"ઈરાન યુદ્ધ કોઈના હિતમાં નથી!" પશ્ચિમ એશિયામાં શાંતિ માટે બ્રિક્સ મંચ પરથી શી જિનપિંગનો મોટો હુંકાર

વી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત 18મી BRICS શિખર પરિષદના બીજા દિવસે વૈશ્વિક નેતાઓનો જમાવડો શરૂ થઈ ચૂક્યો છે. શનિવાર, 12 સપ્ટેમ્બરના રોજ બપોરે 2 વાગ્યાથી સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળો ભારત મંડપમ ખાતે પહોંચવા લાગ્યા હતા. સમિટના આજના કાર્યક્રમમાં સમાવેશી વૈશ્વિક શાસન અને બહુપક્ષીયતાને મજબૂત કરવા અંગે એક મહત્વપૂર્ણ ક્લોઝ્ડ-ડોર સત્ર યોજાયો છે.
જિનપિંગે સંબોધનમાં કહ્યું કે, આજના આ સંકટના સમયમાં BRICS દેશોએ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જાળવવા માટે અગ્રણી ભૂમિકા ભજવવી જ પડશે. આપણે સૌએ કોઈપણ પ્રકારના દબાણ વગર, દ્રઢતાપૂર્વક 'ઇતિહાસના સાચા પક્ષે' ઊભા રહેવાનું છે.
પશ્ચિમ એશિયામાં શાંતિ લાવવા પ્રયાસ કરવા જોઈએ: શી જિનપિંગ
શી જિનપિંગે કહ્યું કે, હું અને મારો દેશ BRICS સભ્ય દેશો સાથે ખભેથી ખભો મિલાવીને પશ્ચિમ એશિયા અને ગલ્ફ રિજનમાં ફરી શાંતિ અને સ્થિરતા સ્થાપવા માટે અમારી યોગ્ય ભૂમિકા ભજવવા સંપૂર્ણપણે તૈયાર છીએ.
ઈરાન યુદ્ધ કોઈના પણ હિતમાં નથી: શી જિનપિંગ
ચીની સરકારી મીડિયા અને પ્રસારણકર્તા CCTV અનુસાર, ચીનના પ્રમુખ શી જિનપિંગે સભ્ય દેશોને સંબોધતા સીધું કહ્યું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધે સમગ્ર પ્રદેશના નિર્દોષ લોકોને અત્યંત ગંભીર અને અસહ્ય નુકસાન પહોંચાડ્યું છે. આ લોહીયાળ સંઘર્ષ આંતરરાષ્ટ્રીય સમુદાયના સામાન્ય હિતોની વિરુદ્ધ છે અને તે કોઈનું પણ ભલું કરી શકે તેમ નથી.
2027માં ચીન બનશે બ્રિક્સનું અધ્યક્ષ: શી જિનપિંગ
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલી 18મી BRICS શિખર પરિષદ દરમિયાન ચીનના પ્રમુખ શી જિનપિંગે વૈશ્વિક સુરક્ષા અને પશ્ચિમ એશિયાના સંઘર્ષો અંગે અત્યંત મહત્વપૂર્ણ સંબોધન કર્યું છે. જિનપિંગે BRICS દેશોને વૈશ્વિક શાંતિ અને સ્થિરતા જાળવવામાં અગ્રેસર ભૂમિકા ભજવવા આહ્વાન કર્યું હતું. શી જિનપિંગે કહ્યું કે, આ સંઘર્ષ પ્રાદેશિક લોકો માટે મોટું નુકસાન લાવી રહ્યો છે અને તે આંતરરાષ્ટ્રીય સમુદાયના હિતમાં બિલકુલ નથી. વર્ષ 2027 માં ચીન BRICSનું અધ્યક્ષપદ સંભાળશે અને BRICS સમિટનું આયોજન કરશે.
આ સત્ર ઉપરાંત તમામ નેતાઓ 'ભારત ઇનોવેટ્સ એક્ઝિબિશન'ની મુલાકાત લેશે, સંયુક્ત ફેમિલી ફોટો સેશનમાં ભાગ લેશે અને પર્યાવરણીય એકતાના પ્રતીકરૂપે વૃક્ષારોપણ કરશે. દિવસના અંતે સાંજે 7:30 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તમામ વૈશ્વિક નેતાઓ માટે ભવ્ય ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે.

