મૈસૂર દશેરા ઉત્સવમાં બાનૂ મુશ્તાક જ ચીફ ગેસ્ટ, કર્ણાટક સરકારના નિર્ણય વિરુદ્ધની અરજીઓ સુપ્રીમે ફગાવી
સુપ્રીમ કોર્ટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર વિજેતા બાનુ મુશ્તાકને આ વર્ષે મૈસુર દશ

સુપ્રીમ કોર્ટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર વિજેતા બાનુ મુશ્તાકને આ વર્ષે મૈસુર દશેરા ઉત્સવના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવાના કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી ફગાવી દીધી છે. શુક્રવારે (૧૯ સપ્ટેમ્બર) ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે કર્ણાટક હાઈકોર્ટના ૧૫ સપ્ટેમ્બરના આદેશને યોગ્ય ઠેરવ્યો છે. જેમાં રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજીઓ પર વિચાર કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
મૈસુર દશેરા વિવાદ શું છે?
કર્ણાટક સરકારે 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા મૈસુરના ચામુંડેશ્વરી મંદિરમાં દશેરા ઉત્સવના ઉદ્ઘાટન માટે બાનુ મુશ્તાકને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યું છે. અરજદારોનો દલીલ છે કે ચામુંડેશ્વરી મંદિરમાં કરવામાં આવતી પૂજા અને વૈદિક વિધિઓ હિન્દુ પરંપરાઓનો ભાગ છે, જેમાં દીવા પ્રગટાવવા, હળદર અને કુમકુમ ચઢાવવા, ફળો અને ફૂલો અર્પિત કરવામાં આવે છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે આ વિધિઓ અનુષ્ઠાન આગમિક પરંપરાઓ અનુસાર કરવામાં આવે છે અને બિન-હિન્દુઓ દ્વારા તે કરી શકાતી નથી.
અરજદારોએ મુશ્તાકની પસંદગીને હિન્દુ ધાર્મિક લાગણીઓ અને પરંપરાઓનું અપમાનજનક ગણાવી છે. મૈસુરના પૂર્વ ભાજપ સાંસદ પ્રતાપ સિંહા સહિત કેટલાક વર્ગોએ મુશ્તાકના ભૂતકાળના નિવેદનોને "હિન્દુ વિરોધી" અને "કન્નડ વિરોધી" ગણાવતા વિવાદે વધુ વેગ પકડ્યો. તેમણે દલીલ કરી હતી કે પરંપરાગત રીતે આ તહેવાર વૈદિક મંત્રોના જાપ અને દેવી ચામુંડેશ્વરીને ફૂલો ચઢાવવાથી શરૂ થાય છે. બાનો મુશ્તાકની પસંદગી પરંપરાઓનું ઉલ્લંઘન છે.
કર્ણાટક સરકારે નિર્ણયનો બચાવ કર્યો
કર્ણાટક સરકારે નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે મૈસુર દશેરા કોઈ પ્રાઈવેટ ધાર્મિક કાર્યક્રમ નથી પરંતુ રાજ્યનો જાહેર કાર્યક્રમ છે. સરકારે દલીલ કરી હતી કે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કોઈપણ ધર્મના વ્યક્તિને આમંત્રિત કરવા પર કોઈ પ્રતિબંધ નથી. સરકારે એ પણ નિર્દેશ કર્યો હતો કે બાનુ મુશ્તાક માત્ર એક લેખક જ નહીં પરંતુ એક વકીલ અને સામાજિક કાર્યકર પણ છે જેમને અગાઉ અનેક સરકારી કાર્યક્રમોમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.
15 સપ્ટેમ્બરે કર્ણાટક હાઈકોર્ટે આ મામલે દાખલ કરાયેલી અરજીઓ ફગાવી હતી. હાઈકોર્ટે કહ્યું કે, કોઈ અન્ય ધર્મની વ્યક્તિનું આ પ્રકારે આવા આયોજનમાં શામેલ થવું ન તો બંધારણનું ઉલ્લંઘન છે, ન તો ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.
આ મામલે હાઈકોર્ટની વિરુદ્ધ અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં હાઈકોર્ટના એ તર્કને ચેલેન્જ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ બનવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે ઉત્સવ 22 તારીખથી શરૂ થતો હોઈ તાત્કાલિક સુનાવણી હાથ ધરી હતી.
મૈસુર દશેરા ઉત્સવ જેને નાડા હબ્બા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કર્ણાટકમાં એક મુખ્ય સાંસ્કૃતિક અને ધાર્મિક તહેવાર છે. જેનો પ્રારંભ 22 સપ્ટેમ્બરથી થશે અને વિજયા દશમીના દિવસે 2 ઓક્ટોબરે પૂરો થશે. પરંપરાગત રીતે આ ઉત્સવની ઉજવણીની શરૂઆત ચામુંડેશ્વરી મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે દેવી ચામુંડેશ્વરીની મૂર્તિ પર ફૂલોની વર્ષાથી થાય છે. આ ઘટના મૈસુર રાજવી પરિવારની પરંપરાઓ સાથે પણ જોડાયેલી છે. જ્યારે સરકાર તેના નિર્ણયને સમાવિષ્ટ અને બંધારણીય ગણાવતા અરજદારો તેને ધાર્મિક પરંપરાઓનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે. આ મુદ્દાએ માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક ચર્ચા જ નહીં, પણ રાજકીય તણાવ પણ તીવ્ર બનાવ્યો છે.








