દિલ્હીમાં હવાનું પ્રદૂષણ વધતાં GRAP-2 લાગુ, AQI 324 પર પહોંચ્યો; દિલ્હી-NCRમાં નિયંત્રણો કડક

દિવાળીના તહેવાર પહેલાં જ દિલ્હીમાં હવાનું પ્રદૂષણ (Air Pollution) ગંભીર બનવા લાગ્યું છે. રાજધાનીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 324 પર પહોંચતાં હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ (Very Poor) શ્રેણીમાં નોંધાઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) દ્વારા દિલ્હી-NCRમાં તાત્કાલિક અસરથી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના બીજા તબક્કા એટલે કે GRAP-2નો અમલ કરવામાં આવ્યો છે. આ સાથે પ્રદૂષણ નિયંત્રણ માટેના પગલાં વધુ કડક બનાવવામાં આવ્યા છે.
ત્રણ દિવસમાં AQIમાં મોટો ઉછાળો
દિલ્હીની હવાની ગુણવત્તામાં છેલ્લા ત્રણ દિવસમાં નોંધપાત્ર બગાડ જોવા મળ્યો છે. 31 ઓક્ટોબરે AQI 117 હતો, જે 1 નવેમ્બરે વધીને 261 થયો હતો. ત્યારબાદ 2 નવેમ્બરે આ આંકડો 324 સુધી પહોંચ્યો હતો. પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે પ્રદૂષકો હવામાં લાંબા સમય સુધી રહેવાની શક્યતા છે. તેથી આગામી દિવસોમાં પણ હવાની ગુણવત્તા ખરાબ રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
રસ્તાઓની સફાઈ અને પાણીનો છંટકાવ વધશે
GRAP-2 હેઠળ દિલ્હી-NCRના મુખ્ય રસ્તાઓ પર મશીન દ્વારા સફાઈ (Mechanical Sweeping), પાણીનો છંટકાવ અને એન્ટી-સ્મોગ ગનનો ઉપયોગ વધારવામાં આવશે. બાંધકામ સ્થળોએ ધૂળ નિયંત્રણના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ પણ વધુ કડક બનાવવામાં આવશે. કચરો ખુલ્લામાં સળગાવવાની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે મુખ્ય માર્ગો અને ચોક પર ટ્રાફિક પોલીસની તહેનાતી વધારવામાં આવશે. પ્રદૂષણ ફેલાવતા વાહનો અને માન્ય પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC Certificate) વગર ચાલતાં વાહનો સામે પણ તપાસ તેજ કરવામાં આવશે.
પાર્કિંગ મોંઘું થશે, જાહેર પરિવહનને પ્રોત્સાહન
ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડવા માટે પાર્કિંગ ચાર્જ (Parking Charges) વધારવાની વ્યવસ્થા કરવામાં આવશે. મેટ્રો, પ્રાદેશિક ઝડપી પરિવહન સેવા (RRTS), CNG અને ઇલેક્ટ્રિક બસોની ફ્રીક્વન્સી વધારવા પર પણ ભાર મૂકવામાં આવશે. ઓફિસોમાં કર્મચારીઓ માટે કારપૂલિંગ (Carpooling) અને સામૂહિક પરિવહનને પ્રોત્સાહન આપવા સૂચના આપવામાં આવી છે.
નાગરિકોને પણ સહયોગ આપવા અપીલ
અધિકારીઓએ નાગરિકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા, વાહનોની નિયમિત જાળવણી કરવા અને ટ્રાફિક સિગ્નલ પર વાહનનું એન્જિન બંધ રાખવા અપીલ કરી છે. કચરો સળગાવવાથી દૂર રહેવા અને પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓની જાણ સંબંધિત વિભાગોને કરવા પણ જણાવાયું છે. GRAP હેઠળ પ્રદૂષણની ગંભીરતા પ્રમાણે ચાર તબક્કામાં પગલાં લેવામાં આવે છે. હાલ AQI 324 હોવાથી દિલ્હી-NCRમાં બીજા તબક્કાનો અમલ શરૂ થયો છે. જો હવાની ગુણવત્તા વધુ બગડશે, તો આગળના તબક્કાના નિયંત્રણો લાગુ કરવાની જરૂર પડી શકે છે.












