ઝારખંડના ખૂંટીમાં કાળમુખો અકસ્માત: બેફામ ટ્રેલરે રસ્તા કિનારે ઊભેલા લોકોને કચડ્યા, 4 બાળકો સહિત 7ના મોત

ઝારખંડના ખૂંટીમાં કાળમુખો અકસ્માત: બેફામ ટ્રેલરે રસ્તા કિનારે ઊભેલા લોકોને કચડ્યા, 4 બાળકો સહિત 7ના મોત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઝારખંડના ખૂંટી જિલ્લામાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે, જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલર ટ્રકે રસ્તા કિનારે ઊભેલા લોકોના ટોળાને જોરદાર અડફેટે લીધું હતું. આ ભયાનક દુર્ઘટનામાં ત્રણ મહિલાઓ અને ચાર બાળકો સહિત કુલ સાત લોકોનાં કરૂણ મોત નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. એક તીવ્ર વળાંક પર ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કૌશંબી કોલોની નજીક એક સ્કૂટર ચાલકે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને તેનું સ્કૂટર રસ્તાની બાજુમાં આવેલી ઝાડીઓમાં ઘૂસી ગયું હતું. અકસ્માતનો અવાજ અને બૂમાબૂમ સાંભળીને આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક તે સ્કૂટર ચાલકની મદદે દોડી આવ્યા હતા.

જાહેરાત

કેટલાક લોકો ઇજાગ્રસ્ત સ્કૂટર સવારને બહાર કાઢી મદદ કરી રહ્યા હતા, ત્યારે આસપાસની મહિલાઓ અને બાળકો પણ રસ્તાની કિનારે ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. બરાબર એ જ ક્ષણે તોરપા તરફથી આવી રહેલા એક બેફામ ટ્રેલરે આ ટોળા પર કાળ બનીને ફરી વળ્યું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે ત્યાં ઊભેલા લોકોને ભાગવાની કે સંભાળવાની તક પણ ન મળી. આ ભયાવહ ટક્કરમાં ચાર મહિલાઓ સહિત છ લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં.

બે પરિવારોનો માળો વિખેરાયો આ એક જ અકસ્માતે બે હસતા-રમતા પરિવારોને ક્ષણભરમાં ઉજ્જડ કરી દીધા છે. સ્થાનિક રહીશ બિરસા નાયકે ભારે હૈયે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં તેમના પરિવારના ત્રણ સભ્યો—તેમની પત્ની કસિલા દેવી, પુત્રી અંજલિ અને માત્ર એક વર્ષના પૌત્ર સૌરભનું મોત થયું છે. જ્યારે તેમની અન્ય એક પુત્રી ખુશબૂ ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે ખૂંટી સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

બીજા એક કરૂણ બનાવમાં, રાજેશ નામના સ્થાનિક યુવકના પરિવારના ચાર સભ્યો આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. જેમાં તેની પત્ની ફગન સાંગા, માતા કર્મી લોહરાઇન અને બે માસૂમ પુત્રીઓ સુભાની કુમારી તથા સોની કુમારી કાળનો કોળિયો બની ગઈ છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે, રાજેશ માત્ર ત્રણ દિવસ પહેલાં જ મજૂરી કામ અર્થે ગુજરાત ગયો હતો, જ્યાં તેને પોતાના આખા પરિવારના મોતના સમાચાર મળતાં આઘાતમાં સરી પડ્યો છે.

અકસ્માત સર્જાયા બાદ ટ્રેલર ચાલક અને ક્લીનર વાહન સ્થળ પર જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને ફરાર ચાલક અને તેના સાથીદારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ખૂંટીના પોલીસ અધિક્ષક (SP) ઋષભ ગર્ગે જણાવ્યું હતું કે, તોરપા તરફથી આવતી ટ્રક તીવ્ર વળાંક લેતી વખતે અચાનક અનિયંત્રિત થઈ ગઈ હતી અને રસ્તા પર ઊભેલા લોકો પર ચઢી ગઈ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ અંધારું હોવાને કારણે ચાલક ટોળાને સમયસર જોઈ શક્યો ન હોય તેવી શક્યતા છે. તેમણે વધુમાં પુષ્ટિ કરી હતી કે સાત લોકોનાં મોત થયાં છે અને એક વ્યક્તિ ઘાયલ છે, જેમાંથી છ લોકોએ સ્થળ પર જ દમ તોડ્યો હતો જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મુખ્યમંત્રી હેમંત સોરેને શોક વ્યક્ત કર્યો આ દર્દનાક દુર્ઘટના પર ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી હતી.

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં લખ્યું: "ખૂંટીના કર્રામાં માર્ગ અકસ્માતમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા હોવાના હૃદયદ્રાવક સમાચારથી મને ભારે આઘાત પહોંચ્યો છે. આ અકસ્માતમાં પોતાના સ્વજનો ગુમાવનારા તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. મરાંગ બુરુ દિવંગત આત્માઓને શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી હું પ્રાર્થના કરું છું."

આ સમાચાર શેર કરો

જાહેરાત