ATFમાં ઇથેનોલ બ્લેન્ડિંગની મળી મંજૂરી, માર્કેટિંગ નિયમોમાં સુધારો કરતા સસ્તી થઈ શકે છે હવાઈ મુસાફરી
સરકારે એવિએશન સેક્ટરમાં મોંઘા કાચા ઇંધણની આયાત પર નિર્ભરતા ઓ

સરકારે એવિએશન સેક્ટરમાં મોંઘા કાચા ઇંધણની આયાત પર નિર્ભરતા ઓછી કરવા અને પ્રદૂષણ ઘટાડવા માટે મોટું પગલું ભર્યું છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)માં ઇથેનોલ બ્લેન્ડિંગની મંજૂરી આપી દીધી છે. આ સંબંધમાં મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડીને ATF માર્કેટિંગ નિયમોમાં સુધારો કર્યો છે. આ નિર્ણયથી હવાઈ મુસાફરીને વધુ સ્વચ્છ બનાવવામાં મદદ મળશે. સાથે જ દેશની વિદેશી ઇંધણ પરની નિર્ભરતા પણ ઘટશે. જેથી આગામી સમયમાં હવાઈ મુસાફરી સસ્તી પણ થઈ શકે.
ATFમાં સિન્થેટિક કમ્પોનન્ટ્સ જેવા કે ઈથેનોલ ભેળવી શકાશે
નવા નિયમો મુજબ, એવિએશન ટર્બાઇન ફ્યુઅલની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ATFમાં હાઇડ્રોકાર્બન સાથે સિન્થેટિક કમ્પોનન્ટ્સ જેવા કે ઈથેનોલને પણ ભેળવી શકાશે.
એવિએશન ટર્બાઇન ફ્યુઅલ(ATF)ના નિયમોમાં ફેરફાર
મહત્ત્વનું છે કે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે 17 એપ્રિલ 2026ના નોટિફિકેશન દ્વારા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ(ATF)ના નિયમોમાં ફેરફાર કર્યો છે. જેની વિગતો હવે બહાર આવી છે. મંત્રાલયે 'એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (રેગ્યુલેશન ઓફ માર્કેટિંગ) ઑર્ડર, 2001'માં સુધારો કરીને ATFની વ્યાખ્યા અને તેના નિયમનની રીતને અપડેટ કરી છે. પેટ્રોલિયમ મંત્રાલયે એવિએશન ટર્બાઇન ફ્યુઅલમાં સિન્થેસાઇઝ્ડ હાઇડ્રોકાર્બન (જે શેરડી, વેસ્ટ ઓઇલ, કૃષિ અવશેષો અથવા સિન્થેટિક ફ્યુઅલ જેવા બાયો-ફીડમાંથી બને છે)ને ભેળવવાની મંજૂરી આપી દીધી છે.
SAFને પ્રોત્સાહન આપવાની દિશામાં પગલું
સુધારેલા નિયમો હેઠળ હવે એવિએશન ટર્બાઇન ફ્યુઅલને 'હાઇડ્રોકાર્બનનું એક જટિલ મિશ્રણ, જે IS 1571 ધોરણને અનુરૂપ હોય અથવા IS 17081 માં નિર્દિષ્ટ સિન્થેસાઇઝ્ડ હાઇડ્રોકાર્બન સાથે બ્લેન્ડ કરવામાં આવ્યું હોય' તે રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. સરકારનું આ પગલું સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF)ને પ્રોત્સાહન આપવાની દિશામાં માનવામાં આવી રહ્યું છે. SAFને પરંપરાગત વિમાન ઇંધણનો સ્વચ્છ વિકલ્પ માનવામાં આવે છે. તે વર્તમાન વિમાન પ્રણાલીઓમાં મોટા ફેરફારો કર્યા વિના ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરી શકે છે.
આ નિર્ણય ભારતની આયાતી અશ્મિભૂત ઇંધણ (Fossil Fuel) પરની નિર્ભરતા ઘટાડવાની વ્યૂહરચના સાથે પણ જોડાયેલો છે. દેશ તેની કુલ તેલની જરૂરિયાતના લગભગ 87 ટકા આયાત દ્વારા પૂરી કરે છે. જો કે સરકારે આ નિયમને લઈને તાત્કાલિક કોઈ પણ પ્રકારનું લક્ષ્ય નિર્ધારિત કર્યું નથી, સાથે જ આ અધિસૂચનામાં કોઈ સમય સીમા પણ રાખવામાં આવી નથી. SAFને યોગ્ય ઢંગ મુજબ લાગુ કરવામાં આવશે તો હાલ મધ્ય પૂર્વ યુદ્ધને કારણે હવાઈ સફરની વધેલી કિંમતો પર નિયંત્રણ આવી શકે છે જેથી હવાઈ મુસાફરી પણ સસ્તી થઈ શકે છે.






