ઝારખંડના મંત્રીનું નિવેદન: 'રાહુલ ગાંધીના એક ઈશારે 40 લાખ યુવાનો દેશના હાલ નેપાળ-બાંગ્લાદેશ જેવા કરવા તૈયાર'

ઝારખંડ સરકારના કોંગ્રેસ કોટાના આરોગ્ય મંત્રી ડૉ. ઈરફાન અંસારીના એક વિવાદાસ્પદ નિવેદને દેશના રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે. અંસારીએ દાવો કર્યો છે કે, 'દેશમાં આશરે 40 લાખ યુવાનો રસ્તા પર ઉતરવા માટે તૈયાર છે અને તેઓ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના આદેશની રાહ જોઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ જ હાલમાં આ યુવાનોને રોકી રાખ્યા છે.' તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેતવણી આપતા કહ્યું કે, 'જો સમયસર પરિસ્થિતિ સંભાળવામાં નહીં આવે તો ભારતની સ્થિતિ બાંગ્લાદેશ અને નેપાળ કરતાં પણ વધુ ખરાબ થઈ શકે છે.'
બાંગ્લાદેશ અને નેપાળ જેવી સ્થિતિ સર્જાવાની આપી ચેતવણી
એક ઇન્ટરવ્યૂમાં મંત્રી ઈરફાન અંસારીએ જણાવ્યું હતું કે, 'તાજેતરમાં દિલ્હી મુલાકાત દરમિયાન તેઓ વિદ્યાર્થીઓને મળ્યા હતા. દેશમાં યુવાનો, ખેડૂતો, મજૂરો, મધ્યમ વર્ગ, દલિતો અને આદિવાસીઓમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી છે. જો આટલી મોટી સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતરી આવશે તો સરકાર તેમને રોકવા માટે કેટલી સેના બોલાવશે? દેશમાં 13 કરોડ મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવી રહ્યા છે.'
ભાજપે ગણાવ્યું અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર
મંત્રીના આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટીએ આકરો પલટવાર કર્યો છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ આ નિવેદનને અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર ગણાવ્યું હતું અને આને કોંગ્રેસની અરાજકતાની રાજનીતિનું પૂરવાર થતું ઉદાહરણ ગણાવ્યું હતું. અન્ય ભાજપ પ્રવક્તા પ્રતુલ શાહદેવે પણ આ નિવેદનને રાષ્ટ્રવિરોધી ગણાવીને કેન્દ્ર સરકાર પાસે ઈરફાન અંસારી સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
મંત્રીને મંત્રીમંડળમાંથી હટાવવાની વિહપ (VHP)ની માંગ
વિશ્વ હિંદુ પરિષદે પણ ઈરફાન અંસારી પર ભડકાઉ નિવેદન આપવા અને રાષ્ટ્રવિરોધી માનસિકતા ધરાવવાનો આક્ષેપ કરીને તેમને ઝારખંડ સરકારના મંત્રીમંડળમાંથી તાત્કાલિક અસરથી હટાવવાની માંગ કરી છે. વિહપના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી વિપક્ષની સંયુક્ત રેલીની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે, 'દેશભરમાંથી લોકોને એકઠા કરવાનો પ્રયાસ કરવા છતાં વિપક્ષી રેલીની વાસ્તવિકતા સૌની સામે આવી ગઈ છે.'





