકીય ગૂંચવણોને સમજીએ.

શું છે સમગ્ર મામલો?

10 ઓક્ટોબર 2026 ના રોજ, ઇમરાન ખાને મુંબઈમાં ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ પ્રદર્શન દરમિયાન પોલીસે તેમની સાથે તેમની ગર્લફ્રેન્ડ લેખા વોશિંગ્ટન, માતા નુઝહત અને ભત્રીજી ઝૈન મારી સહીત અન્ય લોકોની અટકાયત કરી હતી.

આ ઘટના બાદ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી અને ઇમરાન ખાનના ભાષણોના પુરાવા રજૂ કરીને તેમને તાત્કાલિક દેશનિકાલ કરવાની માંગ કરી હતી. ઇમરાન ખાન અમેરિકન પાસપોર્ટ ધરાવતા હોવાથી, મુંબઈ પોલીસે (FRRO મારફતે) ઇમિગ્રેશન એક્ટની કલમ 7 અને 29 હેઠળ તેમના કાર્યોને ગેરકાયદે ગણીને આ નોટિસ જાહેર કરી છે.

કોઈ વિદેશીને દેશ છોડવાનો આદેશ આપવાની સત્તા પોલીસ પાસે હોય છે?

સામાન્ય રીતે કોઈ વિદેશીને દેશની બહાર મોકલવાની સત્તા કેન્દ્ર સરકાર (ગૃહ મંત્રાલય) પાસે હોય છે. પરંતુ 'ફોરેનર્સ એક્ટ, 1946' હેઠળ વહીવટી સરળતા માટે આ સત્તા રાજ્ય સરકારો અને પોલીસના FRRO (ફોરેનર્સ રીજીયોનલ રજીસ્ટ્રેશન ઓફિસ) વિભાગને પણ આપવામાં આવી છે.

જો કોઈ વિદેશી નાગરિક ભારતના સાર્વભૌમત્વ, કાયદો અને વ્યવસ્થા અથવા દેશના હિત વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જણાય, તો સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર તેમને 'ભારત છોડો' નોટિસ આપી શકે છે. જોકે, નોટિસ મેળવનાર વ્યક્તિને હાઇકોર્ટમાં આ આદેશને પડકારવાનો અને યોગ્ય પ્રક્રિયાનું પાલન થયું છે કે નહીં તે ચકાસવાનો કાયદાકીય અધિકાર છે.

OCI કાર્ડ શું છે? તેના નિયમો શું છે?

OCI (ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા) સ્કીમ એવા લોકો માટે છે જેઓ મૂળ ભારતીય છે પરંતુ બીજા દેશની નાગરિકતા ધરાવે છે.

ફાયદા: OCI કાર્ડધારકો ભારતમાં આજીવન અનિશ્ચિત સમય માટે રહી શકે છે. તેમને ખેતીની જમીન સિવાયની સ્થાવર મિલકત ખરીદવાની અને બિઝનેસ કરવાની છૂટ છે. તેમને સામાન્ય વિદેશીઓની જેમ વારંવાર વિઝા લેવાની કે પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની જરૂર રહેતી નથી.

પ્રતિબંધો: આ કાર્ડના નામમાં 'સિટીઝન' (નાગરિક) શબ્દ હોવા છતાં તેઓ ભારતના નાગરિક નથી. તેમને ભારતીય નાગરિકો જેવા રાજકીય અધિકારો મળતા નથી. તેઓ ભારતમાં મતદાન કરી શકતા નથી કે ચૂંટણી લડી શકતા નથી.
તેઓ વિદેશી નાગરિક હોવાથી તેમને સ્થાનિક રાજકારણ, સંવેદનશીલ રેલીઓ કે વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવાની મનાઈ છે. જો કોઈ OCI કાર્ડધારક આવી પ્રવૃત્તિ કરે તો નાગરિકતા કાયદાની કલમ 7D હેઠળ સરકાર તેમનું કાર્ડ અને નોંધણી રદ કરી શકે છે.

ઇમરાન ખાન પાસે હવે કયા વિકલ્પો છે?

આ કાનૂની ગૂંચવણમાંથી બહાર આવવા માટે ઇમરાન ખાન અને તેમના વકીલો પાસે નીચે મુજબના વિકલ્પો છે.

તેઓ બોમ્બે હાઇકોર્ટમાં આ નોટિસને પડકારી શકે છે. તેઓ કોર્ટમાં દલીલ કરી શકે છે કે મુંબઈના રહેવાસી તરીકે તેઓ માત્ર પોતાનો અવાજ ઉઠાવી રહ્યા હતા અને તેમના કાર્યોથી રાષ્ટ્રીય સુરક્ષાને કોઈ ખતરો નથી.
જો સરકાર તેમનું OCI કાર્ડ રદ કરવાની કાર્યવાહી શરૂ કરે, તો નાગરિકતા કાયદા હેઠળ તેમને પોતાનો પક્ષ રજૂ કરવા માટે 'કારણદર્શક નોટિસ' (Show Cause Notice) નો જવાબ આપવાની તક મળશે.
તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) ના નાગરિક હોવાથી યુએસ એમ્બેસી દ્વારા રાજદ્વારી મદદ (કોન્સ્યુલર એક્સેસ) પણ માંગી શકે છે.

ભારતીય નાગરિકતા ન ધરાવતા અન્ય બોલિવૂડ સ્ટાર્સ કયા?

ફક્ત ઇમરાન ખાન જ નહીં, બોલિવૂડની અન્ય ઘણી મોટી હસ્તીઓ પણ વિદેશી નાગરિકતા ધરાવે છે અને ભારતમાં સફળતાપૂર્વક કામ કરી રહી છે.

આલિયા ભટ્ટ: બોલિવૂડની ટોચની અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી આલિયા ભટ્ટ પાસે ભારતીય નાગરિકતા નથી. તેની માતા સોની રાઝદાન બ્રિટિશ મૂળની હોવાથી આલિયા બ્રિટિશ પાસપોર્ટ ધરાવે છે.
કેટરિના કૈફ: હોંગકોંગમાં જન્મેલી કેટરિના કૈફ પણ બ્રિટિશ નાગરિકતા ધરાવે છે.
નોરા ફતેહી: કેનેડાના ટોરોન્ટોમાં જન્મેલી અને કેનેડિયન-મોરોક્કન મૂળની નોરા ફતેહી કેનેડિયન પાસપોર્ટ ધરાવે છે.
નરગીસ ફખરી: અમેરિકામાં જન્મેલી અને ઉછરેલી નરગીસ ફખરી પાસે અમેરિકન નાગરિકતા છે અને તે પણ ભારતીય નાગરિક નથી.

અક્ષય કુમાર ભારતીય નાગરિક છે?

અક્ષય કુમાર પાસે ઘણા વર્ષો સુધી કેનેડિયન નાગરિકતા હતી. તેથી તેમની ટીકાઓ પણ થતી હતી. ઘણા તો હજુ પણ માને છે કે તેઓ કેનેડાના નાગરિક છે. હકીકત એ છે કે, 1990ના દાયકામાં જ્યારે એમની ફિલ્મો સતત ફ્લોપ થઈ રહી હતી ત્યારે તેમણે ભારત છોડીને કેનેડા સ્થાયી થઈ જવાનું વિચાર્યું હતું, અને એ માટે કેનેડાની નાગરિકતા લીધી હતી. જોકે, તેમણે 2019માં ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી અને 2023માં તેમને સત્તાવાર રીતે ભારતીય પાસપોર્ટ મળી ગયો છે. તેથી હવે તેઓ ભારતીય નાગરિક છે.

આ સમાચાર શેર કરો