બિલકિસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશન ફગાવી, કરી હતી આ વિનંતી
બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં દોષિતોને મુક્ત કરવા

બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં દોષિતોને મુક્ત કરવા સંબંધિત આદેશમાં કરવામાં આવેલી ટિપ્પણીને કાઢી નાખવાનો ઇનકાર કર્યો હતો. ગુજરાત સરકારે તેના વિરુદ્ધ કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓને દૂર કરવા અનુરોધ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર બળાત્કાર અને તેના પરિવારની હત્યાના દોષી 11 લોકોની સમયપૂર્વ મુક્તિને રદ કરી હતી. આ સમયે કોર્ટે કેટલીક મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું, "રિવ્યુ પિટિશન પડકારવામાં આવેલ આદેશ અને તેની સાથે જોડાયેલા દસ્તાવેજોનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યા પછી અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે, રેકોર્ડ પર કોઈ ભૂલ દેખાતી નથી અથવા રિવ્યુ પિટિશનમાં કોઈ યોગ્યતા નથી જેના કારણે પડકારવામાં આવેલ આદેશ પુનર્વિચાર કરવામાં આવે."
શું છે બિલકિસ બાનો કેસ?
2002માં ગુજરાત રમખાણ સમયે 3 માર્ચે દાહોદ જિલ્લાના રંધિકપુર ગામમાં બિલકિસ બાનો સાથે ગેન્ગરેપ કરવામાં આવ્યો હતો અને તેના પરિવારના સાત લોકોની હત્યા કરવામાં આવી હતી. તે સમયે બિલકિસ બાનો પ્રેગનન્ટ હતી. આ કેસમાં રાધેશ્યામ શાહ, જસવંત ચતુરભાઇ નાઇ, બકાભાઇ વદાનિયા, રાજીવભાઇ સોની, કેશુભાઇ વદાનિયા, શૈલેષ ચૌહાણ, બિપિન ચંદ્ર જોશી, મિતેશ ભટ્ટ, પ્રદીપ મોઢિયા અને ગોવિંદભાઇ નાઇ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
તમામ આરોપીની 2004માં ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા અમદાવાદ કોર્ટમાં સુનાવણી શરૂ થઇ હતી પરંતુ બિલકિસ બાનોએ કહ્યું કે અહીં સાક્ષીઓને ધમકાવવામાં આવી રહ્યાં છે અને પુરાવા સાથે છેડછાડનો પ્રયાસ થઇ રહ્યો છે. તે બાદ કેસને મુંબઇ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 2008માં 11 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. 7 આરોપીઓને છોડવામાં આવ્યા હતા અને એકનું મોત થયું હતું. 2022માં ગુજરાત સરકારે 1992ની માફી નીતિ અનુસાર ગોધરાની સબ જેલમાંથી આરોપીઓને છોડી મુક્યા હતા. તે બાદ બિલકિસ બાનોએ આ નિર્ણયને પડકાર્યો હતો અને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના ચુકાદાને પલટી નાખ્યો હતો. તે બાદ તમામ આરોપીઓએ સરેન્ડર કર્યું હતું અને તેમને પરત જેલમાં જવું પડ્યું હતું.








