વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો ભક્તિમય અંદાજ, કીર્તનમાં તાળી વગાડીને ગાયાં ભજન

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા રવિવારે મુંબઈમાં અમેરિકન ગાયક અને સંગીતકાર કૃષ્ણા દાસના કીર્તનમાં સામેલ થયાં હતાં. આ દરમિયાન બંને ભક્તિમય સંગીતમાં લીન જોવા મળ્યાં હતાં. કપલની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને બંનેનાં વખાણ પણ કરી રહ્યા છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો ભક્તિમય અંદાજ
કીર્તન સ્થળેથી બંનેના અનેક વીડિયો સામે આવ્યા છે, જેમાં અનુષ્કા અને વિરાટ એકબીજાની નજીક બેઠેલાં જોવા મળી રહ્યાં છે. અનુષ્કા લાલ રંગના સૂટમાં પરંપરાગત અંદાજમાં જોવા મળી હતી. જ્યારે વિરાટ ટી-શર્ટ અને પેન્ટમાં જોવા મળ્યો હતો.
વીડિયોમાં જોઈ શકાય છે કે બંને ખૂબ જ ધ્યાનપૂર્વક કૃષ્ણા દાસનું કીર્તન સાંભળી રહ્યાં છે. એટલું જ નહીં, અનુષ્કા શર્મા તાળી પાડીને ભજનો પણ ગાતી જોવા મળી હતી. બીજી તરફ, વિરાટ કોહલી થોડા સમય માટે કેમેરા તરફ જુએ છે અને ત્યારબાદ કીર્તનમાં ધ્યાન પરોવીને ભજન ગાવા લાગે છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા અન્ય એક વીડિયોમાં વિરાટ અને અનુષ્કા કીર્તનમાં સામેલ થતાં પહેલાં મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયા પહોંચતાં પણ જોવા મળ્યાં હતાં.
અગાઉ પણ કીર્તનમાં હાજરી આપી ચૂક્યાં છે
જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહેલીવાર કૃષ્ણા દાસના કીર્તનમાં સામેલ થયાં નથી. જુલાઈ 2026માં બંને લંડનના યુનિયન ચેપલમાં આયોજિત એક કાર્યક્રમમાં પણ પહોંચ્યાં હતાં. આ પહેલાં પણ આ કપલ ભારત અને વિદેશમાં અનેક આધ્યાત્મિક કાર્યક્રમોમાં સામેલ થઈ ચૂક્યું છે.
વિરાટ અને અનુષ્કાને નીમ કરોલી બાબામાં ઊંડી શ્રદ્ધા છે. બંને વૃંદાવનમાં આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજને મળવા માટે પણ અવારનવાર જાય છે.
કોણ છે કૃષ્ણા દાસ?
કૃષ્ણા દાસ અમેરિકન ભક્તિ ગાયક અને સંગીતકાર છે. તેઓ વર્ષ 1970માં ભારત આવ્યા હતા. અહીં આવ્યા બાદ તેઓ નીમ કરોલી બાબાના નિકટના શિષ્ય અને ભક્ત બની ગયા હતા. તેમણે ભારતમાં ઘણાં વર્ષો વિતાવ્યાં હતાં. આ દરમિયાન તેઓ ઉત્તરાખંડનાં પહાડોમાં આવેલા કૈંચી ધામ સહિત નીમ કરોલી બાબાના અનેક આશ્રમોમાં રહ્યા હતા.








