"CM યોગીને કેમ ખબર પડી કે ગાયબ થયેલા વોટ હિન્દુઓના જ છે?" અખિલેશ યાદવે મતદાર યાદી મુદ્દે ભાજપને બરાબરનું ઘેર્યું!

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં મતદાર યાદીમાંથી મોટા પાયે નામો કાપવાના મુદ્દે ભારતીય જનતા પાર્ટી (BJP) અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આકરા પ્રહારો કર્યા છે. મુખ્યમંત્રી દ્વારા મતદાર યાદીમાંથી કથિત રીતે 1 કરોડ 27 લાખ હિન્દુઓના નામ ગાયબ હોવા અંગે આપવામાં આવેલા નિવેદન સામે સવાલ ઉઠાવતા અખિલેશે પૂછ્યું કે, "મુખ્યમંત્રીને એ કેવી રીતે ખબર પડી કે જે નામો કપાયા છે તે માત્ર હિન્દુઓના જ છે?"
અખિલેશ યાદવે જણાવ્યું કે, 30 તારીખના પોતાના નિવેદનમાં મુખ્યમંત્રીએ આટલી મોટી સંખ્યામાં હિન્દુ મતદારોના નામ ગાયબ હોવાની વાત કહી હતી, જેના રેકોર્ડિંગ તમામ ટીવી ચેનલો પાસે ઉપલબ્ધ છે. તેમણે આરોપ લગાવ્યો કે વાસ્તવમાં આ નાગરિકોના મતાધિકારનો મુદ્દો છે, પરંતુ સત્તાપક્ષ દ્વારા 'ઘૂસણખોર' જેવા શબ્દોનો ઉપયોગ કરીને લોકોને ડરાવવાનો અને ચોક્કસ સમુદાયોને બદનામ કરીને તેમના મતાધિકાર છીનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ફોર્મ-7 મારફતે વોટ કાપવાનું મોટું ષડયંત્ર: અખિલેશ યાદવ
મતદાર યાદીમાંથી નામ રદ્દ કરવા માટે વપરાતા 'ફોર્મ-7'નો ઉલ્લેખ કરતાં સપા પ્રમુખે દાવો કર્યો હતો કે ભાજપ દ્વારા ખોટી રીતે લોકોના નામ કમી કરવા માટે ફોર્મ-7 ભરાવવામાં આવી રહ્યા હતા. તેમણે નંદલાલ નિષાદ નામના વ્યક્તિનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, તે સહી કરતા પણ જાણતા નહોતા, છતાં તેમના નામે બનાવટી સહી કરાવીને ફોર્મ-7 ભરી વોટ રદ્દ કરવાનો કારસો ઘડાયો હતો.
અખિલેશે ઉમેર્યું કે સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ અને 'PDA પ્રહરીઓ'ની સતર્કતાને કારણે આ સમગ્ર કાવતરું પકડાઈ ગયું હતું. સપા કાર્યકર્તાઓએ સમયસર વિરોધ નોંધાવી આ પ્રકારની ગેરરીતિ અટકાવી, જેના પગલે ઉત્તર પ્રદેશમાં આ પ્રકારે ફોર્મ-7 ભરવાનું તાત્કાલિક બંધ કરવું પડ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે લોકોના બંધારણીય અધિકારો પર થતા કોઈપણ પ્રહાર સામે સમાજવાદી પાર્ટી લડત ચાલુ રાખશે.









