આલિયા ભટ્ટની નવી ફિલ્મ સામે વિવાદ, પ્રોડ્યુસર તરીકે ચીલાચાલુ ફિલ્મ બનાવતા દર્શકો ભડક્યા

આલિયા ભટ્ટ અને શાહિન ભટ્ટની ઈટરનલ સનશાઈન પ્રોડક્શન્સએ નવી, કન્ટેન્ટ આધારીત વાર્તાની અપેક્ષા જગાવી હતી, પણ 'ડોન્ટ બી શાઈ'ના ટ્રેલરની તેના ચીલાચાલુ અને ચવાઈ ગયેલા થીમને કારણે ટીકા થઈ રહી છે. અનેક ફિલ્મો, ખાસ કરીને હોલીવૂડ ફિલ્મ 'હેવ આઈ એવર'માંથી ઉઠાંતરી કરેલા કોલેજ રોમાન્સને નવા ટીન ડ્રામા તરીકે રજૂ કરાયો હોવાની ટીકા થઈ રહી છે.
ટ્રેલરમાં એક વિચિત્ર અને ઓછા આત્મવિશ્વાસવાળા ટીનેજરની વાત છે જે એક મોટી શહેરી કોલેજ, મિત્રતા અને એક સીક્રેટ ક્રશ તેમજ પોતાની ઓળખ સાથે સંકળાયેલા સવાલો વચ્ચે પોતાનો માર્ગ બનાવી રહ્યો છે. આલોચકોના મતે તેમાં બળજબરીપૂર્વક જેન-ઝીની ભાષા, અતિરેકપૂર્વક દર્શાવાયેલા પારિવારીક સંબંધો, ગેરસમજણો તેમજ યુવા સંસ્કૃતિની ચકાચૌંધભરી તસવીર વાર્તાને સાહજિકની બદલે કૃત્રિમ બનાવે છે.
સૌથી મોટી આલોચના ટ્રેલરની ધીમી, સુસ્ત એડિટિંગ તેમજ રસહીન સંવાદો બાબતે થઈ રહી છે, જે કથિત રીતે એક યુવા કેન્દ્રિત કોમેડી ડ્રામા પાસેથી રાખવામાં આવતી અપેક્ષાને ખતમ કરે છે.
જો કે નવા કલાકારોની ટીમ ઉત્સાહ તો દેખાડે છે, પણ ટ્રેલર હજી સુધી દર્શકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યું છે. ફિલ્મ પોતાની મજબૂત ભાવનાત્મક કહાની દ્વારા દર્શકોને કદાચ ચોંકાવી શકે, પણ હાલ તો લોકોની આશા ઠગારી સાબિત થઈ છે.

