દિલ્હી-NCR પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: "ખરાબ હવા હવે સામાન્ય બની ગઈ, માત્ર ખેડૂતો અને પરાલી પર દોષ કેમ?"

દિલ્હી અને સમગ્ર NCR વિસ્તારમાં સતત ઝેરી બની રહેલી હવા અને ગંભીર વાયુ પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટે આકરું વલણ અખત્યાર કર્યું છે. સુપ્રીમ કોર્ટની વિશેષ બેંચે સુનાવણી દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી કે દિલ્હી-NCRમાં 'ખરાબ' એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) હવે એક સામાન્ય બાબત બની ચૂકી છે, જેથી તંત્રએ હવે સ્થિતિ 'ગંભીર' અને 'અતિ ગંભીર' ન બને તે રોકવા માટે તાત્કાલિક કટોકટીના પગલાં લેવા પડશે.
સુનાવણી દરમિયાન અદાલતે માત્ર ખેડૂતો દ્વારા પરાલી સળગાવવા પર જ દોષનો ટોપલો ઢોળવા સામે ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે તીખી ટિપ્પણી કરતાં કહ્યું, "ખેડૂતોને સાધનો પૂરા પાડવામાં આવ્યા છે અને તેઓ પ્રયાસ પણ કરી રહ્યા છે, પરંતુ રસ્તાઓ પર દોડતી ધનિક વર્ગની મોંઘી લક્ઝરી કારોમાંથી નીકળતા ઉત્સર્જન અને ધુમાડાનું શું? તેમની જવાબદારી પણ નક્કી થવી જોઈએ."
અદાલતે સરકારને સીધો સવાલ પૂછ્યો કે, "સમસ્યા શું છે તે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ તેના પર તાત્કાલિક કાબૂ મેળવવા માટે શું કરવામાં આવી રહ્યું છે?" તેના જવાબમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલે (ASG) જણાવ્યું કે હવાની ગુણવત્તા બગડતાં જ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) હેઠળ કડક પગલાં લાગુ કરવામાં આવે છે. આ ઉપરાંત બહારથી આવતા વાહનો માટે BS-VI ધોરણોનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે.
કેન્દ્ર સરકારે અદાલત સમક્ષ દાવો કર્યો કે આ વર્ષે હરિયાણા અને પંજાબમાં પરાલી સળગાવવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે માત્ર બેઠકો અને કાગળ પરની યોજનાઓથી પરિણામ નહીં મળે; રાજધાનીની હવાને શ્વાસ લેવા યોગ્ય બનાવવા માટે ધરાતલ પર નક્કર અને તાત્કાલિક પગલાં ભરવા અનિવાર્ય છે.





