ગુપ્ત એપ, પૈસાની વ્યવસ્થા અને બીજી પિસ્તોલ! ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં એન્જિનિયરની ધરપકડ

બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ (Tiger Shroff) પર થયેલા ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મહત્ત્વની કડી મળી છે. આ કેસમાં 22 વર્ષના એન્જિનિયર પ્રાંજલ થકરાલની મધ્ય પ્રદેશના ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાંજલ પર મુખ્ય આરોપી અનિલ પંડિતના કહેવાથી હુમલાનું આયોજન કરવામાં અને શૂટરોને મદદ કરવાનો આરોપ છે. આ સાથે કેસમાં અત્યાર સુધીમાં 11 લોકોની અટકાયત થઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
માર્ચમાં જામીન પર છૂટ્યો હતો પ્રાંજલ
પ્રાંજલ થકરાલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવે છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે અગાઉ હરિયાણાના પાણીપતમાં એક વેપારી પર હુમલો કરવાના કેસમાં જેલમાં હતો અને માર્ચ મહિનામાં જામીન પર બહાર આવ્યો હતો. આ હુમલો પણ અનિલ પંડિતના કહેવાથી કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.
તપાસમાં પોલીસનો દાવો છે કે જેલમાંથી છૂટ્યા બાદ પ્રાંજલ ફરી અનિલ પંડિતના સંપર્કમાં આવ્યો હતો. ટાઇગર શ્રોફ પર હુમલાના કાવતરામાં તેની ભૂમિકા હોવાની આશંકા છે. તેના પર શૂટરો માટે નાણાં અને અન્ય વ્યવસ્થાઓ કરવામાં તેમજ એક શૂટરને બીજી પિસ્તોલ પૂરી પાડવાનો આરોપ છે.
ગુપ્ત એપથી થતો હતો સંપર્ક
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાંજલ અને અનિલ પંડિત પોલીસથી બચવા માટે ગુપ્ત મેસેજિંગ એપ્લિકેશન (Secret Messaging App) દ્વારા સંપર્કમાં રહેતા હતા. પ્રાંજલના મોબાઇલમાંથી મળેલી ચેટ્સ અને નાણાકીય વ્યવહારોની તપાસ કરીને પોલીસ મુખ્ય આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. અનિલ પંડિત વિદેશમાં છુપાયો હોવાની આશંકા છે.
ફૂટબોલ રમીને પરત ફરતા ટાઇગરની કાર પર ફાયરિંગ
આ ઘટના 18 ઓક્ટોબરની સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં બની હતી. ટાઇગર શ્રોફ ફૂટબોલ રમીને બહાર નીકળતા હતા ત્યારે તેમની કાર પર ઓછામાં ઓછા બે શખ્સોએ ગોળીબાર કર્યો હતો. હુમલાખોરો બાઇક છોડીને સુરત પહોંચ્યા અને ત્યારબાદ ટ્રેનમાં સવાર થયા હતા. ત્રણ શંકાસ્પદ આરોપીઓની રાજસ્થાનના કોટામાંથી ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાંજલને કિલ્લા કોર્ટમાં રજૂ કર્યા બાદ 31 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હવે પોલીસ તેની પૂછપરછ દ્વારા હુમલાના સમગ્ર નેટવર્કની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.









