ઓસ્કારના મંચ પર ભારતનો ડંકો: 33 ફિલ્મોને માત આપી મરાઠી ફિલ્મની ઓફિશિયલ એન્ટ્રી

મુંબઈમાં થયેલી સત્તાવાર જાહેરાત અનુસાર 99મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર) માટે ભારત તરફથી મરાઠી ફિલ્મ 'ગોંધળ'ને ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયા(FFI)ની જ્યુરી દ્વારા દેશભરની 33 ફિલ્મોની સ્પર્ધામાંથી ડિરેક્ટર સંતોષ દવખરની આ ફિલ્મને સર્વાનુમતે પસંદ કરવામાં આવી છે.
33 ફિલ્મો વચ્ચે 'ગોંધળ'ની પસંદગી
આ વર્ષે ઓસ્કારની રેસમાં દેશભરમાંથી આવેલી 33 પ્રમુખ ફિલ્મો સામેલ હતી, જેમાં 'બોર્ડર 2', 'ધુરંધર', 'ઇક્કીસ' અને 'અંગ' જેવી દાવેદાર ફિલ્મોનો સમાવેશ થતો હતો. ફિલ્મમેકર શેષાદ્રીની આગેવાની હેઠળની 14 સભ્યોની પસંદગી સમિતિએ તમામ પાસાઓની ચકાસણી બાદ ભારતીય સંસ્કૃતિ, સંગીત અને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીને ધ્યાને રાખીને 'ગોંધળ' પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
શું છે ફિલ્મની વાર્તા?
આ ફિલ્મ મહારાષ્ટ્રની પરંપરાગત લોક વિધિ 'ગોંધળ' પર આધારિત છે, જે આખી રાત ચાલતી સંગીત, નૃત્ય અને પૌરાણિક વાર્તાઓ સાથે જોડાયેલી રસ્મ છે. એક લગ્નના ઉત્સવથી શરૂ થતી આ વાર્તા ધીમે-ધીમે ઈર્ષ્યા, વાસના, વિશ્વાસઘાત અને ગામડાના દબાયેલા આંતરિક સંઘર્ષના ગંભીર વળાંકો લે છે. ફિલ્મનું પ્રીમિયર ગોવા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું, જ્યાં તેણે સ્પેશિયલ જ્યુરી રિકગ્નિશન માટે સિલ્વર પીકોક ઍવૉર્ડ મેળવ્યો હતો.
ઓસ્કારમાં જનારી ચોથી મરાઠી ફિલ્મ
આ સાથે જ 'ગોંધળ' ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી બનનારી ચોથી મરાઠી ફિલ્મ બની ગઈ છે. આ પહેલાં વર્ષ 2005માં 'શ્વાસ', વર્ષ 2009માં 'હરિશ્ચંદ્રાચી ફેક્ટરી' અને વર્ષ 2015માં 'કોર્ટ' ફિલ્મને મોકલવામાં આવી હતી.
આગળની પસંદગી પ્રક્રિયા અને ઍવૉર્ડ સેરેમની
ભારત તરફથી એન્ટ્રી મળ્યા પછી હવે એકેડેમી દ્વારા ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે વોટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમાં સૌથી પહેલાં વિશ્વભરમાંથી 15 ફિલ્મોની શોર્ટલિસ્ટ જાહેર થશે, જેમાંથી અંતિમ 5 નોમિનેશન નક્કી કરવામાં આવશે. 99મા એકેડેમી ઍવૉર્ડ્સ સમારોહનું આયોજન 14 માર્ચ 2027ના રોજ થવાનું છે.

