મુખ્ય સામગ્રી પર જાઓ

Video: દિલ્હી-NCRમાં શ્વાસ લેવો મુશ્કેલ બને તે પહેલાં કેન્દ્ર એલર્ટ: 5 થી 20 નવેમ્બર વચ્ચે લાગુ થશે આકરા નિયમો!

સોર્સ: gstv

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં શિયાળાની ઋતુ દરમિયાન વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર અને વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન પંચ (CAQM) સક્રિય બન્યા છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે નવેમ્બર મહિનામાં પ્રદૂષણની સંભવિત કટોકટીને ધ્યાનમાં રાખીને બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓ પર નિયંત્રણો લાદવા તેમજ રસ્તાની ધૂળ અટકાવવા માટે એડવાન્સ એડવાઈઝરી જારી કરવાનો નિર્ણય લેવાયો છે.

પર્યાવરણ મંત્રીએ જણાવ્યું કે, દિલ્હી સરકારે સમગ્ર નવેમ્બર મહિના માટે કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે CAQM દ્વારા ઐતિહાસિક આંકડાઓનું વિશ્લેષણ કરીને એવું તારણ કાઢવામાં આવ્યું છે કે ૫ થી ૨૦ નવેમ્બર દરમિયાન પ્રદૂષણનું સ્તર વધુ પડકારજનક રહે છે. આ સમયગાળામાં ઊભા થનારા પડકારોને પહોંચી વળવા પંચે અગાઉથી જ સલાહકારી માર્ગદર્શિકા બહાર પાડીને નિર્માણ કાર્યો અટકાવવા અને રોડ ડસ્ટ મેનેજમેન્ટ અસરકારક રીતે અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે.

આ ઉપરાંત પરાળીના પ્રશ્ન પર વાત કરતાં કેન્દ્રીય મંત્રીએ પંજાબ અને હરિયાણાના ખેડૂતોની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે, "આ વખતે પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ પરાળીના 'એક્સ-સિટુ' (Ex-situ) એટલે કે ખેતર બહાર અન્યત્ર ઉપયોગ માટે પ્રશંસનીય કામ કર્યું છે. જ્યારે પરાળીનો વ્યાવસાયિક સ્તરે ઉપયોગ શરૂ થશે, ત્યારે આપણે આ કાયમી સમસ્યામાંથી બહાર નીકળી શકીશું અને તેનાથી દેશની સર્ક્યુલર ઇકોનોમી પણ મજબૂત બનશે." તેમણે માહિતી આપી હતી કે આ વર્ષે આશરે ૪૦ ટકા જેટલી પરાળીને 'એક્સ-સિટુ' ઉપયોગ તરફ વાળવામાં આવશે.

આ સમાચાર શેર કરો