ODI વર્લ્ડ કપ 2027માં રમશે રોહિત-વિરાટ? BCCI પ્રમુખે પસંદગી અંગે કર્યો મોટો ખુલાસો

ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી આગામી ICC ODI વર્લ્ડ કપ 2027માં રમશે કે નહીં તે અંગે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ પર હવે BCCI પ્રેસિડેન્ટ મિથુન મન્હાસે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
ઉંમર કોઈ મોટો વિષય નથી : BCCI પ્રેસિડેન્ટ
મિથુન મન્હાસે સ્પષ્ટ કહ્યું છે કે, "2027ના વર્લ્ડ કપમાં પસંદગી માટે ઉંમર કોઈ મોટો વિષય નથી, પરંતુ આ બંને ખેલાડીઓનું ભવિષ્ય માત્ર 2 બાબતો પર નિર્ભર કરશે." અગાઉ ચીફ સિલેક્ટર અજીત અગરકરની આગેવાનીવાળી કમિટી રોહિતની જગ્યાએ યશસ્વી જયસ્વાલને લાવવાની યોજના બનાવી રહી હોવાની ચર્ચાઓ હતી, પરંતુ ઈંગ્લેન્ડ પ્રવાસમાં શાનદાર પ્રદર્શન બાદ પૂર્વ કેપ્ટન રોહિતે પોતાનું સ્થાન મજબૂત રાખ્યું છે.
ફિટનેસ અને ફોર્મ જ મુખ્ય શરતો
BCCI અધ્યક્ષે સંકેત આપ્યો છે કે, સિનિયર બેટ્સમેનોની વર્લ્ડ કપમાં પસંદગી તેમના સતત સારા પ્રદર્શન પર નિર્ભર કરશે. આગામી ODI વર્લ્ડ કપ 2027 ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં રમાવાનો છે. ન્યુઝીલેન્ડ સામેના મહત્ત્વપૂર્ણ પ્રવાસ પહેલાં તેમણે જણાવ્યું કે, "પસંદગી માટે ઉંમર નહીં પરંતુ ખેલાડીની ફિટનેસ અને તેનું પ્રદર્શન જ એકમાત્ર માપદંડ હોવું જોઈએ. જો કોઈ ખેલાડી સંપૂર્ણ રીતે ફિટ હોય, સારું પ્રદર્શન કરતો હોય અને દેશને મેચ જીતાડતો હોય, તો તેનાથી મોટો કોઈ માપદંડ હોઈ શકે નહીં."
શુભમન ગિલને સિનિયર ખેલાડીઓના અનુભવનો સાથ
રોહિત શર્મા અને વિરાટ કોહલી T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે અને હાલ માત્ર ODI ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. વર્ષ 2023ના વર્લ્ડ કપમાં રોહિતની કેપ્ટનશીપ હેઠળ ભારતે ફાઈનલ સુધીની સફર ખેડી હતી. બોર્ડ અધ્યક્ષના મતે, શુભમન ગિલ ભારત અને IPLમાં ગુજરાત ટાઈટન્સ માટે કેપ્ટનશિપ કરી ચૂક્યો હોવાથી તેની પાસે સારો અનુભવ છે. જ્યારે ગિલ ટીમની આગેવાની કરશે ત્યારે મેદાન પર વિરાટ, રોહિત અને હાર્દિક જેવા અનુભવી ખેલાડીઓની હાજરી તેને ઘણી મદદરૂપ સાબિત થશે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ વાઈસ-કેપ્ટનશિપ અને બોલિંગ યુનિટની જવાબદારી સંભાળીને કેપ્ટનનો વર્કલોડ હળવો કરી શકે છે.
ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ
T20 સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે 5 ODI અને 2 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. ટેસ્ટ ટીમની કમાન શુભમન ગિલના હાથમાં સોંપવામાં આવી છે. શરૂઆતની 3 ODI મેચો માટે શુભમન ગિલ કેપ્ટન રહેશે અને શ્રેયસ અય્યર વાઈસ કેપ્ટનની ભૂમિકા ભજવશે. આ ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેનો સમાવેશ કરાયો છે. સિરીઝની છેલ્લી 2 ODI મેચો માટે શ્રેયસ અય્યર કેપ્ટન રહેશે અને ઈશાન કિશન વાઈસ કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે.
ટેસ્ટ સ્ક્વોડ: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અંશુલ કંબોજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, સાઈ સુદર્શન, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.
પ્રથમ 3 ODI માટે સ્ક્વોડ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કંબોજ, ગુરનૂર બરાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, ઈશાન કિશન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ યાદવ.
છેલ્લી 2 ODI માટે સ્ક્વોડ: શ્રેયસ અય્યર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર અને વાઈસ કેપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, ગુરનૂર બરાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર અને કુલદીપ યાદવ.









