SIR: મતદાર યાદીમાંથી નામ કપાયેલા લોકોને ફોર્મ ભરવાની ફરી તક

મતદાર યાદી (Voter List) સંબંધિત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન જેમનાં નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બાકાત રહી ગયાં છે, તેમને ચૂંટણી પંચે (Election Commission) વધુ એક તક આપી છે. આવા મતદારો હવે ફરીથી એન્યુમરેશન ફોર્મ (Enumeration Form) જમા કરાવી શકશે. આ નિર્ણયથી મતદાર યાદીમાં નામ સામેલ ન થઈ શકેલા નાગરિકોને પોતાની વિગતો રજૂ કરવાની અને મતાધિકાર જાળવી રાખવાની તક મળશે.
સાત રાજ્યો અને દિલ્હીના મતદારોને મળશે તક
ચૂંટણી પંચના આદેશ મુજબ આ સુવિધા દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, આંધ્રપ્રદેશ, ઝારખંડ, તેલંગાણા અને નાગાલેન્ડમાં લાગુ પડશે. જે મતદારોને અગાઉ એન્યુમરેશન ફોર્મ આપવામાં આવ્યાં હતાં, પરંતુ પરત ન મળવાને કારણે તેમનાં નામ ડ્રાફ્ટ મતદાર યાદી (Draft Electoral Roll)માં સામેલ થયાં નહોતાં, તેઓ હવે ફરી અરજી કરી શકશે. આ મતદારોને ગેરહાજર (Absent), સ્થળાંતરિત (Shifted), મૃત (Dead) અથવા ડુપ્લિકેટ (Duplicate) તરીકે નોંધવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે આવા મતદારોની બૂથવાર યાદી ફરીથી જાહેર કરવાનો પણ આદેશ આપ્યો છે. આ યાદીઓ મતદાન મથકો, પંચાયત ભવન અને શહેરી સ્થાનિક સંસ્થાઓની કચેરીઓમાં મૂકવામાં આવશે. સંબંધિત મુખ્ય ચૂંટણી અધિકારીઓની વેબસાઇટ પર પણ યાદી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઓનલાઈન અને ઓફલાઈન ફોર્મ ભરવાની સુવિધા
ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મતદાર નોંધણી અધિકારીઓને (ERO) નવાં આંશિક ભરેલાં ફોર્મ ઉપલબ્ધ કરાવવા સૂચના આપી છે. બૂથ લેવલ ઓફિસર (BLO) અસરગ્રસ્ત મતદારોનો સંપર્ક કરીને ફોર્મ પહોંચાડશે. જરૂરિયાત મુજબ વોટ્સએપ, ઈ-મેઇલ અથવા SMS દ્વારા પણ ફોર્મ મોકલી શકાશે. મતદારો ચૂંટણી પંચની વેબસાઇટ અથવા ECINET એપ પરથી પણ પોતાનો અગાઉનો EPIC નંબર ઉપયોગ કરીને ફોર્મ ડાઉનલોડ કરી શકશે. જે મતદારો એ જ સરનામે રહે છે, તેઓ અગાઉ ફોર્મ ન ભરી શકવાના કારણ સાથે સહી કરેલું ફોર્મ જમા કરાવી શકશે. રાજ્યની અંદર સ્થળાંતર કરનારા મતદારોએ નવું સરનામું અને સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. બેઘર મતદારો માટે BLOની સ્થળ તપાસનો અહેવાલ રહેઠાણના પુરાવા તરીકે સ્વીકારવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખવામાં આવશે, જેથી કોઈ લાયક મતદાર અંતિમ મતદાર યાદી (Final Electoral Roll)માં સામેલ થવાથી વંચિત ન રહે અને ડુપ્લિકેટ નોંધણી પણ અટકાવી શકાય.





