'બિહારની લહેર સમગ્ર દેશમાં ફેલાશે, બંગાળથી કેરળ સુધી ભગવો લહેરાશે': BJP કાર્યકારી અધ્યક્ષ
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન મંગળવારે પટના પહોંચ્યા. bjp કાર્યકા

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન મંગળવારે પટના પહોંચ્યા. bjp કાર્યકારી અધ્યક્ષનું પદ સંભાળ્યા પછી પહેલી વાર બિહારની મુલાકાત દરમિયાન દાવો કર્યો કે, પશ્ચિમ બંગાળથી કેરળ સુધી ભગવો ધ્વજ લહેરાશે. બિહાર ચૂંટણી પરિણામોની અસર દેશભરમાં જોવા મળી રહી છે.
નીતિન નબીને કહ્યું કે, પાર્ટીનો ઉદ્દેશ્ય એક લાખ યુવા નેતાઓને આગળ લાવવાનો છે. તેઓ હંમેશા બિહારના વિકાસ અને સમાનતા માટે ઉભા રહેશે. નીતિન નવીને રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, જ્યારે તેઓ દેશમાં રહે છે, ત્યારે તેઓ બંધારણ પર સવાલ ઉઠાવે છે અને જ્યારે વિદેશમાં જાય તો દેશનું જ અપમાન કરે છે.
સન્માન સમારોહમાં પાર્ટી કાર્યકરોને સંબોધતા કહ્યું કે, ટોચના નેતૃત્વએ બિહારમાં ખૂબ વિશ્વાસ મૂક્યો છે. આ પાર્ટીના કાર્યકરોને કારણે શક્ય બન્યું છે. તેઓએ જંગી જીત મેળવી. તે જીતના પ્રકાશમાં આખો દેશ આગળ વધી રહ્યો છે. દેશમાં અને જ્યાં પણ ચૂંટણીઓ થઈ રહી છે ત્યાં ભાજપનો ભગવો લહેાતો જોવા મળી રહ્યો છે. બિહારમાં ભાજપની વિજય લહેર બંગાળથી કેરળ સુધી ફેલાશે. ચિંતા ના કરો, બધે જ ભગવો લહેરાશે.
નીતિન નબીને તેમના પિતા નબીન કિશોર સિંહાને યાદ કરતા કહ્યું, "તેમણે મને કાર્યકરો સાથે જોડાવાનું શીખવ્યું. તે પાઠ આજે સાચો પડ્યો છે. જ્યારે દરેક કાર્યકર નેતા સાથે જોડાય ત્યારે વિજયની સાંકળ પૂર્ણ થાય છે. કાર્યકરોએ કેવી રીતે કામ કરવું તે વિશે વિચારે છે. રાજકારણમાં શોર્ટકટ પર આધાર ન રાખવો. કામ કરતા રહો, ભાજપ તમને જમીનથી ઉપર ઉઠાવશે. આના માટે તમારે ફક્ત લોકો સાથે જોડાઈ સાથે મળી કામ કરવાની જરૂર છે.
એક લાખ યુવા નેતાઓ બનાવવાનું લક્ષ્ય
પીએમ નરેન્દ્ર મોદીનું સ્વપ્ન એક લાખ યુવા નેતાઓ બનાવવાનું છે. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે પાર્ટીના કાર્યકરો પંચાયતોથી સંસદ સુધી પ્રગતિ કરશે. જો તમે નેતા બનવા માંગતા હો, તો તમારે જનતા સાથે રહેવું જોઈએ. તેમની સાથે મળીને તેમની સમસ્યાઓ અને જરૂરિયાતમાં કામ કરો. ભાજપનો વોચટાવર બહુ મજબૂત છે. તે તમને નીચેથી ઉપર સુધી ઉંચા લઈ જશે. આપણે બધાએ પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અત્યારથી તૈયારીમાં લાગી જવાની જરૂર છે.
રાહુલ-તેજસ્વી પાર્ટ-ટાઇમ રાજકારણી
નીતિન નબીને રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પર નિશાન સાધતા કહ્યું કે, કેટલાક લોકો રાજકારણને પાર્ટ-ટાઇમ વ્યવસાય માને છે. રાહુલ ગાંધી ઘર કરતાં વિદેશમાં વધુ ઊર્જા ખર્ચ કરે છે. તેઓ બિહારમાં પાર્ટ-ટાઇમ રાજકારણી છે. તેઓ ગૃહમાં દેખાતા નથી, કે તેઓ મુદ્દાઓ પર રસ્તા પર ઉતરતા નથી. જ્યારે હારી જાય ત્યારે વિદેશ જતા રહે છે. હાલ જર્મનીમાં જઈને દેશનું અપમાન કર્યું. આ તેમનું લક્ષણ છે. દેશમાં રહીને તેઓ બંધારણ અને ચૂંટણી પંચનું અપમાન કરે છે, અને જ્યારે વિદેશ જાય ત્યારે દેશનું અપમાન કરે છે. આવા લોકોને સજા કરવાનો સમય આવી ગયો છે.








